વાઇરસ કાબુમાં નહીં આવે તો આયાત-નિકાસ વ્યવહાર ખોરવાઈ જશે
- રૂના એક મોટા નિકાસકારે નિકાસ અટકાવી દેવા નિર્ણય લીધાની બજારમાં ચર્ચા: ઈલેકટ્રોનિકસ માલસામાનની આયાત ખોરવાશે
- કોરોના વાઇરસની સાઈડ ઈફેકટ
મુંબઈ, તા. 30 જાન્યુઆરી 2020, ગુરૂવાર
ચીનમાં કોરોનાવાઈરસના ફેલાવાને કારણે ભારતના ચીન સાથેના આયાત-નિકાસ વ્યવહાર ખોરવાઈ જવાનો ભય ઊભો થયો છે. ભારતના રૂના નિકાસકારો ચીન ખાતે રૂની નિકાસ બંધ કરવા તરફ વળી રહ્યા છે અને નવા ખરીદદારોની શોધમાં હોવાનું જોવા મળી રહ્યું છે.
મુંબઈસ્થિત કોટનના મોટા નિકાસકારે ચીન ખાતે કપાસની નિકાસ અટકાવી દેવાનો નિર્ણય કર્યો છે અને બંગલાદેશ, ઈન્ડોનેશિયા, તાઈવાન તથા વિયેતનામની બજારોમાં નવા ખરીદદારોની શોધ શરૂ કરી છે એમ સ્થાનિક બજારના સુત્રોએ જણાવ્યું હતું. ચીન ખાતે નિકાસ બંધ કરાતા પડનારા ફટકાને પહોંચી વળવા નવી બજારો શોધાઈ રહી છે.
કોરોનાવાઈરસના ફેલાવાને કારણે ચીનમાં પોર્ટસ તથા બેન્કોમાં કામકાજ ખોરવાઈ જવાનો અહીના નિકાસકારોમાં ભય ઊભો થયો છે. આમ બને તો નિકાસ કન્સાઈનમેન્ટસ અટકી પડવાના તથા નાણાં વસૂલી ઘોંચમાં પડવાની શકયતા નકારાતી નથી.
વાઈરસના દૂષણને આગાની પખવાડિયામાં જો નિયંત્રણમાં નહીં લેવાય તો તેનાથી વિશ્વભરના કોટન ઉદ્યોગ સામે જોખમ ઊભા થઈ શકે એમ છે. જો કે હાલમાં કોઈ ગભરાટ ફેલાવાની જરૂર નથી. ભારતના કોટનના નિકાસકારોએ વર્તમાન મોસમમાં ચીન ખાતે અત્યારસુધી ૬થી ૭ લાખ ગાંસડી રવાના કરી છે અને તેમાંથી ૭૦ ટકા હજુ ટ્રાન્ઝિટમાં છે.
ફેબ્આરીના અંત સુધીમાં બીજી ત્રણ લાખ ગાંસડીની નિકાસ થવાની અપેક્ષા રખાતી હતી પરંતુ વાઈરસનો ફેલાવો ચાલુ રહેશે તો તે કદાચ કરવામાં નહીં આવે એમ અન્ય એક નિકાસકારે જણાવ્યું હતું. રૂના ભાવ હાલમાં ત્રણ વર્ષની નીચી સપાટીએથી રિકવર થઈ રહ્યા છે ત્યારે ચીન ખાતેની નિકાસ પર પડનારી કોઈપણ અસરથી ભાવ પર ફરી દબાણ આવી શકે છે.
વિશ્વના અન્ય દેશોની સરખામણીએ નિકાસ બજારમાં ભારતના કપાસ હજુપણ ભાવની દ્રષ્ટિએ સ્પર્ધાત્મક છે. માટે ભારતના વેચાણકારો માટે વિશ્વમાં અન્ય ખરીદદારો શોધવાનું મુશકેલ નહીં બને એમ કોટન એસોસિએશન ઓફ ઈન્ડિયાના સુત્રોએ જણાવ્યું હતું.
૨૦૧૯-૨૦ની મોસમમાં ભારતનું કપાસનું ઉત્પાદન ૩.૫૪ કરોડ ગાંસડી રહેવા ધારણાં છે જે ગઈ મોસમમાં ૩.૧૨ કરોડ ગાંસડી રહ્યું હતું. એક તરફ નિકાસ ઉપરાંત બીજી બાજુ ચીન ખાતેથી આયાત કરાતા માલસામાન ખાસ કરીને ઈલેકટ્રોનિક અને ઈલેકટ્રિ સાધનોની આયાત પર પણ વ્યાપક અસર પડવાની વકી છે. આયાત-નિકાસમાં ઘટાડાથી ભારતને કરોડો ડોલરનો વેપાર ખોરવાઈ જવાનો ભય સતાવી રહ્યો છે.
ઈલેકટ્રોનિકસમાં મોબાઈલ ફોન્સ, ટીવી તથા કમ્પોનેન્ટસની આયાત પર અસર પડી શકે છે, એમ સરકારી સુત્રો જણાવી રહ્યા છે. ચીનના જે વિસ્તારમાંથી વાઈરસ ફેલાઈ રહ્યા છે તે વુહાન વિસ્તાર એ એક ઉત્પાદન મથક છે. જો કે આ વાઈરસનો ફેલાવો હાલમાં આ વિસ્તારમાંથી જ થઈ રહ્યો છે અને અન્ય ઉત્પાદક મથકો સુધી તે ફેલાયો નથી એ એક રાહતની વાત છે એમ ઈલેકટ્રોનિકસ માલસામાનના એક આયાતકારે જણાવ્યું હતું.