Get The App

સોના-ચાંદી ઉછળ્યા: રૂપિયા સામે ડોલર ઉંચકાયો જ્યારે બ્રિટીશ પાઉન્ડ તથા યુરોના ભાવ ગબડયા

- ક્રૂડતેલના ભાવ વધ્યા પછી ફરી નીચા ઉતર્યા

- દેશમાં પાવડર તથા અનરોટ સ્વરૂપમાં આયાત થતા સોના અને ચાંદીની આયાત પર અંકુશો આવ્યાના નિર્દેશો : આનો વપરાશ ઔદ્યોગિક હેતુઓ માટે થતો હોય છે

Updated: Dec 20th, 2019

GS TEAM

Google News
Google News
સોના-ચાંદી ઉછળ્યા: રૂપિયા સામે ડોલર ઉંચકાયો જ્યારે બ્રિટીશ પાઉન્ડ તથા યુરોના ભાવ ગબડયા 1 - image

(ગુજરાત સમાચાર કાર્યાલય) મુંબઈ, તા. 20 ડિસેમ્બર 2019, શુક્રવાર

મુંબઈ ઝવેરી બજારમાં આજે  આંચકા પચાવી ભાવ ફરી વધી આવ્યા હતા.  વિશ્વ બજાર ફરી ઉંચકાઈ હતી.ઘરઆંગણે કરન્સી બજારમાં આજે રૂપિયા સામે ડોલર પણ ઉંચકાયો હતો.  આવા માહોલમાં ઘરઆંગણે કિંમતી ધાતુઓની આયાત પડતર ઉંચી ગઈ હતી અને તેની અસર બજાર પર પણ દેખાઈ હતી.  વિશ્વ બજારમાં  આજે સોનાના ભાવ ઔંશના વધી ૧૪૮૧.૮૦ ડોલર થઈ સાંજે ભાવ ૧૪૭૯.૧૦ ડોલર રહ્યાના સમાચાર હતા. 

ત્યાં સોના પાછળ વિશ્વ બજારમાં  આજે ચાંદીના ભાવ પણ વધી ઔંશના ઉંચામાં  ૧૭.૧૪ ડોલર થઈ સાંજે ભાવ ૧૭.૦૭ ડોલર રહ્યા હતા. મુંબઈ કરન્સી બજારમાં આજે  ડોલરના ભાવ ૭૧.૦૨ વાળા રૂ.૭૧.૧૪ ખુલી રૂ.૭૧.૨૩  થયા પછી રૂ.૭૧.૧૧ બંધ રહ્યા હતા. ડોલરના આજે ૯ પૈસા વધ્યા હતા જ્યારે  બ્રિટીશ પાઉન્ડના ભાવ ફરી ૩૩ પૈસા ગબડી રૂ.૯૨.૭૦થી ૯૨.૭૧  રહ્યા હતા.  યુરોના ભાવ આજે ૧૩ પૈસા ઘટી ૭૮.૯૩ થી ૭૮.૯૪ રહ્યા હતા.

મુંબઈ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવ જીએસટી વગર ૯૯.૫૦ના ૧૦ ગ્રામના રૂ.૩૭૮૭૭ વાળા રૂ.૩૮૦૨૭ થઈ રૂ.૩૭૯૬૮ બંધ રહ્યા હતા.  જ્યારે ૯૯.૯૦ના ભાવ રૂ.૩૮૦૨૯  વાલા રૂ.૩૮૧૭૯ થઈ રૂ.૩૮૧૨૧ બંધ રહ્યા હતા.  જ્યારે જીએસટી સાથેના ભાવ આ ભાવથી ૩ ટકા ઉંચા રહ્યા હતા.

દરમિયાન, મુંબઈ બજારમાં ચાંદીના ભાવ કિલોના ૯૯૯ના જીએસટી વગર રૂ.૪૩૯૭૫ વાળા રૂ.૪૪૩૪૫ થઈ રૂ.૪૪૨૫૦ બંધ રહ્યા પછી  સાંજે ભાવ રૂ.૪૪૩૦૦થી ૪૪૩૫૦ તથા કેશમાં ભાવ આ ભાવથી રૂ.૧૧૦૦થી ૧૧૫૦ ઉંચા રહ્યા હતા જ્યારે જીેસટી સાથેના ભાવ આ ભાવથી ૩ ટકા ઉંચા રહ્યા હતા.

વિશ્વ બજારમાં ડોલર ઈન્ડેક્સ  ઉંચેથી નીચો આવતાં વૈશ્વિક સ્તરે સોનામાં ફંડવાળા દાખલ થતા જોવા મળ્યાહતા. અમેરિકાના શેરબજારો ઉછળતા રહી  નવી રેકોર્ડ સપાટીએ પહોંચવા છતાં સામે સોનાના ભાવ પણ વધી આવતાં  ખેલાડીઓ આશ્ચર્ય બતાવી રહ્યા હતા. 

અમેરિકાના શેરબજારો આ વર્ષના ચોથા ત્રિમાસિક ગાળામાં  આશરે ૭ ટકા વધ્યા છે.  જ્યારે ૨૦૧૯ના આખા વર્ષમાં આશરે ૨૭ ટકા ઉછળ્યા છે. અમેરિકાના શેરબજારોમાં આ વર્ષે રોકાણકારોની સંપત્તિમાં  આશરે પાંચ ટ્રીલીયન ડોલરની વૃદ્ધી થઈ હોવાનું  જાણકારોએ જણાવ્યું હતું.

દરમિયાન, વિશ્વ બજારમાં આજે સાંજે  પ્લેટીનમના ભાવ ઔંશના  ૯૩૫.૯૦થી ૯૩૬ ડોેલર  રહ્યા હતા જ્યારે પેલેડીયમના ભાવ ૧૯૪૫.૧૦થી ૧૯૪૫.૨૦ ડોલર રહ્યા હતા. ન્યુયોર્ક કોપર વાયદાના ભાવ આજે સાંજે ૦.૭૦થી  ૦.૭૫ ટકા માઈનસમાં રહ્યા હતા.  લંડન એક્સ.માં  આજે કોપરના ભાવ ઘટી ટનના ૩ મહિનાની ડિલીવરીના ૬૨૦૦ ડોલરની અંદર ઉતરી ૬૧૮૫થી ૬૧૯૦ ડોલર રહ્યાના સમાચાર હતા.  ત્યાં  આજે કોપરનો સ્ટોક જોકે ૩૦૫૦ ટન ઘટયો હતો.

દરમિયાન, વિશ્વ બજારમાં  આજે ક્રૂડતેલના ભાવ વધ્યા પછી  ઉંચેથી આશેર પા થી અડધો ટકો નરમ રહ્યા હતા.  બ્રેન્ટક્રૂડના ભવા આજે સાંજે  બેરલના ૬૬.૩૫થી ૬૬.૪૦ ડોલર રહ્યા હતા.  જ્યારે ન્યુયોર્કના ભાવ જે વધી ૬૧ ડોલર ઉપર ગયા હતા તે સાંજે ૬૦.૯૮ ડોલર  રહ્યા હતા.

દરમિયાન દિલ્હીથી મળતા સમાચાર મુજબ સરકારે દેશમાં  આયાત થતા પાવડર તથા અનરોટ સ્વરૂપમાં  સોના અને ચાંદીની આયાત પર અંકુશો મૂકવા નિર્ણય કર્યો છે.  આવી કિંમતી ધાતુઓની આયાત જે આ સ્વરૂપમાં  થાય છે  એ મુખ્યત્વે  ઔદ્યોગિક વપરાસ માટે વાપરવામાં આવે છે એવું બજારના જાણકારોએ જણાવ્યું હતું.


Tags :