વિદેશમાં કાળું નાણાં ધરાવનારાને સરકારે રૂ. 35,105 કરોડની ડિમાન્ડ નોટિસ ફટકારી
- રિકવરી માત્ર રૂા. ૩૩૮ કરોડની થઈ
- આવકવેરા રિટર્ન ફાઇલ કરતી વખતે વિદેશી સંપત્તિ અને આવકનો ખુલાસો કરવો ફરજિયાત
અમદાવાદ : કેન્દ્ર સરકારે વિદેશી કાળા નાણાં કાયદા હેઠળ ૩૧ માર્ચ સુધીમાં ૩૫,૧૦૫ કરોડ રૂપિયાથી વધુના ટેક્સની ચૂકવણી માટેની નોટિસો ફટકારી છે. આ ઉપરાંત, આવા કેસોમાં ૧૬૩ પ્રોસિક્યુશનની ફરિયાદો પણ આપવામાં આવી છે છતા દેશના ઠગોને કોઇ જ કાયદા કે સરકારનો ડર ન હોય તેમ આ ટેક્સ ડિમાન્ડ નોટિસોને અવગણી છે.
નાણા રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ મંગળવારે રાજ્યસભામાં એક લેખિત જવાબમાં જણાવ્યું કે કાળા નાણાં (અઘોષિત વિદેશી આવક અને સંપત્તિ) અને ટેક્સ વસૂલાતના કાયદા, ૨૦૧૫ હેઠળ સરકારે ૧ જુલાઈ, ૨૦૧૫થી ૩૧ માર્ચ, ૨૦૨૫ વચ્ચે, દંડ અને વ્યાજ તરીકે ૩૩૮ કરોડ રૂપિયા જ માત્ર વસૂલ કર્યા છે. તેમણે કહ્યું કે ૩૧ માર્ચ, ૨૦૨૫ સુધી આ કાયદા હેઠળ ૧૦૨૧ કેસોનું મૂલ્યાંકન પૂર્ણ થયું હતું.
કાયદા અનુસાર, આવકવેરા રિટર્ન ફાઇલ કરતી વખતે વિદેશી સંપત્તિ અને આવકનો ખુલાસો કરવો ફરજિયાત છે. જાહેર ન કરવા બદલ દંડ વસૂલવામાં આવી શકે છે. ચૌધરીએ કહ્યું કે ભારતને ૧૦૦થી વધુ વિદેશી કર અધિકારક્ષેત્રોમાંથી વિદેશી સંપત્તિ અને આવક વિશે માહિતી મળે છે.
વધુ એક મહત્વની વાત એ છે કે સ્વિસ બેંકોમાં ભારતીયો સાથે જોડાયેલા ભંડોળમાં વધારા અંગેના નવા પ્રશ્નો વચ્ચે રાજ્યસભામાં કાળા નાણાં અને તેની વસૂલાત અંગેનો આ ખુલાસો થયો છે. સ્વિસ નેશનલ બેંકના ડેટા અનુસાર ૨૦૨૪માં લગભગ ?૩૭,૬૦૦ કરોડનું ભારતીય નાણું સ્વિસ બેંકમાં જમા થયું છે - આ આંકડો પાછલા વર્ષ કરતા ત્રણ ગણો વધુ હતો અને ૨૦૨૧ પછીનો સૌથી વધુ હતો.
૨૦૧૫થી ૨૦૨૫ વચ્ચેના એન્ફોર્સમેન્ટના આંકડા
અમલીકરણ
પ્રક્રિયા |
આંકડા |
મૂલ્યાંકન પૂર્ણ થયું |
૧,૦૨૧ |
ટેક્સ અને પેનલ્ટીની માંગણી |
રૃ. ૩૫,૧૦૫ કરોડ |
રિકવર કરેલ રકમ |
રૃ. ૩૩૮ કરોડ |
નોંધાવેલી પ્રોસિક્યુએશન ફરિયાદો |
૧૬૩ |
૨૦૧૫ની કોમ્પલાયન્સ વિંડોમાં ખુલાસા |
૬૮૪ |
કોમ્પલાયન્સ વિંડોમાં જાહેર
કરાયેલી સંપત્તિઓ |
રૃ. ૪૧૬૪ કરોડ |
૨૦૧૫માં ટેક્સ અને પેનલ્ટી કલેક્શન |
રૃ. ૨૪૭૬ કરોડ |