સોનું વધી રૂ.99,500 બોલાયું : ચાંદી રૂ.97,500
- ક્રુડમાં આગેકૂચ: અમેરિકામાં ઓઈલ રિગ્સની સંખ્યામાં ઘટાડો
- રૂપિયા સામે ડોલરમાં થયેલો ઘટાડો
મુંબઈ : મુંબઈ ઝવેરીબજારમાં આજે શનિવારના કારણે બુલીયન બજાર સત્તાવાર બંધ રહી હતી. જોકે બંધ બજારે સોનાના ભાવ આંચકા પચાવી ફરી વધી આવ્યા હતા જ્યારે ચાંદીના ભાવમાં તેજી આગળ વધી હતી. વિશ્વબજારના સમાચાર પ્રોત્સાહક હતા. વિશ્વબજાર વધતાં ઘરઆંગણે ઈમ્પોર્ટ કોસ્ટ ઉંચી જતાં દેશનાઝવેરીબજારોમાં આજે કિંમતી ધાતુઓના ભાવ ઉંચા જતા જોવા મળ્યા હતા.
અમદાવાદ ઝવેરીબજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામના રૂ.૭૦૦ ઉછળી ૯૯૫ના રૂ.૯૯૨૦૦ તથા ૯૯૯ના રૂ.૯૯૫૦૦ બોલાયા હતા જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ કિલોના રૂ.૫૦૦ વધી રૂ.૯૭૫૦૦ રહ્યા હતા. વિશ્વબજારમાં સોનાના ભાવ ઔંશના ૩૩૫૦થી ૩૩૫૧ વાળા ઉંચામાં ૩૩૬૫ થઈ છેલ્લે સપ્તાહના અંતે ભાવ ૩૩૫૭થી ૩૩૫૮ ડોલર રહ્યાના સમાચાર મળ્યા હતા.
વિશ્વબજારમાં અમેરિકાના પ્રમુખ ટ્રમ્પ દ્વારા નવેસરથી ટેરીફ તથા ટ્રેડવોર શરૂ કરાતાં વૈશ્વિક સ્તરે સોનામાં સેફ હેવન બાઈંગના સ્વરૂપમાં ફંડોની ખરીદી નવેસરથી વધ્યાના વાવડ મળ્યા હતા. ડોલરનો વૈશ્વિક ઈન્ડેક્સ ઘટતાં તેની અસર પણ વૈશ્વિક સોનાના ભાવ પર પોઝીટીવ દેખાઈ હતી.
ડોલરનો વૈશ્વિક ઈન્ડેક્સ ઘટી નીચામાં ૯૯.૦૫ થઈ છેલ્લે ૯૯.૧૦ રહ્યાના નિર્દેશો હતા. વિશ્વબજારમાં સોના પાછળ ચાંદીના ભાવ ઔંશના ૩૩.૧૧થી ૩૩.૧૨ વાળા ઉંચામાં ૩૩.૫૪ થઈ છેલ્લે ભાવ ૩૩.૪૭થી ૩૩.૪૮ ડોલર રહ્યા હતા.
મુંબઈ કરન્સી બજારમાં આજે બંધ બજારે વિશ્વબજાર પાછળ રૂપિયા સામે ડોલરના ભાવ રૂ.૮૫.૨૮ વાળા ઘટી રૂ.૮૫.૧૮ આસપાસ બોલાઈ રહ્યા હતા એવું કરન્સી બજારના સૂત્રોએ જણાવ્યું હતું.
દરમિયાન, મુંબઈ બુલીયન બજારમાં આજે સોનાના ભાવ જીએસટી વગર ૯૯૫ના રૂ.૯૫૦૮૯ વાળા રૂ.૯૫૬૫૦ બોલાયા હતા જ્યારે ૯૯૯ના ભાવ રૂ.૯૫૪૭૧ વાળા રૂ.૯૬૦૫૦ આસપાસ બોલાઈ રહ્યા હતા જ્યારે મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર રૂ.૯૬૯૦૯ વાળા રૂ.૯૭૭૫૦ રહ્યા હતા.
વિશ્વબજારમાં પ્લેટીનમના ભાવ ઔંશના વધી ૧૦૯૭થી ૧૦૯૮ ડોલર બોલાયા હતા જ્યારે પેલેડીયમના ભાવ વધી ઉંચામાં ૧૦૧૮ થઈ છેલ્લે ૯૯૯થી ૧૦૦૦ ડોલર રહ્યા હતા.
વિશ્વબજારમાં ક્રૂડતેલના ભાવ પણ ઉંચકાયા હતા. બ્રેન્ટક્રૂડના ભાવ બેરલના ૬૩.૬૮ વાળા વધી ૬૫.૨૫ થઈ છેલ્લે ભાવ ૬૪.૭૮ ડોલર રહ્યા હતા. અમેરિકામાં ઓઈલ ઉત્પાદન કરતી રિગ્સની સંખ્યા ઝડપી ૧૦ જેટલી ઘટયાના વાવડ હતા. એક વર્ષમાં આવો ઘટાડો ૩૪થી ૩૫ રિગ્સનો થયો છે.