Get The App

દેશના ધનિકોની સંખ્યામાં છ ગણો વધારો, મુકેશ અંબાણી આજે પણ ટોચના અબજોપતિઃ હુરુન રિચ લિસ્ટ

Updated: Oct 1st, 2025

GS TEAM

Google News
Google News
દેશના ધનિકોની સંખ્યામાં છ ગણો વધારો, મુકેશ અંબાણી આજે પણ ટોચના અબજોપતિઃ હુરુન રિચ લિસ્ટ 1 - image

Hurun Rich List 2025: રિલાયન્સ ગ્રૂપના ચેરમેન મુકેશ અંબાણી એન્ડ ફેમિલી આ વર્ષે પણ દેશના સૌથી ધનિક વ્યક્તિ રહ્યા છે. હુરુન ઇન્ડિયા રીચ લિસ્ટ 2025ની યાદીમાં રૂ. 9.55 લાખ કરોડ સાથે મુકેશ અંબાણી સૌથી ધનિક વ્યક્તિ તરીકેનું સ્થાન જાળવી રાખ્યું છે. ગૌતમ અદાણી રૂ. 8.15 લાખ કરોડની નેટવર્થ સાથે બીજા ક્રમે છે. 

અબજોપતિની સંખ્યામાં છ ગણો વધારો

આ યાદી ભારતના અબજોપતિ વર્ગના ઝડપી વિકાસને પણ દર્શાવે છે. દેશમાં અબજોપતિની કુલ સંખ્યા 350નો આંકડો વટાવી ગઈ છે, જે 13 વર્ષ પહેલાંની પ્રથમ યાદીની તુલનાએ છ ગણી વધી છે. સામૂહિક રીતે, નવા ધનિકોની કુલ સંપત્તિ રૂ. 167 લાખ કરોડ છે. જે દેશના જીડીપી કરતાં અડધી છે. આ લિસ્ટ સ્ટાર્ટઅપ્સ અને એમએસએમઇને આપવામાં આવતાં પ્રોત્સાહનોના કારણે દેશમાં ધનિકોની સંખ્યા વધી રહી હોવાનો સંકેત આપે છે. પરપ્લેક્સિટીના 31 વર્ષીય અરવિંદ શ્રીનિવાસ રૂ. 21,190 કરોડની સંપત્તિ સાથે ભારતના સૌથી યુવા અબજોપતિ બન્યા છે. એકંદરે પ્રથમ વખત યાદીમાં સામેલ થનારા ધનિકોમાં ઝેપ્ટોના કૈવલ્ય વોહરા (22) પ્રથમ, અને તેમના કો-ફાઉન્ડર આદિત પાલિચા (23) બીજા ક્રમે છે.

આ પણ વાંચોઃ 12,490 કરોડની નેટવર્થ સાથે શાહરૂખ ખાન પહેલીવાર બિલિયોનેર રિચ લિસ્ટમાં સામેલ

બોલિવૂડનો બાદશાહ પણ અબજોપતિ બન્યો

બોલિવૂડનો 'બાદશાહ' શાહરુખ ખાન પણ પ્રથમ વખત અબજોપતિના ક્લબમાં જોડાયો છે. તેની કુલ  નેટવર્થ રૂ. 12,490 કરોડ થઈ છે. નેટવર્થમાં વધારો થવાની દૃષ્ટિએ, નીરજ બજાજ એન્ડ ફેમિલીની નેટવર્થમાં સૌથી વધુ રૂ. 69,875 કરોડનો વધારો થયો છે. હાલ તેમની નેટવર્થ રૂ. 2.33 લાખ કરોડ છે. પેટીએમના ફાઉન્ડર વિજય શેખર શર્મા પણ 15,930 કરોડ રૂપિયા સાથે અબજોપતિની યાદીમાં સામેલ થયા છે. 

મુંબઈ ધનિકોનું શહેર

દેશના સૌથી વધુ ધનિકો મુંબઈ શહેરમાં રહે છે. આ વખતે પણ મુંબઈએ દેશના અબજોપતિના હબ તરીકે પ્રભુત્વ જાળવી રાખ્યું છે, જેમાં 451 ધનિકો પ્રથમ વખત સામેલ થયા છે. નવી દિલ્હી (223) અને બેંગલુરુ (116) બીજા અને ત્રીજા ક્રમે છે. સેક્ટોરલમાં ફાર્માસ્યુટિકલ્સમાં 137, ત્યારબાદ ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્ટ્સમાં  (132) અને કેમિકલ્સ એન્ડ પેટ્રોકેમિકલ્સમાં (125) ધનિકો સામેલ થયા છે.


દેશના ધનિકોની સંખ્યામાં છ ગણો વધારો, મુકેશ અંબાણી આજે પણ ટોચના અબજોપતિઃ હુરુન રિચ લિસ્ટ 2 - image