Get The App

ભારે વરસાદથી લાખો હેક્ટર પાકને થયેલું નુકસાન

- પંજાબમાં અંદાજે ૧,૫૦,૦૦૦ હેક્ટર જમીન, હરિયાણામાં ૨,૫૦,૦૦૦ એકર પાક, હિમાચલ પ્રદેશમાં ૨૫,૦૦૦ એકર સફરજનના બગીચાઓને નુકસાન

- પૂર, ભૂસ્ખલનથી ઘરો અને સામાન્ય જીવનને પણ વ્યાપક નુકસાન

Updated: Sep 7th, 2025

GS TEAM

Google News
Google News
ભારે વરસાદથી લાખો હેક્ટર પાકને થયેલું નુકસાન 1 - image


નવી દિલ્હી : દક્ષિણ-પશ્ચિમ ચોમાસું તેના અંતિમ તબક્કામાં પ્રવેશી ગયું છે. સામાન્ય રીતે, તે સપ્ટેમ્બરના પ્રથમ અઠવાડિયામાં, પીછેહઠ કરવાનું શરૂ કરે છે, પરંતુ આ વખતે હવામાન વિભાગની આગાહી મુજબ ૧૭મી તારીખ સુધીમાં ભારે વરસાદ સાથે વિદાય લેવાની તૈયારી કરી રહ્યું હોય તેવું લાગે છે.

ભારે વરસાદથી દેશના મોટા ભાગમાં પાકને સીધો ફાયદો થયો છે, બીજીતરફ ઘણા રાજ્યોમાં પૂર અને ભૂસ્ખલનથી ખેતરો, ઘરો અને સામાન્ય જીવનને પણ વ્યાપક નુકસાન થયું છે.પુરતા વરસાદથી ખરીફ વાવણી વિસ્તારમાં વધારો થયો છે, જળાશયો પણ ભરાઈ ગયા છે અને જમીનમાં ભેજ પણ રહ્યો છે, જે આગામી રવિ વાવણી માટે સારો સંકેત છે.

૨૯ ઓગસ્ટ સુધીમાં, ખરીફ પાકનું વાવેતર ૧૦.૯૨ કરોડ હેક્ટરથી વધુમાં થયું હતું, જે ગયા વર્ષના સમાન સમયગાળા કરતાં ૩૨.૫ લાખ હેક્ટર વધુ છે, જેમાં ડાંગર અને મકાઈનું સૌથી વધુ વાવેતર થયું હતું. આ વર્ષે, ડાંગરનું વાવેતર ૪.૩૧ કરોડ હેક્ટરમાં થયું હતું, જે ગયા વર્ષના આ સમયગાળા કરતાં ૨૬.૬ લાખ હેક્ટર વધુ છે. તેવી જ રીતે, મકાઈનો વિસ્તાર ૧૦ લાખ હેક્ટર વધીને ૯૪ લાખ હેક્ટર થયો હતો.

સારા વરસાદ અને જમીનમાં ઉત્તમ ભેજનો લાભ લેવા માટે ઉતાવળને કારણે ખાતરોની માંગમાં વધારો થયો છે. એપ્રિલ અને જુલાઈ દરમિયાન યુરિયાનું વેચાણ ગયા વર્ષના સમાન સમયગાળાની તુલનામાં ૧૪.૨ ટકા વધીને ૧.૨૪ કરોડ ટન થયું છે, જ્યારે ડાયમોનિયમ ફોસ્ફેટનું વેચાણ ૧૨.૯ ટકા ઘટીને ૨૫.૬ લાખ ટન થયું છે. બદલામાં, NPKS (નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટેશિયમ, સલ્ફર) ખાતરોનું વેચાણ પણ વધ્યું છે.

મોસમની શરૂઆતમાં પડેલા વધુ પડતો વરસાદ ખેતી માટે વરદાન સાબિત થયો હતો, પરંતુ ઓગસ્ટના મધ્યભાગથી પડેલા મુશળધાર વરસાદથી ખેતીને ઘણું નુકસાન થયું છે. એક તરફ જીવાતોનો હુમલો, તો બીજી તરફ ખાસ કરીને પંજાબ, હરિયાણા, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને જમ્મુ અને કાશ્મીરમાં પૂરની સ્થિતિ સર્જાઈ, જેના કારણે ઊભા પાકનો મોટાપાયે નાશ થયો છે. એકલા પંજાબમાં અંદાજે ૧,૫૦,૦૦૦ હેક્ટર જમીનમાં પાક ડૂબી ગયો છે, જેના કારણે બાસમતી અને બિન-બાસમતી ચોખાના ઉત્પાદનને અસર થવાની સંભાવના છે.

અખિલ ભારતીય કિસાન સભા દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે હરિયાણાના ૧૨ જિલ્લાઓના ૧,૪૦૨ ગામોમાં લગભગ ૨૫૦,૦૦૦ એકર પાકનો નાશ થયો છે, જ્યારે હિમાચલ પ્રદેશમાં ૨૫,૦૦૦ એકર સફરજનના બગીચાઓને નુકસાન થયું છે. તેવી જ રીતે, જમ્મુ અને કાશ્મીરમાં હજારો એકર ડાંગર પાણીમાં ડૂબી ગઈ છે.

Tags :