Get The App

વિશ્વ બજારમાં પ્રોફિટ બુકિંગથી સોનામાં પીછેહઠ: નવી લેવાલીએ ઘરઆંગણે સુધારો

- રશિયા ખાતેથી પૂરવઠો ખોરવાવાની ચિંતાએ ક્રુડ ઊંચકાયું

Updated: Aug 7th, 2025

GS TEAM

Google News
Google News
વિશ્વ બજારમાં પ્રોફિટ બુકિંગથી સોનામાં પીછેહઠ: નવી લેવાલીએ ઘરઆંગણે સુધારો 1 - image


મુંબઈ : ઊંચા મથાળે પ્રોફિટ બુકિંગ આવતા વિશ્વ બજારમાં સોનામાં પીછેહઠ જોવા મળી હતી પરંતુ ઘરઆંગણે સ્ટોકિસ્ટોની લેવાલીએ ભાવમાં સુધારો જોવા મળ્યો હતો. રિઝર્વ બેન્કે વ્યાજ દર જાળવી રાખવાનો નિર્ણય કર્યા બાદ રોકાણકારોની તથા સ્ટોકિસ્ટોનું સોનામાં ખરીદી નીકળી હતી.

આગામી તહેવારોની મોસમને ધ્યાનમાં રાખી સ્ટોકિસ્ટો લેવાલ જોવા મળ્યા હતા. સાત ઓગસ્ટથી વિશ્વના ૯૦થી વધુ દેશો પર ટ્રમ્પ ટેરિફ લાગુ થઈ રહ્યા હોય તેની અસર કેવી પડશે તે પણ જોવાનું રહેશે. રશિયા ખાતેથી પૂરવઠો ખોરવાવાની ચિંતાએ ક્રુડ તેલના ભાવ સુધારા તરફી રહ્યા હતા. 

ઘરઆંગણે મુંબઈ ઝવેરી બજારમાં ૯૯.૯૦ દસ ગ્રામ સોનાના જીએસટી વગરના ભાવ રૂપિયા ૧૦૦૪૫૨ મુકાતા હતા. ૯૯.૫૦ સોનાના દસ ગ્રામના જીએસટી વગર રૂપિયા ૧૦૦૦૫૦ બોલાતા હતા. જીએસટી સાથે ભાવ ત્રણ ટકા ઊંચા મુકાતા હતા. ચાંદી .૯૯૯ એક કિલોના જીએસટી વગરના ભાવ રૂપિયા ૧૧૩૪૮૫ મુકાતા હતા. જીએસટી સાથે ભાવ ત્રણ ટકા ઊંચા મુકાતા હતા.

અમદાવાદ ઝવેરી બજારમાં ૯૯.૯૦   સોનાના દસ ગ્રામના ભાવ રૂપિયા ૧૦૩૩૦૦ જ્યારે ૯૯.૫૦ના પ્રતિ દસ ગ્રામ રૂપિયા ૧૦૩૦૦૦ મુકાતા હતા. ચાંદી .૯૯૯ એક કિલોના રૂપિયા ૧૧૪૫૦૦ બોલાતા હતા. 

વિશ્વ બજારમાં સોનું પ્રતિ ઔંસ ૩૩૬૦ ડોલર સાથે નરમ બોલાતુ હતું. ચાંદી ઔંસ દીઠ ૩૭.૭૯ ડોલર બોલાતી હતી. અન્ય કિંમતી ધાતુ પ્લેટિનમ ઔંસ દીઠ ૧૩૨૮ ડોલર જ્યારે પેલેડિયમ પ્રતિ ઔંસ ૧૧૫૯ ડોલર મુકાતું હતું. 

રશિયાનું ક્રુડ તેલ ખરીદનારા દેશોના માલસામાન પર ટેરિફ વધારવાની ડોનાલ્ડ ટ્રમ્પની ચીમકી બાદ રશિયા ખાતેથી ક્રુડ તેલનો પૂરવઠો ખોરવાવાની ભીતિએ ભાવમાં સુધારા તરફી ચાલ જોવા મળી હતી. નાયમેકસ ડબ્લ્યુટીઆઈ ક્રુડ તેલ બેરલ દીઠ ૬૬.૧૫ ડોલર જ્યારે આઈસીઈ બ્રેન્ટ ક્રુડ ઓઈલ ૬૮.૬૦ ડોલર મુકાતુ હતું. 

Tags :