સોનામાં રૂ.1500 તથા ચાંદીમાં રૂ.1000નો ઉછાળો : ક્રૂડમાં ઘટાડો
- ક્રૂડતેલમાં સાઉદી અરેબીયાએ ઉત્પાદન વધાર્યું ઉપરાંત એશિયા માટે જૂન ડિલીવરીના ભાવ પણ વધારતાં આશ્ચર્ય ફેલાયું
- વૈશ્વિક સોનું ફરી ઉછળી ૩૩૦૦ ડોલર કુદાવી ગયા
મુંબઈ : મુંબઈ ઝવેરીબજારમાં આજે સોના- ચાંદીના ભાવ આંચકા પચાવી ફરી ઉછળ્યા હતા. વિશ્વબજારના સમાચાર ફરી તેજી બતાવતા હતા. વિશ્વબજાર ઉંચકાતાં ઘરઆંગણે ઈમ્પોર્ટ કોસ્ટ વધી જતાં બજાર ભાવમાં ફરી તેજી આવી હતી. જોકે નવા વેપાર ધીમા હતા.
અમદાવાદ ઝવેરીબજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામના રૂ.૧૫૦૦ ઉછળી ૯૯૫ના રૂ.૯૭૯૦૦ તથા ૯૯૯ના રૂ.૯૮૨૦૦ બોલાતા થયા હતા જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ કિલોના રૂ.૧૦૦૦ વધી રૂ.૯૫૫૦૦ રહ્યા હતા. વિશ્વબજારમાં સોનાના ભાવ ઔંશના ૩૨૪૦તી ૩૨૪૧ વાળા ઉછળી ઉંચામાં ભાવ ૩૩૦૦ પાર કરી ૩૩૨૨થી ૩૩૨૩ થઈ ૩૩૨૦થી ૩૩૨૧ ડોલર રહ્યાના સમાચાર હતા.
વિશ્વબજારમાં ડોલર ઈન્ડેક્સ ફરી ઘટતાં વૈશ્વિક સોનામાં ફંડો ફરી દાખલ થયાના વાવડ હતા. સોના પાછળ વૈશ્વિક ચાંદીના ભાવ પણ ઔંશના ૩૨.૦૧થી ૩૨.૦૨ વાળા ઉંચામાં ૩૨.૫૬ થઈ ૩૨.૫૪થી ૩૨.૫૫ ડોલર રહ્યા હતા.
મુંબઈ બુલીયન બજારમાં આજે સોનાના ભાવ જીએસટી વગર ઉછળી ૯૯૫ના રૂ.૯૪૯૦૦ તથા ૯૯૯ના રૂ.૯૫૨૮૨ બોલાયા હતા જ્યારે મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર વધી રૂ.૯૪૧૦૦ બોલાયા હતા.
મુંબઈ સોના- ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ત્રણ ટકા ઉંચા રહ્યા હતા. વિશ્વબજારમા કોપરના ભાવ આજે ૧.૪૭ ટકા ઉંચકાતાં તેની અસર વૈશ્વિક ચાંદીના ભાવ પર પોઝીટીવ દેખાઈ હતી. વૈશ્વિક પ્લેટીનમના ભાવ વધી ૯૭૨ થઈ ૯૭૦થી ૯૭૧ ડોલર રહ્યા હતા. જોકે પેલેડીયમના ભાવ ઘટી નીચામાં ૯૫૦ થઈ ૯૫૪થી ૯૫૫ ડોલર રહ્યા હતા.
દરમિયાન, વિશ્વબજારમાં ક્રૂડતેલના ભાવમાં ઘટાડો આગળ વધ્યો હતો. બ્રેન્ટ ક્રૂડના ભાવ બેરલના ૬૧.૨૯ વાળા નીચાામાં ૫૮.૫૦ થઈ ૬૦.૨૦ ડોલર રહ્યા હતા.
યુએસ ક્રૂડના ભાવ નીચામાં ૫૫.૩૦ થઈ ૫૭.૦૮ ડોલર રહ્યા હતા. ઓપેકના દેશોએ ક્રૂડનું ઉત્પાદન વધારવા નિર્ણય કરતા ભાવ દબાણ હેઠળ રહ્યા હતા. ઈરાક તથા કઝાખસ્તાન આ પૂર્વે ઓપેકના નિર્દેશોને અવગણી ઉત્પાદન ક્વોટાથી વધુ ઉત્પાદન કરતા હતા તેમને પાઠ ભણાવવા ઓપેકના દેશોએ ઉત્પાદન વધારવા નક્કી કર્યાના વાવડ મળ્યા હતા. જોકે સાઉદી અરેબીયાએ એશિયાના દેશો માટે જૂન માટે ક્રૂડના ભાવમાં વધારો કરવાનું નક્કી કર્યાના સમાચાર પણ આજે મળ્યા હતા.