આયાતી ખાદ્યતેલોમાં વિશ્વ બજાર પાછળ હાજર તથા વાયદાના ભાવમાં ઘટાડાનો પવન
- સિંગદાણામાં દૈનિક આવકો વધી પાંચ લાખ ગુણીને આંબી ગઈ
- વિશ્વ બજારમાં ક્રૂડતેલ ઘટતાં વિવિધ ખાદ્યતેલોના ભાવ ગબડયા: ભારતમાં ઈમ્પોર્ટ ડયુટી ઘટાડવા હિલચાલનો શરૂ થયેલો વિરોધ
મુંબઈ,તા.23 જાન્યુઆરી 2020, ગુરુવાર
મુંબઈ તેલ-બિયાં બજારમાં આજે નવી માગ ધીમી હતી. ભાવ સૂસ્ત હતા વિશ્વ બજારના સમાચાર ઘટાડો બતાવતા હતા. મુંબઈ હાજર બજારમાં આજે ૧૦ કિલોના ભાવ પામતેલના હવાલા રિસેલના રૂ.૮૬૦ વાળા રૂ.૮૫૮ જ્યારે જેએનપીટીના રૂ.૮૫૫ વાળા રૂ.૮૫૨ રહ્યા હતા. રૂ.૮૫૨થી ૮૫૪માં આશરે ૧૦૦ ટનના વેપારો હવાલા રિસેલમાં થયા હતા. જ્યારે રિફાઈનરીઓના ડાયરેકટ ડિલીવરીના વેપારો નહિંવત હતા. દરમિયાન, ક્રૂડ પામ ઓઈલ સીપીઓ કંડલાના ભાવ રૂ.૭૯૫ બોલાઈ રહ્યા હતા.
જ્યારે વાયદા બજારમાં આજે સીપીઓના ભાવ ઉંચામાં રૂ.૮૦૪.૭૦ તથા નીચામાં રૂ.૭૯૪.૫૦ રહ્યા પચી સાંજે ભાવ રૂ.૭૯૭ રહ્યા હતા જ્યારે સોયાતેલ વાયદાના ભાવ ઉંચામાં રૂ.૮૮૧.૬૦ તથા નીચામાં રૂ.૮૭૪.૪૦ રહ્યા પચી સાંજે ભાવ રૂ.૮૭૬ બોલાઈ રહ્યા હતા.
વિશ્વ બજારમાં આજે મલેશિયા ખાતે પામતેલનો વાયદો વધ્યા ભાવથી ગબડી છેલ્લે બંધ ૫૪,૪૬, ૫૦ તથા ૪૯ પોઈન્ટ માઈનસમાં રહ્યો હતો. જ્યારે ત્યાં પામ પ્રોડકટના ભાવ અઢી ડોલર નરમ બોલાઈ રહ્યા હતા. દરમિયાન, અમેરિકામાં શિકાગો સોયાતેલ વાયદો ઓવરનાઈટ ૨૭ પોઈન્ટ નરમ રહ્યો હતો. ત્યાં રાત્રે સોયાખોળનો વાયદો ૧૨થી ૧૮ પોઈન્ટ નરમ હતો જ્યારે સોયાબીનનો વાયદો ૨૦થી ૨૨ પોઈન્ટ ઘટયો હતો જ્યારે ન્યુયોર્ક કોટન વાયદો ઓવરનાઈટ જોકે ૧૮૯, ૧૫૨ તથા ૧૪૭ પોઈન્ટ ઉછળ્યાના સમાચાર હતા.
ચીનમાં કાતિલ વાયરસનો ઉપદ્રવ વધતાં અમેરિકાના કૃષી બજારોમાં હવે ચીનની માગ પર કેવી અસર પડે છે તેના પર વિશ્વ બજારના ખેલાડીઓની નજર રહી હતી. દરમિયાન, ભારતમાં ખાદ્યતેલોની આયાત જકાત ઘટાડવા દિલ્હીમાં હલચલ થઈ રહ્યાના સમાચારનો સોયાબીન પ્રોડયુસર્સ એસોસીએશને વિરો કર્યો છે. ઐ એસોસીએશને હાલની આયાત જકાત જાળવી રાખવા પીએમઓ કાર્યાલયને તથા નાણાં મંત્રાલયને વિનંતી કર્યાના સમાચાર હતા. દરમિયાન, મુંબઈ બજારમાં આજે સિંગતેલના ભાવ રૂ.૧૧૪૦ રહ્યા હતા. જ્યારે રાજકોટ બાજુ ભાવ રૂ.૧૧૦૦ તથા ૧૫ કિલોના રૂ.૧૭૫૦થી ૧૭૬૦ રહ્યા હતા.
ત્યાં કોટન વોશ્ડના ભાવ રૂ.૮૩૫થી ૮૩૮ વાળા ઘટી રૂ.૮૨૭થી ૮૩૦ રહ્યા હતા. જ્યારે મુંબઈ બજારમાં કપાસિયા તેલના ભાવ રૂ.૮૮૦ રહ્યા હતા. દરમિયાન, સિંગદાણામાં ઓલ ઈન્ડિયા દૈનિક સરેરાશ આવકો હવે વધીને આશરે પાંચ લાખ ગુણી આવતી થઈ છે. આંધ્ર-કર્ણાટક બાજુ આવકો વદી છે. જોકે સિંગદાણામાં નિકાસ અંકુશો આવશે એવી હવા તાજેતરમાં ફેલાવા છતાં હાલ સિંગદાણામાં ઉત્પાદક મથકોએ નિકાસકારોની પૂછપરછ તથા માગ જળવાઈ રહ્યાના નિર્દેશો હતા. દરમિયાન, મુંબઈ બજારમાં આજે સોયાતેલના ભાવ ડિગમના રૂ.૮૬૦ તથા રિફા.ના રૂ.૮૯૦ વાળા રૂ.૮૯૫થી ૯૦૦ રહ્યા હતા.
જયારે સનફલાવરના ભાવ રૂ.૮૬૦ તથા રિફા.ના રૂ.૮૯૫થી ૯૦૦ રહ્યા હતા. મસ્ટર્ડના ભાવ રૂ.૯૧૦ તથા કોપરેલના રૂ.૧૩૯૦ વાળા રૂ.૧૩૮૦ રહ્યા હતા. દક્ષિણના સમાચાર પીછેહટ બતાવી રહ્યા હતા. મુંબઈ બજારમાં આજે દિવેલના ભાવ ૧૦ કિલોના રૂ.૮ માઈનસમાં રહ્યા હતા. જ્યારે મુંબઈ હાજર એરંડાના ભાવ રૂ.૪૨૧૦ વાળા રૂ.૪૧૭૦ બોલાતા થયા હતા. દરમિયાન, મુંબઈ ખોળ બજારમાં આજે સોયાખોળના ભાવ ટનદીઠ રૂ.૩૫૪૭૫થી ૩૫૪૮૦ વાળા ગબડી રૂ.૩૫ હજારની અંદર ઉતરી રૂ.૩૪૯૫૫થી ૩૪૯૬૦ બોલાતા થયા હતા જ્યારે અન્ય ખોળો શાંત રહ્યા હતા.
વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવ ઘટતાં તેની અસર વૈશ્વિક સ્તરે ખાદ્યતેલોના ભાવ પર પણ આજે નરમાઈની જોવા મળી હોવાનું જાણકારોએ જણાવ્યું હતું. ચીનમાં કાતિલ વાયરસનો પ્રકોપ વધતાં ત્યાં આજે શેરબજારો ગબડયા હતા. ઘરઆંગણે સોયાબીનની આવકો આજે મધ્ય-પ્રદેશ બાજુ આશરે ૧ લાખ ગુણી તથા ઓલ ઈન્ડિયા આશરે સવા બે લાખ ગુણી આવી હતી તથા મધ્ય-પ્રદેશ ખાતે ભાવ રૂ.૩૯૫૦થી ૪૨૦૦ રહ્યા હતા જ્યારે ત્યાં સોયાતૅેલના ભાવ રૂ.૮૬૦થી ૮૬૫ તથા રિફા.ના રૂ.૯૦૫થી ૯૧૦ રહ્યા હતા. મગફળીની આવકો આજે સવારે ગોંડલ બાજુ આશરે ૨૫ હજાર ગુણી તથા રાજકોટ બાજુ આશરે ૫૦ હજાર ગુણી નોંધાઈ હતી તથા મથકોએ મગફળીના હાજર ભાવ ૨૦ કિલોના જાતવાર રૂ.૯૦૦થી ૧૦૧૫ રહ્યા હતા.
દરમિયાન, એરંડા વાયદા બજારમાં આજે સાંજે ફેબુ્રઆરીના ભાવ રૂ.૩૦ નરમ બોલાઈ રહ્યા હતા.