દેશમાં છેલ્લા પાંચ વર્ષમાં ઝડપાઈ રૂ. 7 લાખ કરોડની GST ચોરી, ગુજરાતના વાર્ષિક બજેટથી પણ બમણી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

GST Evasion: દેશના કર માળખામાં પારદર્શિતા તેમજ કરચોરી અટકાવવા લાગુ કરવામાં આવેલી વન નેશન વન ટેક્સ સિસ્ટમ જીએસટીમાં જ ચોરીનું પ્રમાણ સતત વધી રહ્યું છે. સેન્ટ્રલ ગુડ્સ એન્ડ સર્વિસિઝ ટેક્સ(જીએસટી)ના ફિલ્ડ અધિકારીઓએ દેશમાં છેલ્લા પાંચ વર્ષમાં રૂ. 7.08 લાખ કરોડની જીએસટી ચોરી શોધી કાઢી છે. જેમાં રૂ. 1.79 લાખ કરોડની ઇનપુટ ટેક્સ ક્રેડિટ ફ્રોડ પણ સામેલ હોવાનું આજે લોકસભામાં જણાવવામાં આવ્યું હતું.
નાણાં રાજ્ય મંત્રી પંકજ ચૌધરીએ લોકસભામાં આંકડાઓ રજૂ કરતાં કહ્યું કે, 2024-25માં રૂ. 2.23 લાખ કરોડની જીએસટી ચોરી શોધી કાઢવામાં આવી છે. છેલ્લા પાંચ નાણાકીય વર્ષમાં દેશમાં કુલ રૂ. 7.08 લાખ કરોડની જીએસટી ચોરી થઈ હતી. જે ગુજરાત સરકાર દ્વારા ફાળવવામાં આવેલા તેના વાર્ષિક બજેટ કરતાં બમણી છે. નોંધનીય છે, ગુજરાત સરકારે 2024-25માં રૂ. 3.32 લાખ કરોડ અને 2025-26 માટે રૂ. 3.70 લાખ કરોડનું બજેટ ફાળવ્યું હતું.
આઇટીસી ફ્રોડનું પ્રમાણ વધ્યું
ગત નાણાકીય વર્ષ 2024-25માં જીએસટી ચોરીના નોંધાયેલા કુલ 30056 કેસમાંથી 15283 કેસ આઇટીસી (ઇનપુટ ટેક્સ ક્રેડિટ) ફ્રોડના હતા. જેમાં રૂ. 58772 કરોડની આઇટીસી ચોરી થઈ હતી. 2023-24માં પણ સીજીએસટીના ફિલ્ડ અધિકારીઓએ રૂ. 2.30 લાખ કરોડની જીએસટી ચોરી પકડી પાડી હતી. જેમાં રૂ. 36374 કરોડનું આઇટીસી ફ્રોડ સામેલ હતું.
છેલ્લા ત્રણ વર્ષમાં જીએસટી ચોરીનું પ્રમાણ વધ્યું
જીએસટીના અમલીકરણને કુલ આઠ વર્ષ થયા છે. કર નીતિઓને સરળ બનાવવા તેમજ પારદર્શિતા વધારવા 2017માં લાગુ જીએસટીમાં ફ્રોડનું પ્રમાણ પણ સમય જતાં વધી રહ્યું છે. છેલ્લા ત્રણ વર્ષની તુલના કરીએ તો જીએસટી કલેક્શનની સાથે સાથે જીએસટી ચોરીનો આંકડો પણ 1 લાખ કરોડની સપાટી વટાવી ગયો છે. સાથે સાથે ફેક ઇનપુટ ટેક્સ ક્રેડિટનું પ્રમાણ પણ વધ્યું છે.
છેલ્લા પાંચ વર્ષમાં જીએસટી ચોરી
| વર્ષ | જીએસટી ચોરી | આઇટીસી ફ્રોડ |
| 2024-25 | 2.23 લાખ કરોડ | 58772 કરોડ |
| 2023-24 | 2.30 લાખ કરોડ | 36374 કરોડ |
| 2022-23 | 1.32 લાખ કરોડ | 24140 કરોડ |
| 2021-22 | 73238 કરોડ | 28022 કરોડ |
| 2020-21 | 49384 કરોડ | 31233 કરોડ |
જીએસટી ચોરી અટકાવવા અનેક પગલાં લેવાયા
ચૌધરીએ જીએસટી ચોરી વિશે આંકડાઓ રજૂ કરતાં અંતે કહ્યું હતં કે, કેન્દ્ર સરકાર અને જીએસટીએન આ ટેક્સ ચોરીને અટકાવવા માટે વિવિધ પગલાં લઈ રહી છે. જેના માટે ઈ-ઇનવોઇસિંગ, જીએસટી એનાલિટિક્સ મારફત ડિજિટાઇઝેશન પર ભાર મૂકવામાં આવ્યો છે. સિસ્ટમ-ફ્લેગ મિસમેચના આધાર પર આઉટલેયરને ઉજાગર કરવું, સ્ક્રૂટિની માટે રિટર્નની પસંદગી અને કાર્યવાહી વિશે જાણકારી આપવી, તેમજ જોખમના વિવિધ માપદંડો પર ઓડિટના આધારે કરદાતાઓની પસંદગી કરવી વગેરે સામેલ છે. આ પગલાંઓ જીએસટી ચોરી કરનારાઓ પર અંકુશ લાદી પકડી પાડે છે.








