સિંગતેલ તથા કપાસિયા તેલ સૌરાષ્ટ્રના બજારો ઉંચકાયા : પામતેલમાં આગળ ધપતી રેકોર્ડ તેજી
- ભારતમાં પામતેલની આયાત પર અંકુશો મૂકાશે : પાંચ લીટરના કન્ટેઈનરને સ્ટાન્ડર્ડ ઈંમ્પોર્ટ યુનીટ તરીકે નક્કી કરવા સરકાર દ્વારા વિચારણા
મુંબઈ, તા. 03 ડિસેમ્બર 2019, મંગળવાર
મુંબઈ તેલ-બિયાં બજારમાં આજે પામતેલમાં ઉંચા ભાવની તેજી આગળ વધી હતી. વિશ્વ બજારના સમાચાર પ્રોત્સાહક હતા. પામતેલમાં ઘરઆંગણે માગ પણ વધતાં આજે રિફાઈનરીઓના ડાયરેકટ ડિલીવરીના ૨૦ ડિસેમ્બર સુધીની ડિલીવરી માટે ૧૦ કિલોના રૂ.૭૬૨થી ૭૬૫ના મથાલે મલીને કુલ આશરે ૧૪૦૦થી ૧૫૦૦ ટનના વેપાર થયા હતા.
આ વેપારો થયા પછી અમુક રિફાઈનરીઓએ મોડી સાંજે ભાવ પાંચ રૂપિયા વધાર્યાની ચર્ચા બજારમાં સંભળાઈ રહી હતી. દરમિયાન, પામતેલના હવાલા રિસેલના ભાવ આજે રૂ.૭૬૮ તથા જેએનપીટીના રૂ.૭૬૪ રહ્યા હતા. ક્રૂડ પામ ઓઈલ સીપીઓ કંડલાના ભાવ વધી રૂ.૬૮૩ રહ્યા હતા જ્યારે સીપીઓ વાયદાના ભાવ આજે રૂ.૬૭૯.૫૦ રહ્યા પછી ઉંચામાં ભાવ રૂ.૬૮૫.૨૦ થઈ સાંજે ભાવ રૂ.૬૮૩ રહ્યા હતા જ્યારે સોયાતેલ વાયદાના ભાવ રૂ.૮૨૧ રહ્યા પછી ઉંચામાં રૂ.૮૨૭.૬૦ થઈ સાંજે ભાવ રૂ.૮૨૩.૫૦ બોલાઈ રહ્યા હતા.
વિશ્વ બજારમાં મલેશિયામાં આજે પામતેલનો વાયદો વધી છેલ્લે ૧૬, ૧૫ તથા ૧૧ પોઈન્ટ પ્લસમાં રહ્યો હતો જ્યારે ત્યાં પામ પ્રોડકટના ભવા આજે પાંચથી સાડાસાત ડોલર ઉંચા બોલાઈ રહ્યા હતા. ચીન તથા અમેરિકા વચ્ચે ફરી મતભેદો વધતાં યુએસના કૃષી બજારો પર તેની અસર વર્તાઈ રહી હતી.
દરમિયાન, મુંબઈ બજારમાં આજે હાજર ભાવ ૧૦ કિલોદીઠ સિંગતેલના રૂ.૧૦૨૦ રહ્યા હતા. જ્યારે રાજકોટ બાજુ ભાવ વધી રૂ.૧૦૦૦ તથા ૧૫ કિલોના રૂ.૧૫૯૦થી ૧૬૦૦ રહ્યાના સમાચાર હતા. કોટન વોશ્ડના ભાવ પણ ઉછળી રૂ.૭૭૦થી ૭૭૩ રહ્યા હતા.
મુંબઈ બજારમાં આજે કપાસિયા તેલના ભાવ વધી રૂ.૮૧૫થી ૮૧૭ રહ્યા હતા. સનફલાવરના ભાવ રૂ.૭૯૦ તથા રિફા.ના રૂ.૮૩૦ રહ્યા હતા જ્યારે સોયાતેલના ભાવ ડિગમના રૂ.૭૯૦થી ૭૯૫ તથા રિફા.ના રૂ.૮૩૦ રહ્યા હતા જ્યારે સોયાતેલના ભાવ ડિગમના રૂ.૭૯૦થી ૭૯૫ તથા રિફા.ના રૂ.૮૧૦ રહ્યા હતા.
મલ્ટર્ડના ભાવ રૂ.૮૫૦ તથા કોપરેલના ભાવ ૧૦ કિલોના રૂ.૧૨૯૦ વાળા રૂ.૧૩૦૦ રહ્યા હતા. દરમિયાન, દિવેલના ભાવ આજે આંચકા પચાવી ૧૦ કિલોના પ્રત્યાઘાતી રૂ.૮ વધી આવ્યા હતાજ્યારે મુંબઈ હાજર એરંડાના ભાવ રૂ.૪૦૭૫વાળા રૂ.૪૧૧૫ રહ્યા હતા. મુંબઈ ખોળ બજારમાં આજે જોકે એરંડા ખોળના ભાવ ટનના રૂ.૫૯૦૦ વાળા રૂ.૫૮૦૦ રહ્યા હતા.
દરમિયાન ભારતમાં પામતેલની આયાત પર અમુક પ્રકારના અંકુશો મૂકવા સરકાર વિચારણા કરી રહ્યાના વાવડ વહેતા થયા છે. આવી આયાત આગળ ઉપર માત્ર પાંચ લીટરના કન્ટેઈનરમાં કરી શકાય તથા આ પ્રકારનો ચોક્કસ સ્ટાન્ડર્ડ ઈમ્પોર્ટ યુનીટ આયાત માટે નક્કી કરવા સરકાર વિચારણા કરી રહ્યાના નિર્દેશો મળ્યા છે. આના પગલે મલેશિયા તથા ઈન્ડોનેશિયાના બજારોમાં આજે અજંપો વર્તાઈ રહ્યો હતો. દરમિયાન, ઘરઆંગણે આજે એરંડા વાયદા બજારમાં ડિસેમ્બરના ભાવ પર નરમ રહ્યા હતા જ્યારે જાન્યુઆરીના રૂ.૫૮ ઘટયા હતા.