સોનામાં આગ ઝરતી તેજી : રૂ.1,06,700 ની ટોચે
- ચાંદીમાં વધુ રૂ.૧૫૦૦નો ઉછાળો : ક્રૂડ તેલમાં થયેલી પીછેહટ
- વૈશ્વિક સોનું વધુ ઉછળી ૩૪૫૦ ડોલરની સપાટી કુદાવી ગયું : અમેરિકાની અપીલ કોર્ટે ટેરીફ પ્રશ્ને ટ્રમ્પ વિરુધ્ધ ચુકાદો આપતાં હવે મામલો સુપ્રિમમાં જશે
મુંબઈ : મુંબઈ ઝવેરીબજારમાં આજે શનિવારના કારણે બુલીયન બજાર સત્તાવાર બંધ રહી હતી. જોકે બંધ બજારે સોના- ચાંદીના ભાવમાં વિશ્વબજાર પાછળ રેકોર્ડ તેજી આગળ આવતાં નવા ઉંચા ભાવ જોવા મળ્યા હતા. વિશ્વબજારમાં સોનાના ભાવ વધુ વધી ઔંશના ઉંચામાં ૩૪૫૦ ડોલર પાર કરી ગયા હતા જ્યારે વૈશ્વિક સોનાનો ડિસેમ્બર વાયદો વધી ૩૫૦૦ ડોલર વટાવી ગયાના વાવડ મળ્યા હતા. વિશ્વબજાર ઉંચકાતાં ઘરઆંગણે ઈમ્પોર્ટ કોસ્ટ વધી જતાં દેશના ઝવેરીબજારોમાં આજે રેકોર્ડ તેજી વેગથી આગળ વધી હતી.
અમદાવાદ ઝવેરીબજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામના વધુ રૂ.૧૨૦૦ વધી ૯૯૫ના રૂ.૧૦૬૪૦૦ તથા ૯૯૯ના રૂ.૧૦૬૭૦૦ બોલાતાં નવો વિક્રમ સર્જાયો હતો. જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ આજે કિલોદીઠ વધુ રૂ.૧૫૦૦ વધી રૂ.૧૧૯૫૦૦ બોલાતાં નવો ઈતિહાસ સર્જાયો હતો. ચાંદીમાં હવે રૂપિયા સવા લાખના ભાવ પર ખેલાડીઓની નજર રહી હતી.
વિશ્વબજારમાં સોનાના ભાવ ૩૪૦૫થી ૩૪૦૬ વાળા વધી ઉંચામાં ભાવ ૩૪૫૩થી ૩૪૫૪ થઈ છેલ્લે સપ્તાહના અંતે ભાવ ૩૪૪૭થી ૩૪૪૮ ડોલર રહ્યા હતા. જ્યારે ડિસેમ્બર વાયદો વધી ૩૫૧૧થી ૩૫૧૨ ડોલર રહ્યો હતો. વૈશ્વિક ડોલર ઈન્ડેક્સ ઘટતાં વૈશ્વિક સોનામાં ફંડોની લેવાલી ચાલુ રહી હતી. ડોલર ઈન્ડેક્સ વિશ્વબજારમાં ઉંચામાં ૯૮.૧૩ તથા નીચામાં ૯૭.૬૯ થઈ છેલ્લે ૯૭.૮૬ રહ્યો હતો.
મુંબઈ કરન્સી બજારમાં આજે બંધ બજારે રૂપિયા સામે ડોલરના ભાવ રૂ.૮૮.૨૦ વાળા ઘટી રૂ.૮૮.૧૫થી ૮૮.૧૬ બોલાઈ રહ્યા હતા.
દરમિયાન, સોના પાછળ વિશ્વબજારમાં ચાંદીના ભાવ ઔંશદીઠ ૩૮.૮૨થી ૩૮.૮૩ વાળા વધી ઉંચામાં ભાવ ૩૯.૯૭થી ૩૯.૯૮ થઈ છેલ્લે ભાવ ૩૯.૭૧થી ૩૯.૭૨ ડોલર રહ્યા હતા. મુંબઈ બુલીયન બજારમાં આજે સોનાના ભાવ જીએસટી વગર ૯૯૫ના રૂ.૧૦૧૯૭૮થી વધી રૂ.૧૦૩૨૦૦ રહ્યા હતા.
જ્યારે ૯૯ના ભાવ રૂ.૧૦૨૩૮૮ વાળા રૂ.૧૦૩૬૦૦ રહ્યા હતા. મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર રૂ.૧૧૭૫૭૨ વાળા વધી આજે રૂ.૧૨૦૫૦૦ બોલાયા હતા. મુંબઈ સોના- ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ત્રણ ટકા ઉંચા રહ્યા હતા.
દરમિયાન, વિશ્વબજારમાં પ્લેટીનમના ભાવ ઔંશના ૧૩૪૬થી ૧૩૪૭ વાળા વધી ૧૩૭૫થી ૧૩૭૬ થઈ ૧૩૭૦થી ૧૩૭૧ ડોલર છેલ્લે રહ્યા હતા જ્યારે પેલેડીયમના ભાવ ૧૦૯૭થી ૧૦૯૮ વાળા વધી ૧૧૧૩થી ૧૧૧૪ થઈ છેલ્લે ભાવ ૧૧૦૩થી ૧૧૦૪ ડોલર રહ્યા હતા. વૈશ્વિક ક્રૂડતેલના ભાવ જોકે પીછેહટ બતાવી રહ્યા હતા.
બ્રેન્ટક્રૂડના ભાવ બેરલદીઠ ૬૮.૧૪ વાળા ઘટી ૬૭.૨૯ થઈ છેલ્લે ભાવ ૬૭.૪૮ ડોલર રહ્યા હતા. જ્યારે યુએસ ક્રૂડના ભાવ ૬૪.૩૮ વાળા ઘટી ૬૩.૮૮ થઈ ૬૪.૦૧ ડોલર છેલ્લે રહ્યા હતા. ક્રૂડ ઉત્પાદક દેશોના સંગઠન ઓપેકે સપ્ટેમ્બરમાં કુલ વૈશ્વિક દૈનિક ઉત્પાદન ૫ લાખ ૯૭ હજાર બેરલ્સ વધારવાનું નક્કી કર્યાના સમાચાર મળ્યા હતા.
વિશ્વબજારમાં સોનાના ભાવ ઓગસ્ટમાં ૪.૭૦ ટકા વધ્યા હતા તથા ચાર મહિનાના ગાળામાં આ ઓગસ્ટ મહિનો શ્રેષ્ઠ ભાવ વૃધ્ધિને રહ્યાનું બજારના જાણકારો જણાવી રહ્યા હતા. દરમિયાન, અમેરિકામાં હવે સપ્ટેમ્બર મહિનામાં વ્યાજના દર કેટલા ઘટાડવામાં આવે છે તેના પર બજારની નજર રહી હતી.
દરમિયાન, અમેરિકાની અપીલ કોર્ટે ટ્રમ્પ દ્વારા લદાતી ટેરીફને ગેરકાયદેસર ગણાવતો ચુકાદો આપતા હવે અમેરિકાના પ્રમુખ આ પ્રશ્ને સુપ્રીમ કોર્ટમાં જવાના એંધાણ મળ્યા હતા.