અમેરિકામાં રોજગારના આંકડા નબળા આવતા સોનામાં ફરીથી આગેકૂચ
- કસ્ટમ ડયૂટીની ગણતરી માટે સોનાચાંદીની ટેરિફ વેલ્યુમાં ઘટાડો
મુંબઈ : સાતમી ઓગસ્ટથી અમેરિકામાં લાગુ થનારી ટેરિફની વિશ્વના વિવિધ દેશો તથા અમેરિકાના અર્થતંત્ર પર કેવી અસર પડશે તે મુદ્દે હજુપણ અસમંજસની સ્થિતિ પ્રવર્તી રહી છે ત્યારે વૈશ્વિક સ્તરે સોનામાં સેફ હેવન માગ નબળી પડી છે અને ડોલર મક્કમ બની રહ્યો છે. જો કે શુક્રવારે મોડી સાંજે અમેરિકામાં જુલાઈના રોજગારના આંકડા નબળા આવતા સોનામાં ઉછાળો આવ્યો હતો. રોજગારના આંકડા બાદ ડોલર ઈન્ડેકસ પણ ઘટી ગયો હતો.
સ્થાનિક મુંબઈ ઝવેરી બજારમાં ૯૯.૯૦ દસ ગ્રામ સોનાના જીએસટી વગરના ભાવ વધુ ઘટી રૂપિયા ૯૮૨૫૩ મુકાતા હતા. જીએસટી સાથે ભાવ ત્રણ ટકા ઊંચા મુકાતા હતા. ૯૯.૫૦ દસ ગ્રામ સોનાના જીએસટી વગરના ભાવ રૂપિયા ૯૭૮૬૦ બોલાતા હતા. જીએસટી સાથે ભાવ ત્રણ ટકા ઊંચા મુકાતા હતા. ચાંદી .૯૯૯ એક કિલોના જીએસટી વગરના ભાવ વધુ રૂપિયા ૩૦૦૦ તૂટી રૂપિયા ૧૦૯૬૪૬ મુકાતી હતી. જીએસટી સાથે ભાવ ત્રણ ટકા ઊંચા મુકાતા હતા.
અમદાવાદ સોનું ૯૯.૯૦ પ્રતિ દસ ગ્રામ રૂપિયા ૧૦૧૪૦૦ જ્યારે ૯૯.૫૦ સોનાના દસ ગ્રામ દીઠ રૂપિયા ૧૦૧૧૦૦ મુકાતા હતા. ચાંદી .૯૯૯ એક કિલોના ભાવ રૂપિયા ૧૧૧૦૦૦ રહ્યા હતા.
ઘરઆંગણે સોનાની આયાત પર કસ્ટમ ડયૂટીની ગણતરી માટે ટેરિફ વેલ્યુ પ્રતિ દસ ગ્રામ ૧૦૭૮ ડોલરથી ઘટાડી ૧૦૬૩ ડોલર કરાઈ છે જ્યારે ચાંદી માટેની ટેરિફ વેલ્યુ પ્રતિ કિલો ૧૨૫૯ ડોલરથી ઘટાડી ૧૨૨૪ ડોલર કરાઈ છે.
અમેરિકામાં રોજગારના આંકડા નબળા આવ્યા બાદ વિશ્વ બજારમાં સોનુ સપ્તાહ અંતે ૬૦ ડોલરથી વધુ ઉછળી પ્રતિ ઔંસ ૩૩૫૨ ડોલર પહોંચી ગયું હતું. સોના પાછળ ચાંદી પણ ઊંચકાઈને ઔંસ દીઠ ૩૭.૦૭ ડોલર મુકાતી હતી. અન્ય કિંમતી ધાતુ પ્લેટિનમ ૧૩૦૯ ડોલર જ્યારે પેલેડિયમ ઔંસ દીઠ ૧૨૨૫ ડોલર મુકાતું હતું.
અમેરિકામાં જુલાઈમાં રોજગારમાં ૭૩૦૦૦નો ઉમેરો થયો હતો જ્યારે અપેક્ષા ૧૦૬૦૦૦ની હતી. મે તથા જૂનના સુધારિત આંકડા પણ એકદમ ઘટીને આવ્યા હતા. ક્રુડ તેલમાં નાયમેકસ ડબ્લ્યુટીઆઈ પ્રતિ બેરલ ૬૯.૪૦ ડોલર જ્યારે આઈસીઈ બ્રેન્ટ ક્રુડ તેલ ૭૧.૬૧ ડોલર મુકાતુ હતું.