Get The App

સોના-ચાંદીના ભાવમાં ઐતિહાસિક ઉછાળો: શુદ્ધ ચાંદી રૂ.2.80 લાખને પાર, સોનું રેકોર્ડ સ્તરે

Updated: Jan 13th, 2026

GS TEAM

Google News
Google News
સોના-ચાંદીના ભાવમાં ઐતિહાસિક ઉછાળો: શુદ્ધ ચાંદી રૂ.2.80 લાખને પાર, સોનું રેકોર્ડ સ્તરે 1 - image


Gold Silver Price Today: સ્થાનિક બજારમાં સોના અને ચાંદીના ભાવમાં તેજીનો સિલસિલો યથાવત છે અને બંને કિંમતી ધાતુઓ અત્યાર સુધીના સર્વોચ્ચ સ્તરે (All-Time High) પહોંચી ગઈ છે. સતત વધતી જતી માંગ અને રોકાણકારોના આકર્ષણને કારણે દિલ્હીથી લઈને ગુજરાતના બજારોમાં ચાંદીના ભાવમાં તોતિંગ વધારો જોવા મળ્યો છે.

ચાંદીમાં બે દિવસમાં રૂ.30,000નો વધારો!

ચાંદીના ભાવમાં આવેલી આ તેજી આશ્ચર્યજનક છે. સોમવારે ચાંદીમાં રૂ.15,000નો વધારો થયો હતો અને આજે ફરી રૂ.15,000 વધતા માત્ર બે જ દિવસમાં કિંમતમાં સરેરાશ રૂ.30,000નો ઉછાળો આવ્યો છે. વર્ષ 2026ની શરૂઆતથી અત્યાર સુધીમાં ચાંદીમાં પ્રતિ કિલો રૂ.41,000નો વધારો નોંધાયો છે. ઉલ્લેખનીય છે કે 31 ડિસેમ્બર 2025ના રોજ ચાંદીનો ભાવ રૂ. 2.39 લાખ હતો.

સોનાના ભાવમાં પણ રેકોર્ડ બ્રેક તેજી ચાંદીની સાથે સોનામાં પણ ભાવવધારો ચાલુ છે. મંગળવારે સોનાના ભાવમાં રૂ.400નો વધારો નોંધાયો હતો, જેનાથી 10 ગ્રામ સોનાનો ભાવ રૂ.1.45 લાખના નવા રેકોર્ડ સ્તર પર પહોંચી ગયો છે. સુરક્ષિત રોકાણ તરીકે સોનાની સતત વધી રહેલી માંગને કારણે આ ઉછાળો જોવા મળી રહ્યો છે.

લેટેસ્ટ માર્કેટ રેટ

સોનું (GOLD 999): અમદાવાદ અને રાજકોટમાં સોનાનો ભાવ આશરે ₹1,45,657 થી ₹1,45,678 (પ્રતિ 10 ગ્રામ) ની આસપાસ ટ્રેડ થઈ રહ્યો છે.

ચાંદી (SILVER 999): અમદાવાદમાં ચાંદીનો ભાવ (GGC-1KG) ₹2,80,917 પ્રતિ કિલો સુધી પહોંચી ગયો છે. જ્યારે 30 કિલોની પેટીનો ભાવ ₹2,79,321 ની સપાટીએ છે.

વૈશ્વિક બજારની અસર

  • International Gold: $4,614.10
  • International Silver: $89.02
  • USD/INR: ₹90.209

આંતરરાષ્ટ્રીય ઘટનાક્રમોને કારણે સોનાના ભાવમાં ઉછાળો

વર્ષ 2026 ની શરૂઆતથી જ કિંમતી ધાતુઓમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. સોના અને ચાંદીની કિંમતોમાં જોવા મળી રહેલી આ અસાધારણ તેજી પાછળ મુખ્યત્વે વૈશ્વિક પરિબળો જવાબદાર છે. ડૉલરના મૂલ્યમાં ઘટાડો, રશિયા-યુક્રેન યુદ્ધ જેવી ભૌગોલિક તંગદિલી અને ચીન જેવી મધ્યસ્થ બૅન્કો દ્વારા કરવામાં આવી રહેલી સોનાની જંગી ખરીદીને કારણે સોનું સતત મોંઘું થઈ રહ્યું છે.

ઈલેક્ટ્રોનિક્સ અને EVના કારણે ચાંદીની માંગમાં રૅકોર્ડ વધારો

બીજી તરફ ચાંદીના કિસ્સામાં, સોલાર પેનલ્સ, ઈલેક્ટ્રોનિક્સ અને ઈલેક્ટ્રિક વ્હીકલ્સ(EV)માં વધતી જતી ઔદ્યોગિક માંગને કારણે તે હવે માત્ર ઘરેણું મટીને એક અનિવાર્ય 'રો મટિરિયલ'(કાચો માલ) બની ગઈ છે. આ ઉપરાંત, અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ પોલિસીના ડરથી અનેક કંપનીઓ મોટા પાયે ચાંદીનો સંગ્રહ કરી રહી છે, જેના કારણે વૈશ્વિક પુરવઠામાં અછત સર્જાઈ છે અને ભાવ આસમાને પહોંચ્યા છે.

શહેર મુજબ ભાવમાં તફાવત

સામાન્ય ગ્રાહકો માટે એ જાણવું ખૂબ જ જરૂરી છે કે IBJA દ્વારા જાહેર કરવામાં આવતા સોના-ચાંદીના ભાવમાં 3% GST, ઘડામણ કે જ્વેલર્સનો નફો સામેલ હોતો નથી. આ કારણોસર જ દરેક શહેરમાં સ્થાનિક કક્ષાએ સોના-ચાંદીના ભાવમાં તફાવત જોવા મળી શકે છે. બજારમાં સતત વધી રહેલી કિંમતો વચ્ચે છેતરપિંડીથી બચવા માટે ગ્રાહકોએ ખરીદી કરતી વખતે ચાંદીની શુદ્ધતાની યોગ્ય તપાસ કરવી પણ અત્યંત અનિવાર્ય છે.