સોના-ચાંદી,ડોલરમાં ઘટાડો: સોનાની આયાત ચાર મહીનાના તળિયે
- પેલેડીયમના ભાવ ત્રણ ટકા ઉછળી ૨૪૦૦ ડોલરને આંબી ગયા : પાઉન્ડમાં ઝડપી પીછેહટ
- ક્રૂડતેલના ભાવ આંચકા પચાવી પ્રત્યાઘાતી ઉછળ્યા
(ગુજરાત સમાચાર કાર્યાલય) મુંબઈ, તા. 04 ફેબુ્રઆરી 2020, મંગળવાર
મુંબઈ ઝવેરી બજારમાં આજે ઘટાડો આગળ વધ્યો હતો. વિશ્વ બજારના સમાચાર નરમાઈ બતાવતા હતા. વિશ્વ બજારમાં ડોલરનો ઈન્ડેક્સ ઉંચે જતાં સોનામાં ફંડવાળા હળવા થઈ રહ્યા હતા. અમેરિકામાં મેન્યુફેકચરીંગ ડાટા અપેક્ષાથી સારા આવ્યાના સમાચાર હતા. ઘરઆંગણે જોકે મુંબઈ કરન્સી બજારમાં રૂપિયો ઉંચકાયો હતો. વિશ્વ બજારમાં આજે સોનાના ભાવ ઔંશના ૧૫૭૮.૧૦ ડોલરવાળા ઘટી સાંજે ભાવ ૧૫૬૯.૮૦થી ૧૫૬૯.૯૦ ડોલર રહ્યા હતા.
મુંબઈ કરન્સી બજારમાં આજે ડોલરના ભાવ રૂ.૭૧.૩૪ વાલા નીચામાં રૂ.૭૧.૦૯ થયા પછી બંધ ભાવ રૂ.૭૧.૨૬ રહ્યા હતા. ડોલરના ભાવ આજે રૂપિયા સામે ૭થી ૮ પૈસા નરમ રહ્યા હતા. જ્યારે બ્રિટીશ પાઉન્ડના ભાવ આજે ૪૯ પૈસા ગબડી રૂ.૯૨.૭૨થી ૯૨.૭૩ રહ્યા હતા. ભાવ રૂ.૯૩ની અંદર જતા રહ્યા હતા. યુરોના ભાવ ૧૬ પૈસા ઘટયા હતા તથા ભાવ નીચામાં રૂ.૭૮.૬૦ થઈ છેલ્લે બંધ ભાવ રૂ.૭૮.૭૮થી ૭૮.૭૯ રહ્યા હતા.
દરમિયાન ભારતમાં સોનાની આયાત જાન્યુઆરીમાં આશરે ૪૮ ટકા ઘટી ૩૬.૨૬ ટન થતાં ચાર મહિનાની નવી નીચી સપાટી જોવા મળી હતી, પાછલા વર્ષે જાન્યુઆરીમાં આવી આયાત ૬૯.૫૧ ટન થઈ હતી. ડોલરના મુલ્યમાં આવી આયાત ૨.૩૧ અબજ ડોલરથી ઘટી ૧.૫૮ અબજ ડોલર થઈ છે.
દરમિયાન મુંબઈ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવ જીએસટી વગર ૧૦ ગ્રામના ૯૯.૫૦ના રૂ.૪૦૬૫૪ વાળા રૂ.૪૦૪૦૯ થઈ રૂ.૪૦૪૪૩ બંધ રહ્યા હતા જ્યારે ૯૯.૯૦ના ભાવ રૂ.૪૦૮૧૭ વાળા રૂ.૪૦૫૭૧ થઈ રૂ.૪૦૬૦૬ બંધ રહ્યા હતા. જયારે જીએસટી સાથેના ભાવ આ ભાવથી ૩ ટકા ઉંચા રહ્યા હતા.
દરમિયાન, મુંબઈ બજારમાં આજે ચાંદીના ભાવ કિલોના ૯૯૯ના જીએસટી વગર રૂ.૪૬૨૪૦ વાળા રૂ.૪૫૮૫૫ થઈ છેલ્લે બંધ રૂ.૪૬૦૧૦ રહ્યા હતા જ્યારે જીએસટી સાથેના ભાવ આ ભાવથી ૩ ટકા ઉંચા રહ્યા હતા. વિશ્વ બજારમાં સોના પાછળ ચાંદીના ભાવ આજે ઔંશના ૧૭.૭૮ ડોલરવાળા સાંજે ૧૭.૭૨થી ૧૭.૭૩ ડોલર રહ્યા હતા.
વિશ્વ બજારમાં આજે બ્રિટીશ પાઉન્ડ ઉંચકાયો હતો જ્યારે ઘરઆંગણે પાઉન્ડ નરમ રહ્યો હતો. વિશ્વ બજારમાં આજે સોના-ચાંદીના ભાવ ઘટી રહ્યા હતા ત્યારે પ્લેટીનમ તથા પેલેડીયમના ભાવ ઉછળતા જોવા મળ્યા હતા. બ્રિટનમાં કન્સ્ટ્રકશન ક્ષેત્રના આંકડા સારા આવતા ત્યાં વ્યાજના દરમાં ઘટાડો થવાની શક્યતા ઘટી છે તથા તેના પગલે વિશ્વ બજારમાં આજે બ્રિટીશ પાઉન્ડના ભાવ વધી આવ્યાનું જાણકારોએ જણાવ્યું હતું. વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવ આંચકા પચાવી ફરી વધી આવ્યાના સમાચાર હતા.
બ્રેન્ટક્રૂડના ભાવ બેરલના વધી આજે ૫૪.૮૦થી ૫૪.૮૫ ડોલર થઈ સાંજે ભાવ ૫૪.૭૦ ડોલર રહ્યા હતા જ્યારે ન્યુયોર્કના ભાવ વધી ૫૦.૮૦ થી ૫૦.૮૫ ડોલર થઈ સાંજે ભાવ ૫૦.૭૦થી ૫૦.૭૫ ડોલર રહ્યા હતા. પ્લેટીનમના ભાવ ઉછળી આજે સાંજે ૯૭૭.૮૦થી ૯૭૭.૯૦ ડોલર રહ્યા હતા જ્યારે પેલેડીયમના ભાવ ત્રણથી સાડા ત્રણ ટકા ઉછળી ઔંશદીઠ સાંજે ૨૪૦૦ ડોલરની સપાટી વટાવી ગયાના સમાચાર હતા.