જીએસટીની અધધ રૂ.2.37 લાખ કરોડની આવક
- એપ્રિલના કલેક્શનમાં ગયા વર્ષની સરખામણીએ 12.6 ટકાનો વધારો
- સરકારને બખંબખાં
- ગુજરાતની એસજીએસટી અને સીજીએસટીની મળીને કુલ આવક રૂ. 14,970 કરોડ, દેશમાં ત્રીજા ક્રમે
- માર્ચમાં જીએસટી આવકનો આંકડો રૂ. 1.96 લાખ કરોડ હતો એપ્રિલમાં કુલ 27,341 કરોડનું રિફંડ અપાયું
અમદાવાદ : એપ્રિલ ૨૦૨૫માં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સની આવકમાં રૂ. ૨.૩૭ લાખ કરોડને વળોટી ગઈ છે. સાત વર્ષના ગાળામાં જીએસટીની એક મહિનામાં થયેલી પહેલા ક્રમની સૌથી વધુ આવક છે. એપ્રિલ માસમાં રિફંડ તરીકે રૂ. ૨૭,૩૪૧ કરોડ આપવામાં આવ્યા છે. આમ જીએસટીના આવકમાં એક સામટો ૧૨.૬ ટકાનો વધારો થયો છે. એપ્રિલ ૨૦૨૪માં જીએસટીની કુલ આવક રૂ. ૨.૧૦ લાખ કરોડની હતી. તેની તુલનાએ ૧૨.૬ ટકાનો વધારો આવ્યો છે. માર્ચ ૨૦૨૫માં જીએસટીના આવક રૂ. ૧.૯૬ લાખ કરોડની થઈ હતી. સત્તર મહિના બાદ જીએસટીની આવકમાં થયેલો આ સૌથી મોટો વધારો છે.
જોકે જીએસટીની રૂ. ૨.૩૭ લાખ કરોડની આવકમાં મહારાષ્ટ્રનો ફાળો રૂ. ૪૧,૬૪૫ કરોડ, કર્ણાટક ૧૭,૮૧૫ કરોડ, તામિલનાડુ ૧૩,૮૩૧ કરોડ, હરિયાણાનો રૂ.૧૪,૦૫૭ કરોડ અને ગુજરાત ૧૪૯૭૦ કરોડનો રહ્યો છે. તેમના થકી થતી આવકમાં ૧૦ ટકાથી માંડીને ૧૩ ટકા સુધીનો વધારો જોવા મળ્યો છે. મિઝોરમમાં જીએસટીની આવક માઈનસ ૨૮ ટકા, ત્રિપુરામાં માઈનસ સાત ટકા અને આન્ધ્રપ્રદેશમાં માઈનસ ત્રણ ટકા રહી હોવાનું જોવા મળ્યું છે.
દેશના બજારમાં થયેલા વેપાર વહેવારો થકી જીએસટીની આવક ૧૦.૭ ટકા વધીને રૂ. ૧.૯૦ લાખ કરોડની થઈ છે. તેની સામે આયાતી ચીજવસ્તુઓના વેપાર થકી જીએસટીની રૂ. ૪૬,૯૧૩ કરોડની આવક થઈ છે. તેની સામે રિફંડની ચૂકવણીમાં ૪૮.૩ ટકાનો વધારો થયો છે. આ વધારા સાથે કુલ રિફંડ રૂ. ૨૭,૩૪૧ કરોડનું ચૂકવવાનું આવ્યું છે. રિફંડને એડજસ્ટ કર્યા પછી જીએસટીની ચોખ્ખી આવક ૯.૧૦ ટકા વધી છે. ૨૦૨૪-૨૫ના નાણાંકીય વર્ષને અંતે જીએસટીની કુલ આવક રૂ. ૨૨.૧ લાખ કરોડની થઈ હતી. ૨૦૨૫-૨૬ના વર્ષને અંતે રૂ. ૨૬થી ૨૭ લાખ કરોડની નેટ ઇન્કમ થવાનો ટાર્ગેટ રાખવામાં આવી શકે છે. જીએસટીની વધતી આવક અને ઈ-વે બિલના જનરેશનમાં થતો વધારો દેશની આર્થિક પ્રવૃત્તિમાં ધીમો અને મક્કમ વધારો થઈ રહ્યો હોવાનો નિર્દેશ આપે છે. માર્ચ-એપ્રિલ ૨૦૨૫ની જીએસટીની આવક સૂચને છે કે સ્થાનિક બજારમાં ડિમાન્ડ સારી છે. તેમ જ ફુગાવો નીચે આવ્યો છે. લોકો છૂટથી પૈસા ખર્ચી રહ્યા હોવાથી તેમની પાસે ખર્ચવા માટેના વધારાના પૈસા પણ મોજૂદ છે. ટેરિફ વૉરને કારણે આંતરરાષ્ટ્રીય વેપારમાં અનિશ્ચિતતાનો માહોલ નિર્માણ થયો હોવા છતાંય મોટાભાગના આથક નિર્દેશકો દેશનું અર્થંતંત્ર પોઝિટિવ દિશામાં આગળ વધી રહ્યું હોવાનો નિર્દેશ આપે છે. જીએસટીની વધી રહેલી આવક કોમ્પ્લાયન્સમાં વધારો થયો હોવાનો પણ નિર્દેશ આપે છે.
પરચેઝિંગ મેનેજર ઇન્ડેક્સ આઠ મહિનાની ઊંચી સપાટીએ પહોંચ્યો હોવાથી મેન્યુફેક્ચરિંગ સેક્ટર પણ મજબૂત રીતે કામ કરી રહ્યું હોવાનો નિર્દેશ મળી રહ્યો છે. આ સાથે જ નવા મોટા ઓર્ડર મળવાનો આરંભ થવાનો નિર્દેશ પણ મળી રહ્યો છે. માર્ચ ૨૦૨૫માં રિટેઈલ ઇન્ફ્લોશન ૪.૬ ટકા હતો. ખાદ્યસામગ્રીના ભાવમાં ઘટાડો થતાં આ વધારો જોવા મળી રહ્યો છે. બીજીતરફ રિઝર્વ બેન્કે રેપોરેટમાં ઘટાડો પણ કર્યો છે. બે વારમાં અડધા ટકાનો ઘટાડો કર્યો છે. ત્રીજીતરફ કન્ઝયુમર સિચ્યુએશન ઇન્ડેક્સમાં પણ વધારો થઈ રહ્યો છે. સિચ્યુએશન ઇન્ડેક્સમાં વધારો થવાની બાબત રોજગારીની તક નિર્માણ થવાનો પણ નિર્દેશ આપે છે.
ગુજરાતની જીએસટી આવક ૮૫૬૪ કરોડ, વેટની રૂ. ૨૬૮૫ કરોડ
એપ્રિલ ૨૦૨૫માં ગુજરાતની જીએસટીની આવક રૂ.૮૫૬૪ કરોડની થઈ છે. ૨૦૨૪ના એપ્રિલ માસની રૂ. ૭૦૭૪ કરોડની આવક કરતાં તેમાં ૨૧ ટકાનો વધારો થયો છે.બીજીતરફ ગુજરાતની એપ્રિલ ૨૦૨૫માં વેટની આવક રૂ૨.૨૬૮૫ કરોડની થઈ છે. તદુપરાંત વિદ્યુત શુલ્કની આવક રૂ. ૯૪૦ કરોડની અને વ્યવસાય વેરાની આવક રૂ. ૨૦ કરોડની થઈ છે. કેન્દ્ર સરકારે ગુજરાત સરકાર પાસે આઈજીએસટી સેટલમેન્ટ પેટે કરેલી રિકવરીમાં રૂ. ૧૬૫૬ કરોડની રિકરવરી કરવામાં આવી છે.
એપ્રિલના કલેક્શનમાં ટોચના 5 રાજ્યોનો ફાળો
મહારાષ્ટ્ર |
રૂ. ૪૧૬૪૫ કરોડ |
કર્ણાટક |
રૂ. ૧૭૮૧૫ કરોડ |
ગુજરાત |
રૂ. ૧૪,૯૭૦ |
હરિયાણા |
રૂ. ૧૪૦૫૭ કરોડ |
તામિલનાડુ |
૧૨,૮૩૧ કરોડ |