આવતા સપ્તાહે મોબાઈલ્સ તથા ફેબ્રિક પરના જીએસટીના દરમાં વધારો થવા સંભાવના
- ઈન્વર્ટેડ ટેકસ સ્ટ્રકચરાૃથી સરકાર પર રિફન્ડસનું ભારણ આવી રહ્યાનો દાવો
નવી દિલ્હી, તા. 12 ડિસેમ્બર 2019, ગુરૂવાર
મોબાઈલ ફોન્સ અને ફેબ્રિક પર ગુડ્સ એન્ડ સર્વિસીઝ ટેકસ (જીએસટી)ના દરમાં વધારો થવાની શકયતા જોવાઈ રહી છે. જીએસટી કાઉન્સિલની આવતા સપ્તાહે મળી રહેલી બેઠકમાં વેરા મારફતની આવક વધારવાના તથા ઈન્વર્ટેડ ડયૂટી માળખાને સુધારવાના પગલાંરૂપે દરમાં વધારો કરવા અંગે નિર્ણય લેવાય તેવી ધારણાં છે. વર્તમાન નાણાં વર્ષમાં જીએસટી મારફતની આવક અપેક્ષા કરતા નીચી રહી છે.
ફાઈનલ પ્રોડકટસ કરતા કાચા માલ પર જીએસટીના દર ઊંચા રહેતા હોવાથી જંગી ઈનપુટ ટેકસ ક્રેડિટની સ્થિતિ ઊભી થાય છે. ફેબ્રિક, બેગ્સ, ટ્રેકટર્સ વગેરે પણ ઈન્વર્ટેડ ટેકસ સ્ટ્રકચરમાં આવે છે.
મોબાઈલ ફોન પર હાલમાં જીએસટીના દર ૧૨ ટકા છે, જ્યારે ફોન્સના ભાગો અને બેટરીઝ પર આ દર ૧૮ ટકા છે, જેને લઈ ઈન્વર્ટેડ ટેકસ સ્ટ્રકચર ઊભું થયું છે. ફોન્સના કિસ્સામાં એક જ ઉત્પાદકે ગયા વર્ષે રૂપિયા ૪૧૦૦ કરોડના રિફન્ડ માટે દાવો કર્યો હતો.
ઈનપુટ પર ઊંચા વેરા માળખા અને ફિનિશ્ડ પ્રોડકસ પર નીચા દરના કિસ્સામાં એક કરદાતા ઈનપુટ ટેકસ ક્રેડિટ માટે કલેઈમ કરી શકે છે. આવી જ સ્થિતિ ફેબ્રિકમાં જોવા મળી રહી છે જેમાં ફેબ્રિક પર જીએસટીનો દર પાંચ ટકા છે જ્યારે વિવિધ પ્રકારના યાર્ન્સ પર આ દર ૧૨ ટકા છે. પ્રારંભમાં સરકારે ફેબ્રિકના ઉત્પાદકોને ઈનપુટ ટેકસ ક્રેડિટના રિફન્ડસ માટે દાવા કરવાનું મંજુર રાખ્યું નહોતું પણ પછીથી તેમાં પરવાનગી અપાઈ હતી, એમ નાણાં મંત્રાલયના સુત્રોએ જણાવ્યું હતું.
દરેક રાજ્યોના નાણાં પ્રધાનો સહમત થશે તો ફેબ્રિક પરનો જીએસટી દર જે હાલમાં પાંચ ટકા છે તે વધારીને ૧૨ ટકા કરવા વિચારાઈ રહ્યું છે જેથી સરકાર પર રિફન્ડસનો બોજ ઓછો થાય.જે ચીજવસ્તુઓ પર ઈન્વર્ટેડ ટેકસ સ્ટ્રકચર ઊભા થયા છે તેની યાદી તૈયાર કરવા કેન્દ્રએ ખાસ સમિતિ બનાવી છે.
અત્રે ઉલ્લેખનિય છે વર્તમાન નાણાં વર્ષમાં સરકારની જીએસટી મારફતની આવકમાં નોંધપાત્ર તૂટ પડી રહી છે. નાણાં વર્ષ પૂરું થવાને ત્રણ મહિના બાકી છે ત્યારે જીએસટી મારફતની આવકનો ટાર્ગેટ પૂરો નહીં થાય તો રાજકોષિય ખાધમાં વધારો થવાની સંભાવના રહેલી છે. આર્થિક મંદીને કારણે ટાર્ગેટ પૂરો થવામાં મુશકેલી ઊભી થઈ છે.
જીએસટી ઉપરાંત વર્તમાન નાણાં વર્ષના એપ્રિલથી નવેમ્બરના ગાળામાં દેશમાં કોર્પોરેટ ટેકસની વસૂલી ગયા વર્ષના આ ગાળાની સરખામણીએ એક ટકો નીચી રહી છે. જો કે સપ્ટેમ્બરમાં કોર્પોરેટ ટેકસ દરમાં કરાયેલી કપાતની અસર હજુ જોવા મળી નથી. આ કપાતને કારણે વેરા વસૂલી હજુ નીચી જોવા મળી શકે છે.