સોનું આજે ફરી રૂ. 1500 ઉછળી નવી રૂ. 1,24.000ની ટોચે, ચાંદી દોઢ લાખથી વધી ઓલ ટાઇમ હાઇ

Gold Price All Time High: સોના-ચાંદીના ભાવ રોજ નવી ઐતિહાસિક ટોચ નોંધાવી રહ્યા છે. વૈશ્વિક બજારોના સથવારે આજે સ્થાનિક બજારમાં સોનાનો ભાવ રૂ. 1500 ઉછળી ફરી નવી રૂ. 1,24,000 પ્રતિ 10 ગ્રામની ઓલ ટાઇમ હાઇ સપાટીએ પહોંચ્યો છે. ચાંદી પણ રૂ. 2000 ઉછળી રૂ. 1,52,000 પ્રતિ કિગ્રાની રૅકોર્ડ ટોચે પહોંચી છે.
એમસીએક્સ ખાતે સાંજના સેશન દરમિયાન સોનાનો 5 ડિસેમ્બર વાયદો 1741 રૂપિયા ઉછળી 119854 પ્રતિ 10 ગ્રામની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો હતો. જ્યારે ચાંદી વાયદો રૂ. 1452 ઉછળી રૂ. 147196 પર ક્વોટ થયો હતો.
અમેરિકામાં ફેડ રિઝર્વ દ્વારા વ્યાજના દર ઘટાડવાની પ્રબળ શક્યતાઓ વચ્ચે કિંમતી ધાતુમાં રોકાણ વધ્યું છે. વૈશ્વિક બજારોમાં સોનું 3900 ડૉલર પ્રતિ ઔંસનું રૅકોર્ડ લેવલ ક્રોસ કરી ગયું છે. ફેડ ગવર્નર સ્ટીફન મિરાને હાલમાં જ વ્યાજના દરોમાં ઘટાડો કરવા મુદ્દે જાણકારી આપી હતી. વ્યાજના દરોમાં ઘટાડો તેમજ ટેરિફના કારણે સર્જાયેલી અનિશ્ચિતતાના પગલે સોના-ચાંદીમાં પૂરબહાર તેજી જોવા મળી છે.
સોના-ચાંદીમાં તેજીના કારણ
અમેરિકાની અર્થવ્યવસ્થા પર અનિશ્ચિતતા અને જીડીપી ગ્રોથમાં ઘટાડાની ભીતિ સર્જાઈ છે. અમેરિકામાં બેરોજગારીનો દર પણ વધી રહ્યો છે. બીજી તરફ રશિયા-યુક્રેન વચ્ચે ચાલી રહેલું યુદ્ધ વૈશ્વિક સ્તરે જિઓ-પોલિટિકલ ક્રાઇસિસ સર્જી રહ્યું છે. જેના પગલે રોકાણકારો સેફ હેવન તરફ ડાયવર્ટ થયા છે. ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ નીતિના કારણે વિવિધ દેશોની સેન્ટ્રલ બૅન્કોએ ગોલ્ડ રિઝર્વમાં વધારો કર્યો છે. વધુમાં ઇકો-ફ્રેન્ડલી વ્હિકલ્સને પ્રાધાન્ય આપતાં ઇ-વ્હિકલ્સની માગ વધી છે. ઈલેક્ટ્રોનિક ગેજેટ્સમાં પણ વેચાણ વધતાં ચાંદી ઓન ડિમાન્ડ છે. ડૉલર સામે રૂપિયો પણ તળિયે ઝાટક થયો છે. આજે તે ડૉલર સામે 88.79ની સપાટીએ બંધ રહ્યો હતો.જો કે, તેનું રૅકોર્ડ તળિયું 88.80 છે. ચાલુ કેલેન્ડર વર્ષમાં ડૉલર સામે રૂપિયો 3.71 ટકા તૂટ્યો છે.