Get The App

સોનું રૂ.160000, ચાંદી રૂ.334300 :પ્લેટીનમમાં પણ તેજી: ભાવ રૂ.80000

- તોફાની તેજીની વણથંભી ચાલ: વૈશ્વિક સોનું ૪૯૦૦ ડોલર નજીક,હવે ૫૦૦૦ ડોલર પર નજર

Updated: Jan 22nd, 2026

GS TEAM

Google News
Google News
સોનું રૂ.160000, ચાંદી રૂ.334300 :પ્લેટીનમમાં પણ તેજી: ભાવ  રૂ.80000 1 - image

મુંબઈ : વૈશ્વિક ડોલર ઈન્ડેક્સ ઘટતાં તથા અમેરિકાના પ્રમુખ ટ્રમ્પના વિવિધ દેશો સામે અણછાજતા નિવેદનો વધતાં વૈશ્વિક સ્તરે અજંપાની સ્થિતિ વચ્ચે વિશ્વ બજારમાં સોનામાં સેફ-હેવન બાઈંગ વધતા વૈશ્વિક સોનું ૪૯૦૦ ડોલર નજીક પહોંચ્યું હતું. વિશ્વ બજાર વધુ ઊંચી જતાં તથા ઘરઆંગણે કરન્સી બજારમાં ડોલર સામે રૂપિયો ગબડતાં દેશમાં આયાત થતી કિંમતી ધાતુઓની ઈમ્પોર્ટ કોસ્ટ વધી જતાં   ભારતના સોના-ચાંદી બજારોમાં ભાવમાં આગેકૂચ ચાલુ રહી હતી. 

સોનાના ભાવ ત્રણ દિવસમાં રૂ.૧૪ હજાર જ્યારે ચાંદીના રૂ.૪૫ હજાર ઉછળ્યા :  

આજે દિલ્હી સોના-ચાંદી બજારમાં ચાંદી રૂ.૧૧૩૦૦ ઉછળીને રૂ.૩,૩૪,૦૦૦ની ટોચે પહોચી હતી. જ્યારે સોનું રૂ.૧.૬૦ લાખને આંબી ગયું હતુ.

 અમદાવાદ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામના વધુ રૂ.૫૦૦૦ વધી ૯૯૫ના ભાવ રૂ.૧૫૯૭૦૦ તથા ૯૯૯ના ભાવ રૂ.૧૬૦૦૦૦ બોલાતા નવો ઈતિહાસ રચાયો હતો. સોનાના ભાવ ત્રણ દિવસમાં રૂ.૧૩૭૦૦ ઉછળ્યા હતા. દરમિયાન, અમદાવાદ બજારમાં આજે ચાંદીના ભાવ કિલોના વધુ રૂ.૧૦ હજાર વધી રૂ.૩૨૦૦૦૦ની નવી ઉંચી ટોચે પહોંચ્યા હતા. ચાંદીના ભાવ ત્રણ દિવસમાં ૪૫ હજાર વધી જતાં ઝવેરીઓ સ્તબ્ધ બની ગયા હતા.

 દરમિયાન, વિશ્વ બજારમાં સોનાના ભાવ ઔંશના ૪૭૨૭થી ૪૭૨૮ ડોલરથી વધી ઉંચામાં ભાવ ૪૮૮૮ની નવી ટોચે પહોંચી ૪૮૬૪થી ૪૮૬૫ ડોલર રહ્યા હતા. વિશ્વ બજારમાં ચાંદીનાભાવ ઔંસના ૯૫.૪૧થી ૯૫.૪૨ ડોલરવાળા ઉંચામાં ભાવ ૯૫.૫૫ થઈ ૯૫.૧૩થી ૯૫.૧૪ ડોલર રહ્યા હતા.

પ્લેટીનમના ભાવ ઔંસના ઉંચામાં ૨૫૧૧ થઈ ૨૪૮૨થી ૨૪૮૩ ડોલર રહ્યા હતા જ્યારે પેલેડીયમના ભાવ ઔંસના ઉંચામાં ૧૯૦૩ થઈ ૧૮૭૦થી ૧૮૭૧ ડોલર રહ્યા હતા. વૈશ્વિક કોપરના ભાવ વધુ ૧.૦૩ ટકા ઉંચકાયા હતા. 

મુંબઈ બજારમાં પ્લેટીનમના ભાવ જીએસટી વગર લવધી ૧૦ ગ્રામના ૮૦ હજાર પાર કરી રૂ.૮૦૩૦૦ નજીક પહોંચી ગયા હતા. મુંબઈ બુલિયન બજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામના રૂ.૭૦૦૦ ઉછળ્યા હતા.

મુંબઈ બુલિયન બજારમાં આજે સોનાના ભાવ જીએસટી વગગર ૯૯૫ના રૂ.૧૫૪૫૮૩ થઈ રૂ.૧૫૩૬૦૯ રહ્યા હતા જયારે ૯૯૯ના ભાવ ઉંચામાં રૂ.૧૫૫૨૦૪ થઈ રૂ.૧૫૪૨૨૭ રહ્યા હતા. મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર રૂ.૧૦ હજાર ઉછળી ઉંચામાં ભાવ રૂ.૩૨૦૦૭૫ થઈ રૂ.૩૧૯૦૯૭ રહ્યા હતા.

વિશ્વ બજારમાં આજે જ્યારે વિવિધ કોમોડિટીઝના ભાવ વધી રહ્યા હતા. ક્રૂડતેલના ભાવ નરમ રહ્યા હતા. બ્રેન્ટ ક્રૂડના ભાવ બેરલના નીચામાં ૬૩.૬૧ થઈ ૬૪.૩૪ ડોલર રહ્યા હતા. યુએસ ક્રૂડના ભાવ નીચામાં ૫૯.૨૨ થઈ ૫૯.૮૫ ડોલર રહ્યા હતા. ભારતમાં રશિયાના ક્રૂડની ઈમ્પોર્ટ ઘટતાં હવે આયાતકારો તથા રિફાઈનર્સ દ્વારા ઈરાક તથા ઓમાનના ક્રૂડ તરફ વળ્યાના વાવડ મળ્યા હતા.