Get The App

ભારત-યુકે વચ્ચે ઐતિહાસિક ફ્રી ટ્રેડ ડીલ પાંચ વર્ષમાં વેપાર 120 અબજ ડોલર થશે

Updated: May 7th, 2025

GS TEAM


Google News
Google News
ભારત-યુકે વચ્ચે ઐતિહાસિક ફ્રી ટ્રેડ ડીલ  પાંચ વર્ષમાં વેપાર 120 અબજ ડોલર થશે 1 - image


- 2040 સુધીમાં બ્રિટનના જીડીપીમાં 4.8 અબજ પાઉન્ડનો વધારો થશે

- બ્રિટનમાં ભારતના 99 ટકા સામાન પર ટેરિફ શૂન્ય થશે, ભારતમાં બ્રિટિશ જીન-વ્હિસ્કી, ઓટોમોબાઈલ સસ્તા થશે

નવી દિલ્હી : અમેરિકન પ્રમુખ ટ્રમ્પે દુનિયામાં શરૂ કરેલી ટેરિફવોર વચ્ચે ભારત અને બ્રિટને મંગળવારે લાંબા સમયથી અટવાઈ પડેલો દ્વિપક્ષીય ઐતિહાસિક વેપાર કરાર કર્યો હોવાની જાહેરાત કરી છે, જેના પગલે વ્યાપક સ્તરે કામદારોની જરૂર પડે તેવા લેધર, ફૂટવેર અને કપડાંના ઉત્પાદનોની નિકાસ પરનો ટેક્સ દૂર થશે જ્યારે ભારતમાં બ્રિટિશ વ્હિસ્કી અને કાર સસ્તા થશે. આ કરારથી વર્ષ ૨૦૩૦ સુધીમાં બંને દેશ વચ્ચેનો દ્વિપક્ષીય વેપાર બમણો થઈને ૧૨૦ અબજ ડોલર થવાની શક્યતા છે. દુનિયાના પાંચમા અને છઠ્ઠા અર્થતંત્રો વચ્ચે ફેટીએ માટે લગભગ ત્રણ વર્ષથી વાટાઘાટો ચાલતી હતી. બંને દેશોએ ડબલ કન્ટ્રીબ્યુશન કરાર પણ કર્યો છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બ્રિટિશ પીએમ કીર સ્ટાર્મરે ફોન પર વાત કરી હતી અને એફટીએની પ્રક્રિયા પૂરી થવાને દ્વિપક્ષીય વેપાર રણનીતિ ભાગીદારીમાં ઐતિહાસિક સિમાચિહ્ન ગણાવ્યું હતું.આ સાથે બંને દેશો વચ્ચે ડબલ કન્ટ્રીબ્યુશન કન્વેન્શન નામનો કરાર પણ થયો છે. બંને દેશો વચ્ચે ફ્રી ટ્રેડ ડીલથી વેપારમાં સરળતા રહેશે, રોકાણ વધશે, નોકરીઓ મળશે અને નવા વિચારોને પ્રોત્સાહન મળશે.

ભારત અને યુકે વચ્ચે થયેલા વેપાર સોદાનું લક્ષ્ય વર્ષ ૨૦૪૦ સુધીમાં બંને દેશો વચ્ચેનો વેપાર ૨૫.૫ અબજ પાઉન્ડ સુધી વધારવાનો છે. બ્રિટિશ સરકારનું કહેવું છે કે આ સમજૂતીથી ૨૦૪૦ સુધીમાં બ્રિટનના જીડીપીમાં ૪.૮ અબજ પાઉન્ડનો વધારો થશે. દુનિયા ટ્રમ્પના ટેરિફવોરમાં સપડાઈ છે અને ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધના વાદળો ઘેરાયા છે. આવા સમયે ભારતે બ્રિટન સાથે વેપાર કરાર કરવામાં સફળતા મેળવી છે. આ કરાર ત્રણ અલગ અલગ મુદ્દા પર છે. પહેલો એફટીએ, બીજો દ્વિપક્ષીય રોકાણ સંધી અને ત્રીજો સામાજિક સુરક્ષા સમજૂતી છે, જેને ડબલ કન્ટ્રીબ્યુશન કન્વેન્શન એગ્રીમેન્ટ કહેવાય છે. 

આ કરાર હેઠળ ભારત બ્રિટનના ઉત્પાદનો માટે પોતાના બજાર ખોલશે, જેમાં વ્હિસ્કી અને ઓટોમોબાઈલનો સમાવેશ થાય છે. એફટીએ માટે બંને દેશો વચ્ચે ૧૪ તબક્કાની વાતચીત થઈ હતી. ભારત અને બ્રિટન વચ્ચે દ્વિપક્ષીય વેપાર નાણાકીય વર્ષ ૨૩માં ૨૦.૩૬ અબજ ડોલરથી વધીને નાણાકીય વર્ષ ૨૪માં ૨૧.૩૪ અબજ થઈ ગયો હતો. બંને દેશ આગામી ૧૦ વર્ષમાં તેમના દ્વિપક્ષીય ઉત્પાદનોના વેપારને વર્તમાન ૨૦ અબજ ડોલરથી બમણો કરવા માગે છે.

આ વેપાર કરાર હેઠળ ભારતથી બ્રિટનમાં નિકાસ થતા ૯૯ ટકા સામાનો પર ટેરિફ ઘટીને શૂન્ય થઈ જશે જ્યારે ભારતીય પ્રોફેશનલ્સ બ્રિટનની પોઈન્ટ આધારિત ઈમિગ્રેશન સિસ્ટમમાં ફેરફાર વિના કામ કરવા માટે યુકેનો પ્રવાસ કરી શકશે. ભારતીય કપડાં, ઘરેણાં અને ઝવેરાત પરનો ટેક્સ ઘટશે. બીજીબાજુ ભારત બ્રિટનમાંથી આવતા વ્હિસ્કી અને જીન પરનો ટેરિફ હાલમાં ૧૫૦ ટકા છે તે ઘટાડીને ૭૫ ટકા કરી દેશે અને આ સોદાના ૧૦ વર્ષમાં વધુ ૪૦ ટકા ટેરિફ ઘટાડશે. આ સિવાય ઓટમોબાઈલમાં ક્વોટા હેઠળ વર્તમાન ૧૦૦ ટકા ટેરિફ ઘટાડીને ૧૦ ટકા સુધી કરી દેશે.

આ કરારથી ભારતમાંથી બ્રિટનમાં થતી નિકાસને પ્રોત્સાહન મળશે. અનેક વસ્તુઓ પરનો ટેરિફ ઘટશે અથવા સંપૂર્ણપણે નાબૂદ થઈ જશે. કપડા અને પરિધાન, જૂતા, જાજમ, સમુદ્રી ઉત્પાદનો, દ્રાક્ષ અને કેરી જેવા ઉત્પાદનો પર ટેરિફ ઘટશે. મીનરલ્સ, રસાયણો, પ્લાસ્ટિક, રબર, લાકડા, પેપર, ટેક્સટાઈલ, ગ્લાસ, સીરામિક, બેઝ મેટલ્સ, મિકેનિકલ અને ઈલેક્ટ્રિકલ મશીનરી, હથિયારો-દારૂગોળો, ટ્રાન્સપોર્ટ-ઓટો, ફર્નિચર, સ્પોર્ટ્સ ગૂડ્સ અને પ્રોસેસ્ડ ફૂડ જેવા ભારતિય ઉત્પાદનો પર ટેરિફ શૂન્ય થઈ જશે. બ્રિટનના સ્કોચ વ્હિસ્કી ઉપરાંત ઈલેક્ટ્રિક વાહન, ચોકલેટ અને કન્ફેક્શનરી જેવા ઉત્પાદનોની ભારતમાં નિકાસ વધશે. આ સિવાય ફાર્માસ્યુટિકલ, ટેલિકોમ, કાયદા, નાણાકીય સેવાઓ, બેન્કિંગ અને વીમા જેવા ક્ષેત્રોમાં  બ્રિટનની પહોંચ વધશે.

બ્રિટિશ પીએમ સ્ટાર્મરને ભારત આવવા આમંત્રણ

બંને દેશોના અર્થતંત્રોના વિકાસમાં નવું પ્રકરણ ઉમેરાશે : પીએમ મોદી

- યુરોપીયન યુનિયનમાંથી નીકળી ગયા પછી બ્રિટન માટે સૌથી મોટો અને મહત્વપૂર્ણ કરાર : સ્ટાર્મર

અમદાવાદ : ભારત અને બ્રિટન વચ્ચે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (એફટીએ)થી બંને દેશ વચ્ચે વેપારના નવા યુગની શરૂઆત છે. બ્રિટિશ પીએમ કીર સ્ટાર્મરે કહ્યું કે, અમે વેપાર અને અર્થતંત્ર માટે એક નવા યુગમાં પ્રવેશ્યા છીએ. આ કરારનો અર્થ એ છે કે બ્રિટનનું અર્થતંત્ર મજબૂત થશે અને ઝડપથી આગળ વધશે. બ્રિટન યુરોપીયન યુનિયનમાંથી નીકળી ગયા પછી બ્રિટન માટે આ સૌથી મોટો અને મહત્વપૂર્ણ કરાર છે. 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કીર સ્ટાર્મરને ભારત આવવા આમંત્રણ આપ્યું હતું, જે તેમણે સ્વીકાર્યું હતું. તેમણે કહ્યું કે, તેઓ વહેલી તકે ભારત આવવા ઉત્સુક છે. કીર સ્ટાર્મરે કહ્યું કે બ્રિટને યુરોપીયન સંઘ છોડયા પછી કરવામાં આવેલો આ સૌથી મોટો સોદો છે. આ સાથે કીર સ્ટાર્મરે પહલગામમાં આતંકી હુમલા અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી અને પોતાની સંવેદના વ્યક્ત કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખ્યું, મારા મિત્ર વડાપ્રધાન કીર સ્ટાર્મર સાથે વાત કરીને આનંદ થયો. ઐતિહાસિક સિમાચિહ્ન તરીકે ભારત અને બ્રિટને સફળતાપૂર્વક એક મહત્વાકાંક્ષી અને પારસ્પરિક રૂપે લાભદાયક એફટીએ, ડબલ કન્ટ્રીબ્યુશન કન્વેન્શન સાથે સંપન્ન કર્યો છે. આ ઐતિહાસિક સમજૂતી બંને દેશની વ્યાપક રણનીતિક ભાગીદારીને વધુ ગાઢ બનાવશે અને બંને અર્થતંત્રોમાં વેપાર, રોકાણ, વિકાસ, નોકરી, નિર્માણ અને ઈનોવેશનને પ્રોત્સાહન આપશે. હું વહેલી તકે વડાપ્રધાન સ્ટાર્મરને ભારતમાં આવકારવા માટે આતુર છું.

Tags :