નવી દિલ્હી, તા. 23 નવેમ્બર 2018, શુક્રવાર
ગુડ્સ એન્ડ સર્વિસીઝ ટેકસ (જીએસટી) મારફતની આવકમાં ઘટાડો નોંધાતા સરકારની ખર્ચ કરવાની શક્તિ પર ગંભીર અસર પડશે એમ સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાના એક રિપોર્ટમાં જણાવાયું હતું. સરકારે ખર્ચમાં રૂપિયા ૭૦૦ અબજનો કાપ મૂકવાની ફરજ પડી શકે છે જે નાણાં વર્ષ ૨૦૧૮-૧૯ના મૂડી ખર્ચના ૨૫ ટકા જેટલી થવા જાય છે.
આ અગાઉ ગયા નાણાં વર્ષમાં સરકારે રાજકોષિય ખાધને જીડીપીના ૩.૫૦ ટકા પર મર્યાદિત રાખવા મૂડી ખર્ચ પર રૂપિયા ૩૬૩ અબજનો કાપ મૂકયો હતો. વૈશ્વિક વિકાસમાં ઘટાડાને કારણે ભારતના આર્થિક વિકાસ દર પર અસર પડી છે એમ રિપોર્ટમાં ઉલ્લેખવામાં આવ્યું છે. વર્તમાન નાણાં વર્ષના ચોથા ત્રિમાસિક ગાળામાં વિકાસ દર સાત ટકાથી પણ નીચે જવાની શકયતા છે.
ક્રુડ તેલના ભાવ જો પ્રતિ બેરલ ૬૫ ડોલર આસપાસ સ્થિર થઈ રહેશે તો, દેશની ચાલુ ખાતાની ખાધ ઘટીને જીડીપીના ૨.૬૦ ટકા રહેશે જે અગાઉ ૨.૮૦ ટકા રહેવા અંદાજાઈ હતી. આડકતરા વેરા મારફતની આવક રૂપિયા ૯૦૦ અબજ જેટલી ઓછી રહેવાનો રિપોર્ટમાં અંદાજ મુકાયો છે આમાં રૂપિયા ૭૦૦ અબજ જીએસટી મારફતની આવકનો સમાવેશ થાય છે. પેટ્રોલ તથા ડિઝલ પરની એકસાઈઝ ડયૂટીમાં ઘટાડો કરાતા આવકમાં રૂપિયા ૧૦૫ અબજની ખોટ ગઈ છે. આ ઉપરાંત શેરબજારમાં ભારે વોલેટિલિટીને કારણે લોન્ગ ટર્મ કેપિટલ ગેઈન ટેકસ મારફતના રૂપિયા ૨૦૦ અબજ સિદ્ધ થવાનું મુશકેલ છે.
નાણાં મંત્રાલયના અધિકારીઓ જીએસટી મારફતની આવક રૂપિયા ૫૦૦ અબજ ઓછી રહેવાની ધારણાં મૂકી રહ્યા છે. જો કે સીધા વેરા મારફતની આવક, કસ્ટમ્સ ડયૂટીની વસૂલી અને કરચોરી સામેના પગલાંથી મૂડી ખર્ચ પરનો કાપ મર્યાદિત રહેશે. સીધા વેરાની વસૂલી બજેટ ટાર્ગેટ કરતા રૂપિયા ૨૦૦ અબજ વધુ રહેવાની ધારણાં છે જ્યારે કસ્ટમ્સ ડયૂટી મારફત રૂપિયા ૧૪૦ અબજ વધુ આવક થવાનો અંદાજ છે. મૂડી ખર્ચ પર કાપથી માર્ગ તથા માળખાકીય ક્ષેત્ર પર અસર પડશે.


