Get The App

સોનું રૂ.1100 ઉછળી રૂ.51500: ક્રૂડ વધી 95 ડોલર: ચાંદીમાં પણ તેજી

- જોકે ક્રૂડના ભાવ વધતાં અમેરિકામાં ઓઈલનું ઉત્પાદન કરતી રિગ્સની સંખ્યા વધતાં ચાર વર્ષનો રેકોર્ડ તૂટયાના નિર્દેશો

Updated: Feb 12th, 2022

GS TEAM

Google News
Google News

રશિયા અને યુક્રેન વચ્ચે યુધ્ધના વાગતા ભણકારા વચ્ચે

સોનું રૂ.1100 ઉછળી રૂ.51500: ક્રૂડ વધી 95 ડોલર: ચાંદીમાં પણ તેજી 1 - image

(ગુજરાત સમાચાર કાર્યાલય) મુંબઇ : મુંબઈ ઝવેરીબજારમાં આજે શનિવારના કારણે બુલીયન બજાર સત્તાવાર બંધ રહી હતી. જોકે બંધ બજારે કિંમતી ધાતુઓના ભાવ ઝડપી ઉછળ્યા હતા. રશિયા તથા યુક્રેન વચ્ચે તંગદીલી વધતાં વિશ્વબજારમાં ક્રૂડતેલ તથા સોના- ચાંદીના ભાવ ઉછળતાં ઘરઆંગણે પણ તેજીનો ચમકારો જોવા મળ્યો હતો. અમદાવાદ બજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામના રૂ.૧૧૦૦ ઉછળી ૫૧ હજાર કુદાવી ૯૯.૫૦ના રૂ.૫૧૩૦૦ તથા ૯૯.૯૦ના રૂ.૫૧૫૦૦ બોલાયા હતા.

મુંબઈ બજારમાં જીએસટી વગર સોનાના ભાવ ૯૯.૫૦ના રૂ.૪૮૭૨૪ વાળા રૂ.૪૯૭૨૫ બોલાયા હતા જ્યારે ૯૯.૯૦ના ભાવ રૂ.૪૮૯૨૦ વાળા ઉછળી રૂ.૪૯૯૨૫ બોલાયા હતા. જ્યારે જીએસટી સાથેના ભાવ આ ભાવથી ત્રણ ટકા ઉંચા રહ્યા હતા. મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર રૂ.૬૨૧૫૭ વાળા રૂ.૬૩૭૫૦ રહ્યા હતા જ્યારે જીએસટી સાથેના ભાવ આ ભાવથી ત્રણ ટકા ઉંચા રહ્યા હતા.

દરમિયાન, વિશ્વબજારમાં સોનાના ભાવ ઔંશના ૧૮૨૯થી ૧૮૩૦ ડોલરવાળા ઉછળી ઉંચામાં ૧૮૬૧થી ૧૮૬૨ ડોલર થઈ સપ્તાહના અંતે ૧૮૫૮થી ૧૮૫૯ ડોલર રહ્યાના સમાચાર હતા. સોના પાછળ વૈશ્વિક ચાંદીના ભાવ પણ ૨૩.૦૩થી ૨૩.૦૪ ડોલરવાળા વધી ૨૩.૬૭ થઈ ૨૩.૫૮થી ૨૩.૫૯ ડોલર રહ્યા હતા. રશિયા તથા યુક્રેન વચ્ચે તણાવ વધી રહ્યાના સંકેતો હતા.

દરમિયાન, અમેરિકાના ઈન્ટેલીજન્સ વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ ચીનમાં વિન્ટર ઓલિમ્પિકની પુર્ણાહુતી ૨૦મી ફેબુ્રઆરીએ થવાની છે અને એ પૂર્વે રશિયા દ્વારા યુક્રેન પર હુમલો કરાવાની શક્યતા છે. આના પગલે વિશ્વબજારમાં સોનામાં સેફ હેવન સ્વરૂપની લેવાલી વધી છે. સામે ક્રૂડતેલના ભાવ પણ વધી બેરલના ૯૫ ડોલર થઈ જતાં વિશ્વબજારમાં સોનામાં તેજીની અસર દેખાઈ હોવાનું બજારના સૂત્રોએ જણાવ્યું હતું.

વિશ્વબજારમાં કોપરના ભાવ ૩થી ૪ ટકા તૂટયાના વાવડ હતા. પ્લેટીનમના ભાવ ૧૦૩૫થી ૧૦૩૬ ડોલરવાળા ૧૦૩૨ થઈ ૧૦૩૭થી ૧૦૩૮ ડોલર રહ્યા હતા જ્યારે પેલેડીયમના ભાવ ૨૨૫૯થી ૨૨૬૦ ડોલરવાળા ઉંચામાં ૨૩૬૩થી ૨૩૬૪ થઈ ૨૩૦૮થી ૨૩૦૯ ડોલર રહ્યા હતા. પેલેડીયમના ભાવમાં ઉછળકુદ જોવા મળી હતી.

દરમિયાન, ક્રૂડતેલના ભાવ વિશ્વબજારમાં ઉછળ્યા હતા. ન્યુયોર્ક ક્રૂડના ભાવ બેરલદીઠ ૯૧.૦૯ ડોલરવાળા વધી ૯૪.૬૬ થઈ છેલ્લે ૯૩.૧૦ ડોલર રહ્યા હતા જ્યારે બ્રેન્ટ ક્રૂડના ભાવ ૯૨.૫૧ ડોલરવાળા ઉછળી ૯૫.૬૬ થઈ છેલ્લે ૯૪.૪૪ ડોલર બોલાઈ રહ્યાના નિર્દેશો હતા. રશિયા- યુક્રેન વચ્ચે વિવાદ વધશે તો વિશ્વબજારમાં રશિયાથી આવતા ક્રૂડનો પુરવઠો ઘટશે એવી ભીતી જાણકારો બતાવી રહ્યા હતા.

જોકે ક્રૂડના ભાવ ઉછળતાં અમેરિકામાં ક્રૂડનું ઉત્પાદન વધી રહ્યાના નિર્દેશો પણ મળ્યા હતા. અમેરિકામાં ક્રૂડતેલનું ઉત્પાદન કરતી ઓઈલ રિગ્સની સંખ્યામાં આ વિકમાં થયેલી વૃધ્ધિ પાછલા ચાર વર્ષની સૌથી મોટી વૃધ્ધિ હોવાનું જાણકારોએ જણાવ્યું હતું. અમેરિકામાં ઓઈલ રિગ્સની સંખ્યા ૨૨ વધી કુલ  ૬૩૫ થયાના સમાચાર હતા.

Tags :