નવ મહિનાથી પણ ઓછા ગાળામાં વીજ વાહનોનો વેચાણ આંક દસ લાખને પાર
- વેરા લાભો તથા ઊંચી ગુણવત્તાના લોન્ચિંગથી ખરીદીમાં આકર્ષણ
મુંબઈ : વર્તમાન કેલેન્ડર વર્ષના નવ મહિનાથી પણ ઓછા સમયગાળામાં દેશમાં વીજ સંચાલિત વાહનોનો વેચાણ આંક ૧૦ લાખ વાહનોને પાર કરી ગયો છે. ૨૦૨૨માં આ આંક પાર કરવામાં સંપૂર્ણ વર્ષ લાગી ગયું હતું એમ માર્ગ પરિવહન તથા હાઈવેઝ મંત્રાલયના વાહન ડેશબોર્ડ પર ઉપલબ્ધ આંકડા પરથી જણાય છે. કુલ વીજ વાહનોમાં વીજ સંચાલિત ટુ વ્હીલર્સનો હિસ્સો ૫૬ ટકા રહ્યો છે.
૧૯મી સપ્ટેમ્બર સુધીમાં દેશની વિવિધ પ્રાદેશિક ટ્રાન્સપોર્ટ ઓફિસો ખાતે કુલ ૧૦૩૭૦૧૧ વીજ વાહનોની નોંધણીથઈ છે જે વર્તમાન વર્ષમાં અત્યારસુધીમાં દેશમાં વાહનોના થયેલા કુલ વેચાણના ૬.૪૦ ટકા જેટલી થવા જાય છે.
૨૦૨૩માં અત્યારસુધીમાં વાહનોનો એકંદર વેચાણ આંક ૧૬૦૮૧૬૫૨ રહ્યો છે. વીજ વાહનો તરફ વ્યક્તિગત ખરીદદારોના વધી રહેલા આકર્ષણને પરિણામે આંકમાં વધારો જોવા મળી રહ્યો હોવાનું સરકારી સુત્રોએ જણાવ્યું હતું. આ ઉપરાંત ચાર્જિંગ મથકોના વિસ્તરણે પણ વીજ વાહનોના વેચાણમાં મહત્વની ભૂમિકા ભજવી છે.
૨૦૨૩માં વેચાયેલા કુલ વીજ વાહનોમાં ટુ વ્હીલર્સનો હિસ્સો ૫૬ ટકા રહ્યો છે. ત્યારબાદ થ્રી વ્હીલર્સ તથા ઊતારૂ વાહનોનો ક્રમ રહ્યો છે. વર્તમાન વર્ષમાં વીજ વાહનોનું દર મહિનાનું વેચાણ એક લાખથી વધુ રહ્યં છે.