NBFCના કમર્શિઅલ પેપર્સમાં રોકાણમાં સતત ઘટાડો
- સેબીના નવા નિયમ તાૃથા નોન-બેન્કિંગ ફાઈનાન્સ ક્ષેત્રની નબળાઈ મુખ્ય કારણભૂત
- રેપો રેટમાં ૧૩૫ બેઝિસ પોઈન્ટનો ઘટાડો છતાં સીપીનું વેપાર વોલ્યુમ ઘટયું
મુંબઈ, તા. 28 જાન્યુઆરી 2020, મંગળવાર
નોન બેન્કિંગ ફાઈનાન્સિઅલ કંપનીઝ (એનબીએફસી) દ્વારા લવાતા કમર્સિઅલ પેપર્સ (સીપી)માં મ્યુચ્યુઅલ ફન્ડ ઉદ્યોગના રોકાણમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. બજાર નિયામક સિક્યુરિટીઝ એન્ડ એકસચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી)એ માત્ર એકસચેન્જમાં લિસ્ટેડ હોય તેવી એનબીએફસીના પેપર્સમાં રોકાણ કરવાનો મ્યુચ્યુઅલ ફન્ડ ઉદ્યોગને નિર્દેશ આપ્યા બાદ આ ઘટાડો જોવા મળ્યો છે.
સીપી એ એક વર્ષથી ઓછી મુદતના ટૂંકા ગાળાના ઋણ સાધનો છે જે બેન્કો સિવાયની કંપનીઓ દ્વારા જારી કરવામાં આવે છે.
ગયા વર્ષના ડિસેમ્બરમાં એક નોટિફિકેશન મારફત સેબીએ ફન્ડ હાઉસો માટે માત્ર એકસચેન્જમાં લિસ્ટેડ એનબીએફસીના જ સીપીમાં રોકાણ કરવાનું ફરજિયાત બનાવ્યું છે.
જાન્યુઆરીમાં અત્યારસુધીમાં સીપીનો વેપાર વોલ્યુમનો આંક રૂપિયા ૩૪૬૫૯.૮૫ કરોડ રહ્યો છે જે ડિસેમ્બર ૨૦૧૯માં રૂપિયા ૪૯૦૬૬ કરોડ રહ્યો હતો. ૨૦૧૮ના ડિસેમ્બરમાં આ આંક રૂપિયા ૧.૧૬ ટ્રિલિયન રહ્યો હતો અને જાન્યુઆરી ૨૦૧૯માં રૂપિયા ૧.૧૯ ટ્રિલિયન જોવા મળ્યો હતો એમ બજારના સુત્રોએ જણાવ્યું હતું.
ફેબુ્રઆરીથી ડિસેમ્બર ૨૦૧૯ દરમિયાન રેપો રેટમાં ૧૩૫ બેઝિસ પોઈન્ટનો ઘટાડો છતાં વેપાર વોલ્યુમમાં ઘટાડો જોવા મળ્યો છે. જો કે સેબીના નિયમની અસર તો આંશિક જ છે. સીપીંમાં રોકાણ માટે એનબીએફસીની નાણાંકીય કટોકટી પણ જવાબદાર હોવાનું માનવામાં આવે છે.
આઈએલએન્ડએફસ તથા ડીએચએફએલ પ્રકરણ બાદ ફન્ડ હાઉસો નબળી એનબીએફસીના સીપીમાં રોકાણ કરવાનું ટાળી રહ્યા છે એટલું જ નહીં અગાઉના સીપીને રોલઓવર કરવાનું પણ જોખમ ઉઠાવતા નથી એમ પણ સુત્રોએ ઉમેર્યું હતું.