Get The App

ગુજરાતનું 'ખાટલા વર્ક' ફ્રાન્સ-ઈટાલી જેવા દેશોમાં વખણાયું, લેબર સસ્તુ પડતું હોવાથી મોટાપાયે ઓર્ડર

Updated: Nov 14th, 2024

GS TEAM


Google News
Google News
ગુજરાતનું 'ખાટલા વર્ક' ફ્રાન્સ-ઈટાલી જેવા દેશોમાં વખણાયું, લેબર સસ્તુ પડતું હોવાથી મોટાપાયે ઓર્ડર 1 - image


Ahmedabad Khatla Work Demand: વર્લ્ડ હેરિટેજ સિટી તરીકે આગવી ઓળખ ધરાવતાં અમદાવાદ તેની અવનવી પારંપારિક કળાઓ માટે પણ વિશ્વભરમાં પ્રસિદ્ધ છે. અમદાવાદનું ખાટલા વર્કની વિશ્વભરમાં માગ વધી છે. ફ્રાન્સ અને ઈટલીમાં આ ખાસ એમ્બ્રોઈડરી કરેલા કાપડની માગ સતત વધતાં અમદાવાદમાં આ કલાના 40 હજારથી વધુ કારીગરો સારી એવી આજીવિકા રળી રહ્યા છે.

જરદોશી,મરોડી કલાની માગ વધી

અમદાવાદનો ખાનપુર, કાલુપુર, નારોલ અને વટવા ઉપરાંત ધોળકા અને તેની આસપાસના વિસ્તારોમાં 40 હજારથી વધુ ખાટલા વર્કના કારીગરો તાંબાના તાર, દોરી અને મોતીની મદદથી જરદોશી, મરોડી જેવા નામથી ઓળખાતા ખાટલા વર્ક કરી રહ્યા છે. ટેક્નોલોજીના યુગમાં તેની માગ વિશ્વના અન્ય દેશોમાં પ્રસરી રહી છે.

અમદાવાદમાં લેબર સસ્તું

અત્યંત બારીકાઈથી અને કુશળતાપૂર્વક ખાટલા પર કાપડ ભરાવી થતાં આ જરદોશી, મરોડી વર્ક સમય અને કૌશલ્ય માગી લે છે. આ અંગે અમદાવાદના ટેક્સટાઈલ નિષ્ણાત વિજયભાઈએ જણાવ્યું કે, આ કલાની માગ યુરોપના દેશોમાં સૌથી વધુ છે. અમદાવાદમાં આ કારીગરી કરતાં કારીગરોની મજૂરી (શ્રમ ખર્ચ) સસ્તી હોવાથી યુરોપની મોટી-મોટી કંપનીઓ લેબર ખર્ચ ઘટાડવા અમદાવાદમાં મોટાપાયે ઓર્ડર આપે છે. અહીંથી એમ્બ્રોડરી કરેલા કાપડની નિકાસ થાય છે. બાદમાં યુરોપના દેશોમાં તેનું સિલાઈ કામ કરી તેને મેડ ઈન ફ્રાન્સ અને મેડ ઈન યુરોપ તરીકે બજારમાં વેચવામાં આવે છે.

આ પણ વાંચોઃ કલાયમેટ ચેન્જની અસરથી કાશ્મીરમાં સફરજન,કેસરના ઉત્પાદન પર અસર

ધોળકામાં 20 હજારથી વધુ કારીગરો

જરદોશી વર્ક થકી પોતાની એક આગવી ઓળખ ઊભી કરનારા ધોળકા ગામમાં વીસ હજારથી વધુ જરદોસી વર્કના કારગરો છે. જે દિવાળી અને લગ્નસરાની સિઝનમાં ઉત્સવપ્રેમી અમદાવાદીઓને જરદોસી વર્કના કપડાં પૂરા પાડે છે. આ કલા માત્ર ગુજરાત પૂરતી સીમિત નથી, તે દેશના અન્ય રાજ્યો અને વિદેશોમાં સુધી વિસ્તરી છે. સાડી, શેરવાની, દુપટ્ટા અને લગ્નના ઘરચોળા માટે અમદાવાદના મોટા વેપારીઓ કાપડ ભલે આખા ભારતમાંથી ખરીદે પરંતુ જરદોશી વર્ક માટે તે ધોળકાના કારીગરો પાસે દોડતા આવે છે.

રોજના સરેરાશ રૂ. 1000ની આવક

ધોળકાના પખાલી ચોકમાં છેલ્લા 50 વર્ષથી જરદોશી અને મરોડી વર્ક કરતાં 65 વર્ષીય ઝાવેદખાન જણાવે છે કે બાળકો આ કામ જોતાં જોતાં જ શીખી જાય છે. અમદાવાદ, સુરત અને મુંબઈથી કામ મળે છે. એક કારીગર રોજના સરેરાશ રૂ.1000 કમાઈ લે છે. ઘરમાં મહિલાઓ સાથે આખો પરિવાર આ કામ કરતો હોવાથી તેઓ સારી એવી આવક રળી રહ્યા છે.

ઈન્ટરનેટના જમાનામાં વેપારીઓ સાથે અમે સીધા જ સંપર્કમાં રહી શકીએ છીએ. રેશમ, કદબસ બીડ્સ, દોરી, જરદોશી અને સુરમો તેમાં વપરાતા વિવિધ ઝીણી સામગ્રીની મદદથી આ કારીગરી અત્યંત બારીકાઈ પૂર્વક કરવામાં આવે છે. જેમાં આંખો અને મનની શાંતિ મહત્ત્વનો ભાગ ભજવે છે. એક સારો કારીગર વધુ સારું ફિનિશિંગ આપીને વધુ પૈસા કમાઈ શકે છે. 

જરદોશી કલાના મૂળ યુપીમાં

મૂળ ઉત્તર પ્રદેશના રાજા રજવાડાની આ કલા હતી. જે ધીમે ધીમે સરકીને ગુજરાતમાં આવી હતી. હાલમાં શરૂ થઈ રહેલી લગ્નસરાની સિઝનમાં અમદાવાદ, સુરત, મુંબઈ અને રાજકોટ જેવા શહેરોમાં પણ સ્થાનિક ડિમાન્ડ પણ એટલી જ વધારે હોવાથી કારીગરોની સાથે સાથે વેપારીઓ પણ ખાટલા વર્કનું સર્વિસ આપીને સારો એવો નફો મેળવી રહ્યા છે.

ગુજરાતનું 'ખાટલા વર્ક' ફ્રાન્સ-ઈટાલી જેવા દેશોમાં વખણાયું, લેબર સસ્તુ પડતું હોવાથી મોટાપાયે ઓર્ડર 2 - image

Tags :