સોના-ચાંદીમાં ઝડપી આગેકૂચ: બ્રિટીશ પાઉન્ડ તથા યુરોના ભાવ ગબડયા: ક્રૂડમાં સાંકડી વધઘટ
- પ્લેટીનમ તથા પેલેડીયમના ભાવ આંચકા પચાવી ફરી ઉંચકાયા
- કરન્સી બજારમાં રૂપિયા સામે ડોલરના ભાવમાં વૃદ્ધી
(ગુજરાત સમાચાર કાર્યાલય) મુંબઈ, તા. 23 ડિસેમ્બર 2019, સોમવાર
મુંબઈ ઝવેરી બજારમાં આજે ચાંદીમાં તેજી આગળ વધી હતી. સોનાના ભાવ પણ ઉંચકાયા હતા. કરન્સી બજારમાં આજે રૂપિયા સામે ડોલરના ભાવ વધ્યા હતા. જ્યારે બ્રિટીશ પાઉન્ડ તથા યુરોના ભાવ ઘટયાના સમાચાર હતા. દરમિયાન, વિશ્વ બજારમાં આજે સોનાના ભાવ ઉછળી ઔંશના ૧૪૮૫.૬૦ ડોલર થઈ સાંજે ભાવ ૧૪૮૩.૭૦ ડોલર રહ્યાના સમાચાર હતા.
વિશ્વ બજારમાં સોનામાં આજે ફંડવાળા સક્રિય રહ્યા હતા. ચીન તથા અમેરિકા વચ્ચે અમુક બાબતોમાં મતભેદો વધ્યાની ચર્ચા વચ્ચે વિશ્વ બજારમાં સોનાના ભાવ ઉછળતા રહ્યાનું જાણકારોએ જણાવ્યું હતું. દરમિયાન, સોના પાછળ વિશ્વ બજારમાં ચાંદીના ભાવ પણ વધી ઔંશદીઠ ઉંચામાં ૧૭.૪૩ ડોલર થઈ સાંજે ભાવ ૧૭.૩૫ ડોલર રહ્યા હતા. દરમિયાન, મુંબઈ કરન્સી બજારમાં આજે ડોલરના ભાવ રૂ.૭૧.૧૨ વાળા રૂ.૭૧.૨૪ થઈ રૂ.૭૧.૧૮ બંધ રહ્યા હતા.
ડોલરના ભાવ આજે છ પૈસા વધી આવ્યા હતા જ્યારે બ્રિટીશ પાઉન્ડના ભાવ ૩૬ પૈસા ઘટી રૂ.૯૨.૩૫થી ૯૨.૩૬ રહ્યા હતા. જ્યારે યુરોના ભાવ પાંચ પૈસા ઘટી ૭૮.૮૮થી ૭૮.૮૯ બોલાતા હતા.
દરમિયાન, મુંબઈ બજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામના જીએસટી વગર ૯૯.૫૦ના રૂ.૩૭૯૭૫ વાળા રૂ.૩૮૧૨૫ જ્યારે ૯૯.૯૦ના ભાવ રૂ.૩૮૧૨૫ વાળા રૂ.૩૮૨૮૧ બંધ રહ્યા હતા જ્યારે જીએસટી સાથેના ભાવ રૂ.૩૯ હજારની ઉપર ગયા હતા.
દરમિયાન, મુંબઈ બજારમાં આજે ચાંદીના ભાવ કિલોના ૯૯૯ના જીએસટી વગર રૂ.૪૪૬૦૦ વાળા ઉછળી રૂ.૪૫૦૩૫ બંધ રહ્યા પછી સાંજે ભાવ રૂ.૪૫૦૦૦થી ૪૫૦૫૦ તથા કેશમાં બાજુ રૂ.૧૦૦૦થી ૧૧૦૦ ઉંચા તથા જીએસટી સાથેના ભાવ રૂ.૪૬ હજારની ઉપર બોલાતા થયા હતા. વિશ્વ બજારમાં આજે પ્લેટીનમના ભાવ ફરી વધી સાંજે ઔંશના ૯૧૮.૭૦થી ૯૧૮.૮૦ ડોલર રહ્યા હતા જ્યારે પેલેડીયમના ભાવ વધી સાંજે ૧૮૬૮.૮૦થી ૧૮૬૮.૯૦ ડોલર રહ્યાના સમાચાર હતા.
વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવ સાંકડી બેતરફી વધઘટે અથડાતા રહ્યા હતા. બ્રેન્ટક્રૂડના ભાવ બેરલનાં સાંજે ૬૬.૧૫થી ૬૬.૨૦ ડોલર રહ્યા હતા. જ્યારે ન્યુયોર્કના ભાવ સાંજે ૬૦.૪૦ ડોલર રહ્યા હતા. ન્યુયોર્ક કોપર વાયદો આજે સાંજે શાંત હતો. લંડન એક્સ.માં આજે કોપરના ભાવ ટનના ૩ મહિનાની ડિલીવરીના ૬૧૮૦થી ૬૧૮૫ ડોલર રહ્યા હતા ત્યાં કોપરનો સ્ટોક આદે ૩૩૫૦ ટન ઘટયો હતો. હિન્દુસ્તાન ઝીંકે આજે જસતના ભાવ ટનના રૂ.૩૪૦૦ વધાર્યા હતા જ્યારે સીસાના ભાવ રૂ.૨૫૦૦ વધાર્યાના નિર્દેશો હતા.
લંડન બજારમાં આજે વિવિધ ઈન્ડસ્ટ્રીયલ મેટલ્સનો સ્ટોક સાર્વત્રિક ઘટાડા પર રહ્યાના સમાચાર હતા. ત્યાં ૩ મહિનાના વાયદાના ભાવ ટનના ૧૭૩૧૨ ડોલર, નિકલના ભાવ ૧૪૪૮૭ ડોલર, એલ્યુમિનિયમનો ૧૮૦૬ ડોલર, જસતના ભાવ ૨૩૦૬ ડોલર તથા સીસાના ૧૯૧૬ ડોલર રહ્યાના સમાચાર હતા.
દરમિયાન, વિશ્વ બજારના સમાચાર મુજબ આજે અમેરિકા તથા યુરોપના શેરબજારો ઉંચા ગયા હતા જ્યારે ચીનના શેરબજારો નરમ રહ્યા હતા. વિશ્વ બાજરમાં આજે બ્રિટીશ પાઉન્ડમાં ઘટાડો આગળ વધ્યો હતો.