વિવાદને ઠંડો પાડવા ભારત ખાતેથી ખાંડની ખરીદી વધારવા મલેશિયાની કંપની દ્વારા ખાતરી
- કાશ્મીર અંગે નિવેદન બાદ ભારતે મલેશિયાના પામ ઓઈલની આયાત લગભગ અટકાવી દીધી છે
નવી દિલ્હી, તા.23 જાન્યુઆરી 2020, ગુરુવાર
મલેશિયાના ટોચના ખાંડ રિફાઈનરે ભારતમાંથી સાકરની આયાતમાં વધારો કરવાની ખાતરી ઉચ્ચારી છે. ભારત તથા મલેશિયા વચ્ચે પામ ઓઈલની આયાતને લઈને ચાલી રહેલા ઝઘડાને ઠંડો પાડવાના ભાગરૂપ આ ખાતરી આવી પડી હોવાનું માનવામાં આવે છે.
મલેશિયાની એક કંપનીએ પ્રથમ ત્રિમાસિકમાં ૪.૯૨ કરોડ ડોલરમાં ૧,૩૦,૦૦૦ ટન્સ કાચી ખાંડ આયાત કરવાની ખાતરી આપી છે. ૨૦૧૯માં આ કંપનીએ ભારત ખાતેથી ૮૮૦૦૦ ટન્સ ખાંડની આયાત કરી હતી.
વિશ્વના સૌથી મોટા પામ ઓઈલ ઉત્પાદક એફજીવી હોલ્ડિંગ્સની ખાંડ રિફાઈનિૅગ પાંખ એમએસએમ દ્વારા આ ખાતરી આપવામાં આવી હોવાનું સ્થાનિક બજારના સુત્રોએ જણાવ્યું હતું. આ ખરીદી વધારવા પાછળ જો કે કંપનીએ કોઈ કારણ આપ્યું નથી.
જો કે ભારત સરકાર અને કંપનીના અધિકારીઓ વચ્ચે થયેલી વાતચીતના જાણકાર કેટલાક સ્રોતોએ દાવો કર્યો છે કે, કંપની આમ કરીને ભારતના ગુસ્સાને ઠંડો પાડવા માગે છે. મલેશિયા સાથે વધેલી વેપાર ખાધને ઘટાડવા ભારત પ્રયાસ કરી રહ્યું છે.
મલેશિયાના વડા પ્રધાને કાશમીર મુદ્દે નિવેદન કરીને ભારત સરકારનો ગુસ્સો વહોરી લીધો હતો અને સરકારે મલેશિયા ખાતેથી પામ ઓઈલની આયાત લગભગ અટકાવી દીધી છે. ભારત પામ ઓઈલનો મોટા ખરીદદાર દેશ છે.
પોતાનું પામ ઓઈલ વેચવા પોતે અન્ય બજારો તરફ નજર દોડાવશે એવી મલેશિયાએ ચીમકી ઉચ્ચારી હતી પરંતુ છેલ્લા પાંચ વર્ષથી ભારત તેના પામ ઓઈલનો સૌથી મોટો ખરીદદાર દેશ હોવાનું ધ્યાનમાં રાખતા મલેશિયા માટે અન્ય બજારો શોધવાનું મુશકેલભર્યું છે એમ સ્થાનિક સુત્રોએ જણાવ્યું હતું.
૨૦૧૯માં ભારતે ૪૪ લાખ ટન્સ પામ ઓઈલની મલેશિયા ખાતેથી ખરીદી કરી હતી. ૩૧ માર્ચ ૨૦૧૯ના અંતે પૂરા થયેલા નાણાં વર્ષમાં ભારત ખાતે મલેશિયાની નિકાસનો આંક ૧૦.૮૦ અબજ ડોલર રહ્યો હતો જ્યારે આયાત આંક ૬.૪૦ અબજ ડોલર રહ્યો હતો.
૨૦૧૯માં મલેશિયાએ ભારત ખાતેથી ૧૯.૫૦ લાખ ટન્સ ખાંડની આયાત કરી હતી. ભારત કરતા ખાંડની વધુ ખરીદી તે બ્રાઝિલ અને થાઈલેન્ડ ખાતેથી કરે છે.