Hinduja Chairman Death: હિન્દુજા ગ્રૂપના ચેરમેન ગોપીચંદ હિન્દુજાનું આજે 85 વર્ષની વયે નિધન થયું છે. ભારતીય મૂળના અબજોપતિ ગોપીચંદ હિન્દુજાના નિધન પર બ્રિટિશ હાઉસ ઑફ લોર્ડ્સના સભ્ય રામી રેન્જરે દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમણે હિન્દુજાને સૌથી દયાળુ, નમ્ર અને વફાદાર મિત્રો પૈકી એક ગણાવ્યા હતા.
લંડનની હૉસ્પિટલમાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ લાંબા સમયથી બીમાર હતા. તેઓ ચાર હિન્દુજા બ્રધર્સમાં બીજા મોટા ભાઈ હતા. ગોપીચંદ પરમાનંદ હિન્દુજા એક ભારતીય મૂળના બ્રિટિશ અબજોપતિ ઉદ્યોગપતિ, રોકાણકાર અને પરોપકાર માટે જાણીતા હતા. તેઓ વૈશ્વિક સ્તરે ફેલાયેલા હિન્દુજા ગ્રૂપના વર્તમાન ચેરમેન છે. તેઓ બ્રિટનના સૌથી ધનિક વ્યક્તિઓ પૈકી એક છે.
ગોપીચંદ હિન્દુજાનો જન્મ 29 જાન્યુઆરી, 1940ના રોજ થયો હતો. હિન્દુજા ગ્રૂપની બીજી પેઢીના બિઝનેસમેન હતા. તેમણે પોતાના ત્રણેય ભાઈ સાથે મળી ગ્રૂપના વિસ્તરણ અને વૈવિધ્યકરણમાં મુખ્ય ભૂમિકા ભજવી છે. તેમના નેતૃત્વ હેઠળ ગ્રૂપે ઓટોમોટિવ, બૅન્કિંગ, IT, ઉર્જા, મીડિયા અને આરોગ્ય જેવા અનેક ક્ષેત્રોમાં સફળતાપૂર્વક પ્રવેશ કર્યો છે. મે 2023માં તેમના મોટા ભાઈ શ્રીચંદ હિન્દુજાના નિધન બાદ ગોપીચંદ હિન્દુજાએ ગ્રૂપના મુખ્ય ચેરમેન તરીકેની જવાબદારી સંભાળી છે.


