દિવાળીના તહેવારો સુધીમાં સોનું સવા લાખનું
- વર્તમાન વર્ષના અંત સુધીમાં સોનાના વૈશ્વિક ભાવ હાલના સ્તરેથી 15 થી 20 ટકા વધવા અંદાજ
- વિશ્વની વિવિધ કેન્દ્રિય બેન્કો દ્વારા ખરીદીને પરિણામે ગોલ્ડના ભાવને ટેકો : વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલે મુકેલી ધારણા જે વાર્ષિક ધોરણે 25 થી 30 ટકા વળતર આપશે
- 2025ના પ્રથમ છ મહિનામાં ડોલરની દ્રષ્ટિએ સોનાના ભાવમાં 26 ટકા વધારો જોવા મળ્યો છે
મુંબઈ : તેજીની સ્થિતિમાં વૈશ્વિક સોનાના ભાવ વર્તમાન સ્તરેથી ૧૫ ટકા વધી દિવાળી અને ડિસેમ્બર અંત સુધીમાં પ્રતિ ઔંસ ૩૮૩૯ ડોલર પહોંચવાની વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલે ધારણાં મૂકી છે. પ્રતિ ઔંસ ૩૮૩૯ ડોલરના ભાવે વર્તમાન વર્ષના અંતે સોનામાં અંદાજે ૪૦ ટકા વળતર મળી રહેશે.
જો આર્થિક તથા નાણાંકીય સ્થિતિ કથળશે અને ભૌગોલિકઆર્થિક તાણ વધશે તો સોનામાં સેફહેવન માગ વધશે અને સોનાના ભાવ હાલના સ્તરેથી ૧૦થી ૧૫ ટકા ઊંચકાશે એમ કાઉન્સિલના સુત્રોએ જણાવ્યું હતું.
સામાન્ય સ્થિતિમાં વર્તમાન કેલેન્ડર વર્ષના પાછલા છ મહિનામાં સોનાનો ભાવ રેન્જ બાઉન્ડ રહી હાલના સ્તરેથી શૂન્યથી પાંચ ટકા બંધ આવી શકે છે જે વાર્ષિક ધોરણે ૨૫થી ૩૦ ટકા વળતર પૂરુ પાડશે.
ભૌગોલિકઆર્થિક અનિશ્ચિતતાને કારણે ૨૦૨૫ના પાછલા છ મહિનામાં રોકાણકારો અવઢવમાં રહેશે. અમેરિકામાં ફુગાવાના ડેટા સુધારાના સંકેત આપી રહ્યા છે સ્થિતિ જલદીથી કથળી શકે છે, તેવી ચિંતા પણ રહેલી છે. ડોલર સંબંધિત દબાણ જળવાઈ રહેવાની વકી છે.
એકંદરે વર્તમાન સ્થિતિઓ ગોલ્ડ માટે પોઝિટિવ જળવાઈ રહી છે. બીજી બાજુ શેરબજારોમાં રેલીને જોતા સોના તરફનું ઈન્વેસ્ટમેન્ટ મર્યાદિત રહી શકે છે એમ પણ કાઉન્સિલે શકયતા વ્યકત કરી છે.
મંદીના કિસ્સામાં સોનાના ભાવમાં વર્તમાન સ્તરેથી ૧૨થી ૧૭ ટકા કરેકશન આવી શકે છે અને વર્ષના અંતે નીચા દ્વીઅંકી અથવા તો એક અંકી જ વળતર મળવાની શકયતા નકારાતી નથી.
૨૦૨૫ના પ્રથમ છ મહિનામાં ડોલરની દ્રષ્ટિએ સોનાના ભાવમાં ૨૬ ટકા વધારો જોવા મળ્યો છે અને વિવિધ કરન્સીઓમાં દ્વીઅંકી વળતર પૂરુ પાડી રહ્યું છે. ડોલરમાં નબળાઈની સ્થિતિ અને અનિશ્ચિત ભૌગોલિકઆર્થિક વાતાવરણમાં સોના તરફના આકર્ષણમાં વધારો જોવા મળવા સંભવ છે. વિશ્વની વિવિધ કેન્દ્રીય બેન્કો તથા ગોલ્ડ ઈટીએફસ તરફથી થઈ રહેલી ખરીદીને કારણે તાજેતરના સમયમાં સોનાની માગ ઊંચી જોવા મળી છે. આ ખરીદીને કારણે ૨૦૨૫ના પ્રથમ છ મહિનામાં સોનામાં સરેરાશ દૈનિક વોલ્યુમ ૩૨૯ અબજ ડોલર રહ્યું છે જે કોેઈ વર્ષના પ્રથમ છ મહિનાનું અત્યારસુધીનું સૌથી ઊંચુ સરેરાશ દૈનિક વોલ્યુમ છે.
દરેક વિસ્તારોમાં ગોલ્ડ ઈટીએફસમાં ઈન્ફલો વધતા ઈટીએફસ તરફથી સોનાની માગમાં વધારો થયો હતો.વર્તમાન કેલેન્ડર વર્ષના પ્રથમ છ મહિનામાં વૈશ્વિક ગોલ્ડ ઈટીએફની કુલ એયુએમ ૪૧ ટકા વધી ૩૮૩ અબજ ડોલર પહોંચી ગઈ હતી, એમ પણ કાઉન્સિલના ડેટા જણાવે છે. ઈટીએફસનું કુલ હોલ્ડિંગ પણ ૩૯૬ ટન વધી ૩૬૧૫ ટન પહોંચી ગયું છે.