GSTમાં ઘટાડાથી એક દાયકા જૂનો વેચાણ રેકોર્ડ તુટયો
- વિવિધ બ્રાન્ડ્સના વેચાણમાં અકલ્પનીય એવો ૨૫%થી ૧૦૦% સુધીનો વધારો
- GSTમાં ઘટાડાથી ગ્રાહકો અને કંપનીઓ ખુશ : નાની કારનું બુકિંગ ૫૦ ટકા સુધી વધ્યું
નવરાત્રિ દરમિયાન અનેક ચીજવસ્તુઓનું વિક્રમી વેચાણ
અમદાવાદ : રોજિંદા વપરાશની ચીજવસ્તુઓનું ઉત્પાદન કરતી કંપનીઓ અને રિટેલર્સે આ વર્ષે નવરાત્રિ દરમિયાન અકલ્પનીય એવું મજબૂત વેચાણ જોયું છે, જેણે એક દાયકા જૂનો વેચાણ રેકોર્ડ તોડયો છે. જીએસટીમાં ઘટાડા અને કંપનીઓની તહેવારોની ઓફરોના કારણે ખરીદીમાં નોંધપાત્ર વધારો થયો છે. આ ટ્રેન્ડને જોતાં દિવાળી દરમિયાન પણ વેચાણમાં વધારો થવાની ધારણા છે. નવા જીએસટી દર ૨૨ સપ્ટેમ્બરથી અમલમાં આવ્યા હતા. સરકારનો દાવો છે કે જીએસટી ઘટાડાથી આશરે ૪૦૦ વસ્તુઓ પર કરમાં ઘટાડો થયો છે.
અહેવાલો અનુસાર, વિવિધ બ્રાન્ડ્સના વેચાણમાં ૨૫% થી ૧૦૦% સુધીનો વધારો થયો છે. જે કંપનીઓ અને રિટેલર્સ માટે મોટી રાહત છે. છેલ્લા ૫-૬ વર્ષથી બજારમાં માંગ ખૂબ ઓછી હતી. કંપનીઓએ જીએસટી ઘટાડાનો લાભ ગ્રાહકોને આપ્યો છે, જેમાં ઘણી કંપનીઓ તહેવારોને અનુલક્ષી વધુ ડિસ્કાઉન્ટ ઓફર કરી રહી છે.
દેશની સૌથી મોટી કાર ઉત્પાદક કંપની મારુતિ સુઝુકીએ અહેવાલ આપ્યો છે કે ગયા વર્ષ કરતાં નવરાત્રીમાં તેનું વેચાણ બમણું થયું છે. આ ઓછામાં ઓછા દસ વર્ષમાં તેનું શ્રેષ્ઠ વેચાણ હતું. કંપનીને બુધવારે રાત સુધીમાં નવરાત્રી દરમિયાન ૭૦૦,૫૩૦ પૂછપરછ મળી હતી. તેવી જ રીતે, મહિન્દ્રા અને મહિન્દ્રા, હ્યુન્ડાઇ અને અન્ય કંપનીઓના વેચાણમાં નોંધપાત્ર વધારો થયો હતો.
ગ્રાહક ઇલેક્ટ્રોનિક્સ ક્ષેત્રમાં પણ સારા સમાચાર છે. ઉદ્યોગના આંતરિક સૂત્રોએ અહેવાલ આપ્યો છે આ ક્ષેત્રની તમામ આગેવાન કંપનીઓએ ગયા વર્ષની સરખામણીમાં આ નવરાત્રીમાં મજબૂત વેચાણ નોંધાવ્યું હતું, જેમાં બે આંકડાની વૃદ્ધિ થઈ હતી. હેયર ના વેચાણમાં ૮૫% નો વધારો થયો હતો. કંપનીએ લગભગ રૂ. ૨.૫ લાખથી વધુ કિંમતના ૮૫-ઇંચ અને ૧૦૦-ઇંચના મોટા ટેલિવિઝનનો આખો દિવાળી સ્ટોક વેચી દીધો છે.
સુત્રોએ જણાવ્યું હતું કે નાની કાર, એસયુવી અને મલ્ટી-પર્પઝ વ્હીકલ સહિત તમામ શ્રેણીઓમાં વેચાણ વધ્યું છે. આ તહેવારોની સિઝનમાં કંપનીની નાની કાર માટે બુકિંગમાં ૫૦%નો વધારો થયો છે. ભારતના આગેવાન રિટેલરો, દેશના મોટા શહેરોના મોલ અને સુપર માર્કેટોના વેચાણમાં પાછલી નવરાત્રિની તુલનામાં આ વખતે ૨૦ થી ૨૫%નો વધારો થયો છે. મોટી સ્ક્રીનવાળા ટીવી, સ્માર્ટફોન બ્રાન્ડેડ રેડીમેડ કપડા અને ફેશન એસેસરીઝના વેચાણમાં અકલ્પનીય વધારો થયો છે.
તહેવારોની સિઝનનો પહેલો ભાગ ઓણમથી શરૂ થાય છે, ત્યારબાદ નવરાત્રિ અને દુર્ગા પૂજા આવે છે અને દશેરા સાથે સમાપ્ત થાય છે. તહેવારોની મોસમનો બીજો ભાગ ઓક્ટોબરના ત્રીજા અઠવાડિયામાં ધનતેરસ અને દિવાળીથી શરૂ થાય છે અને નવા વર્ષ સુધી ચાલુ રહે છે. આ સમયગાળા દરમિયાન પણ મજબૂત વેચાણની અપેક્ષા છે. દિવાળી અને ત્યાર બાદ લગ્નની મોસમ પછી પણ આ વૃદ્ધિ ચાલુ રહેવાની અપેક્ષા છે.
ટુ-વ્હીલર ઉત્પાદક કંપનીઓના જણાવ્યા મુજબ આ નવરાત્રિમાં તેમના શોરૂમોમાં ગ્રાહકોની સંખ્યા બમણી થઈ ગઈ છે, ખાસ કરીને બાઇકની અને ઈલેકટ્રીક સ્કુટરની માંગમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે.
જીએસટી દરમાં ઘટાડાને કારણે કિંમતો ઓછી થવાને કારણે ટીવી, એસી રેફ્રિજરેટર, વોશિંગ મશીન, માઇક્રોવેવ ઓવન અને ડીશવોશરના વેચાણમાં નોંધપાત્ર વધારો થયો હતો.