સ્થાનિક સોનાચાંદીમાં સુધારાનો ટ્રેન્ડ જારી : રૂપિયામાં નબળાઈ
- આયાતકારો માટે કસ્ટમ્સ એકસચેન્જ રેટમાં પ૦ પૈસાનો ઘટાડો જાહેર કરાયો
(ગુજરાત સમાચાર કાર્યાલય) મુંબઈ, તા. 16 જાન્યુઆરી 2020, ગુરૂવાર
વિશ્વ બજાર પાછળ સ્થાનિક સોનાચાંદી બજારમાં સુધારાનો ટ્રેન્ડ આગળ વધ્યો હતો. ચીન - અમેરિકા વચ્ચે થયેલા ડીલને વૈશ્વિક ફન્ડો હજુપણ શંકાની નજરે જોઈ રહ્યા છે અને ગોલ્ડમાં રોકાણ તરફ વળી રહ્યા છે, જેને કારણે વિશ્વ બજારમાં ગોલ્ડ ઊંચું બોલાઈ રહ્યું છે. વેપાર ડીલમાં અજંપાની સ્થિતિને કારણે ક્રુડમાં ઘટાડો જોવાઈ રહ્યો છે. સરકારે આયાતકારો માટે કસ્ટમ્સ એકસચેન્જ રેટ ઘટાડતા ગોલ્ડ આયાત સસ્તી બનવાના સંકેત મળી રહ્યા છે. બીજી બાજુ મની માર્કેટમાં રૂપિયામાં આજે નબળાઈ જોવા મળી હતી.
સ્થાનિક સોનાચાંદી બજારમ ાં ૯૯.૫૦ ગોલ્ડના દસ ગ્રામના ભાવ જે ગઈકાલે જીએસટી વગરના રૂપિયા ૩૯૬૫૪ બંધ રહ્યા હતા તે આજે સાધારણ સુધરીને રૂપિયા ૩૯૭૪૦ બંધ રહ્યા હતા. ૯૯.૯૦ ગોલ્ડ રૂપિયા ૩૯૮૧૩ બંધવાળો પણ સુધરીને રૂપિયા ૩૯૯૦૦ બંધ રહ્યો હતો. જીએસટી સાથેના ભાવ ત્રણ ટકા ઊચા બોલાતા હતા.
ગોલ્ડ પાછળ સ્થાનિકમાં ચાંદી પણ સુધરીને પ્રતિ કિલો રૂપિયા ૪૬૦૦૦ની સપાટીને પાર કરી ગઈ હતી. ચાંદી રૂપિયા ૪૫૯૬૦વાળી આજે સુધરીને જીએસટી વગર રૂપિયા ૪૬૨૭૦ બંધ રહી હતી. મોડી સાંજે ખાનગીમાં ભાવ રૂપિયા ૪૬૩૦૦ બોલાતા હતા. ફોરેનમાં ગોલ્ડ જે ગઈકાલે પ્રતિ ઔંસ ૧૫૫૧.૯૦ ડોલર રહ્યું હતું તે આજે વધીને ૧૫૫૮.૫૦ ડોલરથી ૧૫૫૬.૧૦ ડોલર બોલાતું હતું જ્યારે ગોલ્ડની પાછળ ચાંદી પ્રતિ ઔંસ ૧૭.૮૨ ડોલરવાળી ૧૮.૦૬ ડોલરથી ૧૭.૯૯ ડોલર વચ્ચે અથડાતી હતી. અમેરિકા-ચીન વચ્ચેના કરારમાં હજુ સ્પષ્ટતા જોવાતી ન હોય ફન્ડવાળા સેફ હેવન તરીકે આ કિંમતી ધાતુમાં રસ ધરાવી રહ્યા છે.
સરકારે આયાતકારો માટે કસ્ટમ્સ એકસચેન્જ રેટ ઘટાડયો હતો. કસ્ટમ્સ એકસચેન્જ રેટ જે અગાઉ પ્રતિ ડોલર ૭૨.૧૫ રૂપિયા હતો તે ઘટાડીને ૭૧.૬૫ રૂપિયા કરાયો છે.
આમ એકસચેન્જ રેટમાં પ૦ પૈસાનો ઘટાડો નોંધાતા આયાતકારોને લાભ મળી રહેવા ગણતરી મુકાઈ રહી છે. નવો દર ૧૭ જાન્યુઆરીથી અમલી બનાવાશે. આયાતકારો આ ઘટાડાને એક મોટો ઘટાડો માની રહ્યા છે.
કરન્સી બજારમાં મુખ્ય ચલણો સામે રૂપિયામાં નબળાઈ જોવાઈ હતી. ડોલર ૧૦ પૈસા વધીને રૂપિયા ૭૦.૯૧ રહ્યો હતો. પાઉન્ડ ૪૦ પૈસા વધી ૯૨.૬૨ રૂપિયા અને યુરો ૧૮ પૈસા વધી ૭૯.૧૫ રૂપિયા બંધ રહ્યો હતો.
ક્રુડમાં નવી ખરીદી નરમ રહેતા ભાવ દબાણ હેઠળ રહ્યા હતા. બ્રેન્ટ ક્રુડ પ્રતિ બેરલ ૬૪ ડોલરની અંદર ઉતરીને ૬૩.૯૫ ડોલર બોલાતું હતું જ્યારે નાયમેકસ ૫૮ ડોલરની અંદર રહીને પ્રતિ બેરલ ૫૭.૬૨ ડોલર બોલાતું હતું.