પાન નંબરથી બોગસ કંપનીઓ ઉભી કરવાનું કૌંભાંડ, તમારૂ PAN તો સુરક્ષિત છે ને?
PAN Number Misuse: નાણાકીય બાબતો સંબંધિત તમામ કામકાજમાં પાન કાર્ડ (PAN) આવશ્યક બન્યું છે. આઈડી પ્રુફથી માંડી બેન્ક એકાઉન્ટ ખોલાવવા, ઈનકમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવા ઉપરાંત રોકાણ કરવા સહિત તમામ બાબતોમાં પાન નંબર હોવો જરૂરી બન્યો છે. પાન કાર્ડ વિના નવી કંપની પણ ઉભી કરી શકો નહીં. કારણકે, જીએસટી રજિસ્ટ્રેશન (GST Registration) માટે પાન કાર્ડ અનિવાર્ય છે.
આ અતિ મહત્વના ડોક્યુમેન્ટનો દુરપયોગ પણ વધ્યો છે. જેનો ઉપયોગ કરી નાણાકીય કૌંભાંડો થઈ રહ્યા છે. ખાસ કરીને પાન નંબર ચોરી બોગસ કંપનીઓ ઉભી કરી મોટા નાણાકીય વ્યવહારો થઈ રહ્યા છે. આ કૌંભાંડથી તમારૂ પાન કાર્ડ તો સુરક્ષિત છે કે નહીં તે જાણવું આવશ્યક બન્યું છે.
જાણ વિના પાનની મદદથી બોગસ કંપની ઉભી કરાઈ
હાલમાં મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં રહેતાં ચંદનનો પાન નંબર તેની જાણ બહાર દુરૂપયોગ કરી બોગસ કંપની ઉભી કરવામાં આવી હતી. જેમાં રૂ. 9 કરોડથી વધુના નાણાકીય વ્યવહારો પણ થયા હતા. ચંદન જ્યારે આઈટીઆર ફાઈલ કરવા ગયો ત્યારે તેને જાણ થઈ કે, તેના પાન કાર્ડ પર એક જીએસટી નંબર લેવામાં આવ્યો છે.
આ રીતે તમારા પાન કાર્ડની સલામતી ચેક કરો
તમારૂ પાન કાર્ડ સુરક્ષિત છે કે, નહીં તેની જાણકારી તમે સરળતાથી ઘરેબેઠા મેળવી શકો છો. તેના માટે તમારે સત્તાવાર વેબસાઈટ www.gst.gov.in પર જઈ તમારો પાન નંબર રજૂ કરવાનો રહેશે. જેથી તમારા નામ પર GSTN નંબર લેવામાં આવ્યો છે કે નહીં તેની માહિતી મેળવી શકશો.
6 લાખ લોકોના પાન ડેટા સાથે 18 લોકોની ધરપકડ
ગતવર્ષે નોઈડા પોલીસે પણ પાન કાર્ડની મદદથી જીએસટીએન નંબર મેળવી બોગસ કંપનીઓ શરૂ કરવાના કૌંભાંડનો પર્દાફાશ કર્યો હતો. નોઈડા પોલીસે આ મામલે 18 લોકોની ધરપકડ કરી હતી. જેમની પાસે 6 લાખથી વધુ લોકોનો પાન ડેટા હતો. જેમાંથી તેઓએ 3 હજારથી વધુ જીએસટી રજિસ્ટ્રેશન કરાવી બોગસ કંપનીઓ શરૂ કરી હતી.