Get The App

નાણાકીય વર્ષ 2024-25ના અંતિમ માસમાં સરકારની તિજોરી છલકાઈ, જીએસટી કલેક્શન 10 ટકા વધ્યું

Updated: Apr 1st, 2025

GS TEAM

Google News
Google News
નાણાકીય વર્ષ 2024-25ના અંતિમ માસમાં સરકારની તિજોરી છલકાઈ, જીએસટી કલેક્શન 10 ટકા વધ્યું 1 - image


GST Collection In March: કેન્દ્ર સરકારના ખજાનામાં ટેક્સ કલેક્શનની આવક સતત વધી રહી છે. ગત નાણાકીય વર્ષ 2024-25ના અંતિમ માસ માર્ચમાં GST કલેક્શન 9.9 ટકા વધી રૂ. 1.96 લાખ કરોડ થયું છે. 

સરકાર દ્વારા જારી આંકડાઓ અનુસાર, માર્ચ મહિનામાં GST કલેક્શન 9.9 ટકા વધી રૂ. 1.96 લાખ કરોડથી વધ્યું છે. જેમાં સ્થાનિક GST રેવન્યુ 8.8 ટકા વધી રૂ. 1.49 લાખ કરોડ થઈ છે. જ્યારે આયાત થતી ચીજો પર વસૂલાતા GST મારફત કમાણી 13.56 ટકા વધી રૂ. 46919 કરોડ થઈ છે. માર્ચ દરમિયાન કુલ રિફંડ 41 ટકા વધી રૂ. 19615 કરોડ થયું છે. રિફંડને સમાયોજિત કર્યા બાદ માર્ચ, 2025માં નેટ GST રૂ. 1.76 લાખ કરોડથી વધુ નોંધાયું છે. જે અગાઉના વર્ષે સમાન ગાળાની તુલનાએ 7.3 ટકા વધ્યું છે.

GST કલેક્શન ફરી પાછું બે લાખ કરોડ થવા નજીક

સરકારનું GST કલેક્શન જાન્યુઆરી-25માં ગતવર્ષની તુલનાએ 12.3 ટકા વધ્યું છે. ગતમહિને સેન્ટ્રલ GST કલેક્શન રૂ. 36100 કરોડ અને સ્ટેટ GST કલેક્શન રૂ. 44900 કરોડ નોંધાયું હતું. જાન્યુઆરીમાં માસિક ધોરણે અર્થાત્ ડિસેમ્બરમાં રૂ. 1.76 લાખ કરોડની તુલનાએ GST કલેક્શન ઘટ્યું હતું. એપ્રિલ, 2024માં પ્રથમ વખત સરકારને GST દ્વારા રૂ. 2 લાખ કરોડની કમાણી થઈ હતી. આ વર્ષે માર્ચમાં રૂ. 1.96 લાખ કરોડની કમાણી નોંધાતા સંકેત મળ્યો છે કે, એપ્રિલમાં GST કલેક્શન ફરી બે લાખ કરોડની સપાટી ક્રોસ કરશે.

આ પણ વાંચોઃ યુપીમાં બુલડોઝર એક્શન પર સુપ્રીમ કોર્ટે સરકારને ઝાટકી, 10-10 લાખ વળતર આપવા આદેશ

2017માં લાગુ થયું હતું GST

જૂની ઇનડાયરેક્ટ ટેક્સ સિસ્ટમના સ્થાને જુલાઈ, 2017માં દેશભરમાં GST લાગુ કરવામાં આવ્યો હતો. દેશમાં આઝાદી બાદનો આ સૌથી મોટો ટેક્સ સુધારો હતો. ટેક્સનો બોજો ઘટાડવા તેમજ એક જ ટેક્સ પ્રણાલી હેઠળ આવરી લેવા GST લાગુ કરવામાં આવ્યો હતો. GSTના ચાર સ્લેબ છે. બેઝિક પ્રોડક્ટ્સ પર 5 ટકા, સ્ટાન્ડર્ડ ગુડ્સ પર 12 ટકા, કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ પર 18 ટકા અને લકઝરી પ્રોડક્ટ્સ પર 28 ટકા GST લાગુ છે. 

નાણાકીય વર્ષ 2024-25ના અંતિમ માસમાં સરકારની તિજોરી છલકાઈ, જીએસટી કલેક્શન 10 ટકા વધ્યું 2 - image

Tags :