GST 2.0 રાજ્ય સરકારો માટે નુકસાનીનો સોદો : 20 રાજ્યોની આવકમાં ઘટાડો
- ટેક્સ સમાયોજનને કારણે ઓક્ટોબર મહિનો નાણાકીય વર્ષ ૨૦૨૬માં આવકની દ્રષ્ટિએ સૌથી નબળો મહિનો

અમદાવાદ : ભારતના ટેક્સ ઈતિહાસના સૌથી મોટા રીફોર્મ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સના નવા અધ્યાયની શરૂઆત નવરાત્રી, ૨૦૨૫થી થઈ છે. સરકારે જીએસટી ૨.૦ હેઠળ બે ટેક્સ સ્લેબ નાબૂદ કર્યા છે અને અનેક ચીજવસ્તુઓના પર વસૂલાતા ટેક્સમાં મોટાપાયે ફેરફાર થયા છે. જોકે સરકારનું આ જીએસટી ૨.૦ વર્ઝન પ્રાથમિક તબક્કે રાજ્ય સરકારો માટે નુકસાનીનો સોદો સાબિત થઈ રહ્યું છે.
ટેક્સ સમાયોજનને કારણે ઓક્ટોબર મહિનો નાણાકીય વર્ષ ૨૦૨૬માં આવકની દ્રષ્ટિએ સૌથી નબળો મહિનો
ઓક્ટોબરમાં ૩૬ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી કુલ ૨૦ રાજ્યોમાં ગુડ્સ અને સર્વિસ ટેક્સની વસૂલાતમાં ઘટાડો થયો છે. જીએસટી ૨.૦ના અમલીકરણ પછી થયેલા ટેક્સ સમાયોજનને કારણે ઓક્ટોબર મહિનો નાણાકીય વર્ષ ૨૦૨૬માં આવકની દ્રષ્ટિએ સૌથી નબળો મહિનો સાબિત થયો છે.
ઓક્ટોબરમાં રાજ્યોની જીએસટી વસૂલાતમાં માત્ર ૨ ટકાનો વધારો થયો છે, જ્યારે એકંદર જીએસટી કલેક્શનમાં ૪.૬ ટકાનો વધારો થયો હતો. નાણાકીય વર્ષના પ્રથમ છ મહિનામાં (એપ્રિલ-સપ્ટેમ્બર) મજબૂત વસૂલાત બાદ ટેક્સ કલેક્શન ધીમું પડયું છે.રસપ્રદ વાત એ છે કે મે મહિનામાં ટેક્સ કલેક્શન વૃદ્ધિદર ૧૩ ટકાની ટોચે હતો.
દેશના જે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ઓક્ટોબરમાં નકારાત્મક જીએસટી વસૂલાત વૃદ્ધિ જોવા મળી હતી તેમાં હિમાચલ પ્રદેશ (-૧૭ ટકા), ઝારખંડ (-૧૫ ટકા), ઉત્તરાખંડ (-૧૩ ટકા), આંધ્ર પ્રદેશ (-૯ ટકા), મધ્ય પ્રદેશ (-૫ ટકા), રાજસ્થાન (-૩ ટકા) અને દિલ્હી (-૧ ટકા)નો સમાવેશ થાય છે. સરકારની તિજોરી ભરતા ટોચના રાજ્યો હરિયાણા (૦%), મહારાષ્ટ્ર (૩%), તમિલનાડુ (૪%) અને ગુજરાત (૬%) જેવા રાજ્યોમાં પણ કર વસૂલાત સ્થિર રહી હતી.
જોકે કર્ણાટક અને તેલંગાણામાં સપ્ટેમ્બર મહિનાની સુસ્તી પછી ઓક્ટોબરમાં ટેક્સ વસૂલાતમાં ૧૦ ટકાનો વધારો થયો છે.
જીએસટી વસૂલાતના આંકડા પાછલા મહિનાના છે તેથી ઓક્ટોબરના આંકડા એ હકીકત દર્શાવે છે કે મોટાભાગના વ્યવસાયોએ સપ્ટેમ્બરમાં નીચા જીએસટી દરોનો લાભ ગ્રાહકોને આપવા માટે ઇન્વોઇસિંગ રોકી રાખ્યું હતું.

