એફોર્ડેબલ હાઉસિંગ લોનમાં વધતા તણાવને કારણે ARCsને હોમ લોનનું વેચાણ વધ્યું
- રિટેલ સ્ટ્રેસ્ડ એસેટ ખરીદવા માટે જારી થતી સિક્યોરિટી રસીદોમાં ૨૪૫%થી વધુ વૃદ્ધિ
અમદાવાદ : હોમ લોન, જે પહેલા સૌથી સુરક્ષિત ધિરાણ સેગમેન્ટમાંની એક માનવામાં આવતી હતી, તે હવે તણાવ હેઠળ જોવા મળી રહી છે, જેના કારણે નાણાકીય સંસ્થાઓ તે એસેટ્સ રીકન્સ્ટ્રકશન કંપનીઓ (એઆરસી)ને વેચી રહી છે, એમ બજારના જાણકાર સુત્રોએ જણાવ્યું હતું.
જૂન ૨૦૨૫ના રોજ પૂરા થયેલા ક્વાર્ટર દરમિયાન, એસેટ્સ રીકન્સ્ટ્રકશન કંપનીઓએ રિટેલ સ્ટ્રેસ્ડ એસેટ ખરીદવા માટે ૧,૭૧૩ કરોડ રૂપિયાની સિક્યોરિટી રસીદો જારી કરી હતી, જે એક વર્ષ પહેલાના સમયગાળા કરતાં ૨૪૫%થી વધુ વૃદ્ધિ દર્શાવે છે. રિટેલ લોનમાં ખાસ કરીને એફોર્ડેબલ હાઉસિંગમાં મોર્ટગેજનો સમાવેશ થાય છે.
એક અહેવાલ મુજબ, જાહેર ક્ષેત્રની બેંકોમાં હોમ લોનના દેવાઓમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે, જેમાં ૩૧થી ૯૦ દિવસની વચ્ચે બાકી રકમના ૨.૮૫% ચૂકવવામાં આવ્યા નથી. આ મુખ્યત્વે રૂ. ૩૫ લાખથી ઓછી રકમના ટિકિટ કદમાં જોવા મળ્યા છે, એમ અહેવાલમાં જણાવાયું છે.
છેલ્લા એકથી દોઢ વર્ષથી, હોમ લોનમાં વધારો થયો છે, અને મુખ્યત્વે નોન-બેંક ફાઇનાન્સ કંપનીઓ અને ખાનગી ક્ષેત્રની બેંકો પાસેથી લોન મળી રહી છે. જોકે, જાહેર ક્ષેત્રની બેંકો હોમ લોનનો નિકાલ કરી રહી નથી, જેના કારણે તેમના હિસાબો પર વધુ ભારણ આવી રહ્યું છે.
છેલ્લા બે વર્ષમાં, બેંકો માટે હોમ લોન વૃદ્ધિ ધીમે ધીમે લગભગ ૧૦% થઈ ગઈ છે, જે નાણાકીય વર્ષ ૨૨-૨૩ દરમિયાન ૧૩-૧૭% જોવા મળી હતી. ખાનગી ક્ષેત્રની બેંકોએ છેલ્લા બે વર્ષમાં જાહેર ક્ષેત્રની બેંકો અને એનબીએફસી સામે બજારહિસ્સો ગુમાવ્યો છે, તેઓ હવે પુનથ બજારહિસ્સો મેળવવા સક્રિય બન્યા છે.