2 ટકાથી ઓછો રહેશે ભારતનો વિકાસ દર, છતાં વિશ્વનું સૌથી તેજ ગતિ ધરાવતું અર્થતંત્ર: IMF
નવી દિલ્હી, 14 એપ્રિલ 2020 મંગળવાર
IMFએ મંગળવારે કહ્યું કે કોરોના વાયરસનાં સંક્રમણનાં કારણે દુનિયાભરમાં આર્થિક પ્રવૃતિ ઠપ થઇ ગઇ છે, અને તેનાં કારણે દુનિયામાં 1930 જેવી મહામંદી બાદની સૌથી મોટી મંદી આવી રહી છે.
IMFએ કહ્યું કે ભારતનો આર્થિક વિકાસ દર 2020માં બે ટકાથી પણ ઓછો એટલે કે 1.9 ટકા રહેશે, જો કે આ ઝડપ દુનિયામાં સૌથી તેજ છે, અમેરિકા સહિત મોટાભાગનાં દેશોનું અર્થતંત્ર વધાવાનાં બદલે સંકોચાઇ રહ્યું છે.
જો આ અનુમાન સાચું સાબિત થાય છે તો 1991નાં આર્થિક ઉદારીકરણ બાદ ભારતનો વિકાસદર સૌથી ઓછો રહેશે, જો કે IMFએ વિશ્વ આર્થિક રિપોર્ટમાં ભારતને સૌથી ઝડપથી આગળ વધનારા અર્થતંત્રોમાં સ્થાન આપ્યું છે.
IMFએ કહ્યું કે માત્ર બે મોટા દેશ 2020માં પોઝિટિવ વૃધ્ધી મેળવી શકશે. ભારત ઉપરાંત ચીનનો વિકાસ દર પોઝિટિવ રહેશે જે 1.2 ટકાની ગતિથી આગળ વધી શકે છે.
IMFનાં મુખ્ય અર્થશાસ્ત્રી ગીતા ગોપીનાથે કહ્યું અમે વૈશ્વિક વિકાસ દર 3 ટકા સુધી ઘટશે તેવુ અનુમાન લગાવી રહ્યા છિએ, તે જાન્યુઆરી 2020 બાદ 6.3 ટકા ઓછો છે, બહું ઓછા સમયમાં અંદાજમાં ફેરબદલ થયો છે, તેમણે કહ્યું કે કોવિડ-19 રોગચાળાથી તમામ સેક્ટર પર ખરાબ અસર થશે.
મહામંદી દુનિયાની સૌથી ખરાબ આર્થિક મંદી હતી, વર્ષ 1929માં શરૂ થયેલી અને 10 વર્ષ સુધી ચાલી, તેની શરૂઆત અમેરિકામાં થઇ હતી, જ્યારે ન્યુયોર્કમાં વોલસ્ટ્રીટ તુટ્યું અને લાખો ડોલરનું મુડીરોકાણ ડુબી ગયું.
ગોપીનાથે કહ્યું કે આ સંકટ અભુતપુર્વ છે, લોકોનાં જીવન અને તેમની આજીવિકા પર તેની અસરને લઇને અનિશ્ચિતતા છે, તેમણે કહ્યું કે વાયરસ પર જેટલું ઝડપથી નિયંત્રણ મેળવી શકાય તેટલો વહેલો ફાયદો થશે.
તમામ દેશો આરોગ્ય અને આર્થિક નુકસાન સહિતની ઘણી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે, જો કે તેમણે આશા વ્યક્ત કરી કે વર્ષ 2021 સારૂ રહેશે અને સ્થિતિ સુધરશે, અને ભારત સહિત દુનિયાનાં અન્ય દેશોની આર્થિક વૃધ્ધી થશે, ભારત 7.4 ટકાથી વૃધ્ધી કરી શકે છે.