Get The App

ઓપેક પ્લસ દેશોએ ક્રુડ ઓઈલના ઉત્પાદનમાં કાપ મુકવાનો કર્યો નિર્ણય, જાણો ભારત પર શું પડશે અસર ?

ઓપેકે ક્રૂડ ઓઈલના ઉત્પાદનમાં પ્રતિદિન 1.6 મિલિયન બેરલનો ઘટાડો કરવાનો નિર્ણય કર્યો

ભારત દૈનિક 49 લાખ બેરલ જરૂરીયાતમાંથી 85 ટકા ક્રૂડ ઓઈલની આયાત કરે છે

Updated: Apr 7th, 2023

GS TEAM

Google News
Google News
ઓપેક પ્લસ દેશોએ ક્રુડ ઓઈલના ઉત્પાદનમાં કાપ મુકવાનો કર્યો નિર્ણય, જાણો ભારત પર શું પડશે અસર ? 1 - image

નવી દિલ્હી, તા.07 એપ્રિલ-2023, શુક્રવાર

પેટોલિયન નિકાસ કરતા દેશોના સંગઠન ઓપેકે આજે મહત્વનો નિર્ણય લીધો છે. OPECને વિકસીત અર્થવ્યવસ્થાઓ તરફથી ઓછી માંગની આશંકા વ્યક્ત કરી છે, જેને ધ્યાને રાખી ઓપેકે ક્રૂડ ઓઈલના ઉત્પાદનમાં પ્રતિદિન 16 લાખ બેરલનો ઘટાડો કરવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણય લાંબા ગાળે ભારત પર નકારાત્મક અસર પડી શકે છે. ભારત તેની 4.9 મિલિયન બેરલ પ્રતિ દિવસ (mbpd)ની જરૂરીયાતના 85 ટકા ક્રૂડ ઓઈલ આયાત કરે છે. જો ક્રૂડ ઓઈલના પ્રત્યેક બેરલની કિંમતમાં 10 ડોલરનો વધારો થાય છે તો ભારતનું આયાત બિલ વાર્ષિક 15 અબજ ડોલર સુધી વધી શકે છે. નિષ્ણાતો મુજબ, આ બિલ દેશના GDPનો લગભગ 0.51% ભાગ છે.

ભારત રશિયા પાસેથી પણ મંગાવે છે ક્રૂડ ઓઈલ

ભારત સતત છ મહિનાથી સૌથી વધુ ક્રૂડ ઓઈલ રશિયા પાસેથી આયાત કરી રહ્યું છે. લંડન સ્થિત કોમોડિટી ડેટા વિશ્લેષક વોર્ટેક્સાના જણાવ્યા અનુસાર ભારત તેની કુલ ક્રૂડ ઓઈલની આયાતમાંથી 35 ટકા રશિયા પાસેથી મંગાવે છે. ભારતે માર્ચમાં દૈનિક 16.4 બેરલ ક્રુડની આયાત કરી હતી, ફેબ્રુઆરીમાં દૈનિક 16 લાખ બેરલ આયાત કરાઈ હતી. જાન્યુઆરીમાં આ આંકડો 14 લાખ બેરલ અને ડિસેમ્બરમાં 10 લાખ બેરલ હતો. ઓઈલ માર્કેટિંગ કંપનીના એક અધિકારીના જણાવ્યા અનુસાર, ભારત અને રશિયા વચ્ચે હવે ડોલરના બદલે રૂપિયામાં કારોબાર થઈ રહ્યો છે, જેના કારણે બંને દેશો વચ્ચે ક્રૂડ ઓઈલની આયાત-નિકાસનું પ્રમાણમાં વધારો થઈ શકે છે. આવી સ્થિતિમાં ઉત્પાદનમાં ઘટાડો થવા છતાં દેશમાં કાચા તેલનો પુરવઠો પહેલા જેવો જ રહી શકે છે.

લાંબા ગાળે કિંમતો પર અસર થવાની શક્યતા

કેટલાક નિષ્ણાતોનું માનવું છે કે, ઓપેક પ્લસ દેશો દ્વારા ક્રૂડ ઓઇલના ઉત્પાદનમાં ઘટાડો કરવાના નિર્ણયથી મધ્યમથી લાંબા ગાળામાં ગ્લોબલ માર્કેટમાં કિંમતો પર દબાણ વધવાની શક્યતા છે અને તેની અસર ભારતીય બજાર પર પણ પડશે, જેના કારણે આગામી સમયમાં દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઉછાળો આવી શકે છે. સરકાર આ પડકારનો કેવી રીતે સામનો કરે છે તે જોવાનું રહેશે.

OPEC શું છે?

OPEC (પેટ્રોલિયમ નિકાસ કરતા દેશોનું સંગઠન) તેલ ઉત્પાદક અને નિકાસ કરતા દેશોનું સંગઠન છે. આ સંગઠનમાં કુલ 14 સભ્ય દેશોમાં ઈરાન, ઈરાક, કુવૈત, સંયુક્ત આરબ અમીરાત, સાઉદી અરેબિયા, અલ્જેરિયા, લિબિયા, નાઈજીરીયા, ગેબોન, ઈક્વેટોરિયલ ગિની, રિપબ્લિક ઓફ કોંગો, અંગોલા, એક્વાડોર અને વેનેઝુએલાનો સમાવેશ થાય છે, ઓપેક સંગઠનનું મુખ્ય મથક ઓસ્ટ્રિયાનાં વિયેનામાં છે.

OPEC પ્લસ શું છે?

OPEC પ્લસ ઓપેકમાં સામેલ સભ્ય દેશો અને વિશ્વના 10 મોટા નોન-ઓપેક તેલ નિકાસ કરતા દેશોનું ગઠબંધન છે. આ સંગઠનમાં ઓપેકના સભ્ય દેશો ઉપરાંત અઝરબૈજાન, બહેરીન, બ્રુનેઈ, કઝાકિસ્તાન, મલેશિયા, મેક્સિકો, ઓમાન, રશિયા, દક્ષિણ સુદાન અને સુદાન જેવા દેશોનો સમાવેશ થાય છે.

Tags :