સોનું ફરી વધી રૂ.એક લાખ : વૈશ્વિક બજાર 3400 ડોલર નજીક પહોંચી
- ક્રૂડતેલ ઉંચામાં ૭૦ ડોલર વટાવ્યા પછી ઝડપી ઘટયું
- ડોલર ઈન્ડેક્સ તૂટતાં વૈશ્વિક સોનામાં ફંડોનું એકટીવ બાઈંગ
મુંબઈ : મુંબઈ ઝવેરીબજારમાં આજે સોનાના ભાવ આંચકા પચાવી ફરી ઉછળ્યા હતા જ્યારે ચાંદીના ભાવ બેતરફી વધઘટે અથડાતા રહ્યા હતા. વિશ્વબજારમાં સોનાના ભાવ ઝડપી ઉછળી ઔંશના ઉંચામાં એક તબક્કે ૩૪૦૦ ડોલરની નજીક પહોંચી ગયાના સમાચાર મળ્યા હતા.
અમદાવાદ ઝવેરીબજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામના રૂ.૧૨૦૦ ઉછળી ૯૯૫ના રૂ.૧ લાખ પાર કરી રૂ.૧૦૦૪૦૦ તથા ૯૯૯ના રૂ.૧૦૦૭૦૦૦ બોલાયા હતા. અમદાવાદ ચાંદીના ભાવ રૂ.૧૦૦૦ વધી રૂ.૧૦૫૦૦૦ રહ્યા હતા. દરમિયાન, વિશ્વબજારમાં સોનાના ભાવ ૩૩૫૩થી ૩૩૫૪ વાળા આજે વધી ઉંચામાં ભાવ ૩૩૯૩ થઈ ૩૩૮૨થી ૩૩૮૩ ડોલર રહ્યા હતા.
મુંબઈ બુલીયન બજારમાં આજે જીએસટી વગર સોનાના ભાવ વધી ૯૯૫ના રૂ.૯૭૦૬૫ તથા ૯૯૯ના રૂ.૯૭૪૫૫ રહ્યા હતા જ્યારે મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર રૂ.૧૦૫૪૯૮ રહ્યા હતા. વિશ્વબજારમાં ચાંદીના ભાવ નીચામાં ૩૫.૪૬ તથા ઉંચામાં ૩૬.૪૫ થઈ ૩૬.૧૫થી ૩૬.૧૬ ડોલર રહ્યા હતા. પ્લેટીનમના ભાવ ઘટી ૧૨૬૦ ડોલર રહ્યા હતા.
પેલેડીયમના ભાવ ઘટી ૧૦૫૦ ડોલર રહ્યા હતા. વૈશ્વિક કોપરના ભાવ આજે ૦.૧૫ ટકા નરમ હતા. વિશ્વબજારમાં ક્રૂડતેલના ભાવ વધ્યા પછી ફરી નીચા ઉતર્યા હતા. બ્રેન્ટક્રૂડના ભાવ બેરલના ઉંચામાં ૭૦.૨૫ થયા પછી ઘટી ૬૮.૭૭ ડોલર રહ્યા હતા. યુએસ ક્રૂડના ભાવ ઉંચામાં ૬૯.૨૯ થયા પછી ભાવ ૬૬.૯૯ ડોલર રહ્યા હતા.