Get The App

ઉત્પાદનમાં ઘટાડાના કારણે શ્રીફળના ભાવમાં જંગી વધારો

- ઊંચા ભાવને પરિણામે ઉપયોગ પર કાપ

Updated: Jul 10th, 2025

GS TEAM

Google News
Google News
ઉત્પાદનમાં ઘટાડાના કારણે શ્રીફળના ભાવમાં જંગી વધારો 1 - image


મુંબઈ : શ્રીફળના ભાવમાં ધરખમ વધારો થતાં મંદિરોમાં શ્રીફળ ધરાવવાની માત્રામાં કાપ મુકાઈ રહ્યાનું એક અહેવાલમાં જણાવાયું હતું. પ્રાપ્ત અહેવાલ પ્રમાણે કેરળમાં શ્રીફળના ભાવ જે ગયા વર્ષે ૩૦ રૂપિયે કિલો મળતા હતા તે હાલમાં જોરદાર વધી ૭૫ રૂપિયે કિલો વેચાઈ રહ્યા છે. ઉત્પાદનમાં ઘટાડાને કારણે ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. 

કેરળ સહિત દેશના મોટાભાગના રાજ્યોમાં મંદિરોમાં રોજેરોજ હજારોની સંખ્યામાં શ્રીફળ ધરાવવામાં આવે છે  એટલું જ નહીં ઘરવપરાશમાં પણ શ્રીફળનો વ્યાપક વપરાશ થાય છે. 

ભાવમાં ધરખમ વધારાને કારણે શ્રદ્ધાળુઓ દ્વારા શ્રીફળ ધરાવવાની સંખ્યા ઘટી ગઈ હોવાનું કેરળના તિરુવનંતપુરમના એક મંદિરના પ્રશાસકને સદર અહેવાલમાં કહેતા ટંકાયા હતા. 

શ્રીફળની સાથોસાથ કોકોનટ ઓઈલ જેનો દિવા પ્રગટાવવામાં પણ ઉપયોગ થાય છે તે પણ હવે ખર્ચાળ બની ગયાનું જણાવાયું હતું. વિશ્વમાં ભારત શ્રીફળનો મોટો ઉત્પાદક દેશ છે. નાણાં વર્ષ ૨૦૨૧-૨૨માં શ્રીફળના કુલ વૈશ્વિક ઉત્પાદનમાંથી ૩૨ ટકા ઉત્પાદન ભારતમાં થયું હતું. 

દેશમાં શ્રીફળનું મોટાભાગનું ઉત્પાદન દક્ષિણના રાજ્યો એટલે કે આન્ધ્ર પ્રદેશ, તામિલનાડૂ, કેરળ તથા કર્ણાટકમાં થાય છે. 

શ્રીફળના ઉત્પાદનમાં ઘટાડો થવાને કારણે ભાવમાં વધારો થયાનું આ ક્ષેત્રના વર્તુળોએ જણાવ્યું હતું. ઊંચા તાપમાન, અનિશ્ચિત વરસાદ તથા ખેતરોમાં નબળી દેખરેખ શ્રીફળના ઉત્પાદનમાં ઘટ થવાના કારણો રહ્યા છે. 

Tags :