ઈલેકટ્રોનિક સહિતના માલસામાન પરની આયાત ડયૂટીસમાં આગામી બજેટમાં તોળાતો વધારો
- મેક ઈન ઈન્ડિયા કાર્યક્રમને આગળ ધપાવવા સરકાર દ્વારા હાથ ધરાયેલી કવાયત
નવી દિલ્હી, તા. 25 જાન્યુઆરી 2020, શનિવાર
આગામી બજેટમાં સરકાર ચીન તથા અન્ય દેશો ખાતેથી આયાત થતા ઈલેકટ્રોનિક, ઈલેકટ્રીકલ્સ, કેમિકલ્સ તથા અન્ય માલસામાન પરની ડયૂટીસમાં વધારો જાહેર કરે તેવી શકયતા છે. અંદાજિત ૫૬ અબજ ડોલરની આયાત પરની ડયૂટીસમાં વધારો તોળાઈ રહ્યો હોવાનું નાણાં મંત્રાલયના સુત્રોએ જણાવ્યું હતું.
મેક ઈન ઈન્ડિયા કાર્યક્રમ પર ભાર આપવા અને સ્થાનિક ઉત્પાદનોના વપરાશમાં વધારો થાય તેવા હેતુસર આ વધારો કરાઈ રહ્યો હોવાનું પણ જણાવાયું હતું. આગામી શનિવારના ૧લી ફેબુ્રઆરીએ રજુ થનારા બજેટમાં આ જાહેરાત કરાશે.
આયાત ડયૂટીસમાં વધારો કરવાની સ્થિતિમાં દેશમાં મોબાઈલ ફોન્સ, ફોન ચાર્જર્સ, ઔદ્યોગિક રસાયણો, વુડન ફર્નિચર વગેરે જેવા માલસામાન મોંઘા થવા ધારણાં છે. કાચા માલ અથવા કમ્પોનેન્ટસની ડયૂટીસમાં વધારો કરાતા ભારતમાં જે ઉત્પાદકો મોબાઈલ્સનું ઉત્પાદન કરે છે તેમની માટે આયાત મોંઘી પડશે.
આયાત ડયૂટીસમાં પાંચ થી સાત ટકા જેટલો વધારો થવાની શકયતા હોવાનું સુત્રોએ જણાવ્યું હતું. દેશમાં આયાત ઘટાડવા અને ઘરઆંગણેના ઉત્પાદનોના વપરાશને પ્રોત્સાહન આપવા આ વધારો કરાઈ રહ્યો છે.
ચીન સહિતના કેટલાક દેશો ખાતેથી થતી સસ્તી આયાતને કારણે ઘરેલું ઉત્પાદકોને માર પડી રહ્યો છે. ઘરેલું ઉત્પાદકોને રક્ષણ આપવા અને મેક ઈન ઈન્ડિયાને પ્રોત્સાહન પૂરા પાડવા આયાત ડયૂટીસમાં વધારો જરૂરી હોવાનું પણ સુત્રોએ જણાવ્યું હતું. આયાત ડયૂટીસ વધારવા ઉપરાંત સરકાર કવોલિટી ધોરણો પર પણ ભાર આપવા માગે છે. આ માટેના નિયમોને વધુ સખત બનાવાશે. અત્રે ઉલ્લેખનિય છે કે બજેટ તૈયાર કરવાની કવાયત નાણાં મંત્રાલયમાં શરૂ થઈ ગઈ છે, ત્યારે ઘરેલું ઉદ્યોગો દ્વારા કરાતી ભલામણોને નાણાં મંત્રાલય ધ્યાનમાં લઈ રહ્યું છે.