જૂનમાં જીએસટી કલેક્શન 6.2 ટકા વધી રૂ. 1.84 લાખ કરોડ
- મે, 2025માં જીએસટી કલેક્શન રૂ.2.01 લાખ કરોડ હતું
- જૂનમાં સેન્ટ્રલ જીએસટી 34,558 કરોડ, સ્ટેટ જીએસટી 43,268 કરોડ, ઇન્ટેગ્રેટેડ જીએસટી 93,280 કરોડ રહ્યું
નવી દિલ્હી : જૂનમાં કુલ જીએસટી કલેક્શન વાર્ષિક ધોરણે ૬.૨ ટકા વધી ૧.૮૪ લાખ કરોડ રૂપિયા રહ્યું છે. જો કે છેલ્લા બે મહિનામાં નોંધવામાં આવેલા બે લાખ કરોડ રૂપિયાના કલેક્શન કરતા જૂનમાં જીએસટી કલેક્શન ઓછું રહ્યું છે.
સરકાર દ્વારા જારી કરવામાં આવેલા ડેટા અનુસાર એક વર્ષ અગાઉ જૂનમાં કુલ જીએસટી કલેક્શન ૧,૭૩,૮૧૩ કરોડ રૂપિયા રહ્યું હતું. જેની સરખામણીમાં ચાલુ વર્ષે જૂનમાં જીએસટી કલેક્શન ૬.૨ ટકા વધુ નોંધવામાં આવ્યું છે.
મે, ૨૦૨૫માં જીએસટી કલેક્શન ૨.૦૧ લાખ કરોડ રૂપિયા રહ્યું હતું. જ્યારે એપ્રિલ, ૨૦૨૫માં જીએસટી કલેક્શન ૨.૩૭ લાખ કરોડ રૂપિયા રહ્યું હતું જે અત્યાર સુધીનું સૌૈથી વધારે છે.
જૂનમાં ઘરેલુ ટ્રાન્ઝેકશનમાંથી કુલ આવક ૪.૬ ટકા વધી ૧.૩૮ લાખ કરોડ રૂપિયા રહી છે જ્યારે આયાતમાંથી જીએસટી આવક ૧૧.૪ ટકા વધીને ૪૫,૬૯૦ કરોડ રૂપિયા રહી છે.
જૂનમાં સેન્ટ્રલ જીએસટી આવક ૩૪,૫૫૮ કરોડ રૂપિયા, સ્ટેટ જીએસટી આવક ૪૩,૨૬૮ કરોડ રૂપિયા, ઇન્ટેગ્રેટેડ જીએસટી આવક ૯૩,૨૮૦ કરોડ રૂપિયા રહી છે. સેસની આવક ૧૩,૪૯૧ કરોડ રૂપિયા રહી છે.
જૂનમાં કુલ રિફંડ ૨૮.૪ ટકા વધીને ૨૫,૪૯૧ કરોડ રૂપિયા રહ્યું છે. નેટ જીએસટી કલેક્શન વાર્ષિક ધોરણે ૩.૩ ટકા વધી ૧.૫૯ લાખ કરોડ રૂપિયા રહ્યું છે.
જૂનમાં મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડુ જેવા મોટા રાજ્યોના જીએસટી કલેકશનમાં ૪ થી ૮ ટકાની વૃદ્ધિ જોવા મળી છે. જ્યારે ઉત્તર પ્રદેશ, પંજાબ અને ગુજરાત જેવા રાજ્યોના જીએસટી કલેક્શનમાં ૧ થી ૪ ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. હરિયાણા, બિહાર અને ઝારખંડ જેવા રાજ્યોમાં ૧૦ ટકાની સરેરાશ વૃદ્ધિ જોવા મળી છે.