અમેરિકામાં પેરોલ ડેટાની જાહેરાત બાદ વૈશ્વિક સ્તરે સોનામાં પીછેહઠ
- ચાંદીમાં સ્થાનિકમાં સુધારો : ક્રુડ તેલમાં ઘટાડો
- પેલેડિયમ તથા પ્લેટિનમ ઊંચા મથાળેથી પટકાયા
મુંબઈ : વિશ્વબજારમાં સોનાચાંદીમાં સામસામા રાહ જોવા મળ્યા હતા. સોનામાં સાધારણ ઘટાડો જ્યારે ચાંદીમાં ધીમો સુધારો જોવા મળ્યો હતો જેને પરિણામે સ્થાનિકમાં પણ સોનામાં નરમાઈ રહી હતી જ્યારે ચાંદીમાં ભાવ ઊંચા રહ્યા હતા. અમેરિકામાં નોન-ફાર્મ પેરોલ ડેટા જાહેર થવા પૂર્વે સોનું રેન્જબાઉન્ડ રહ્યું હતું. અન્ય કિંમતી ધાતુ પેલેડિયમ તથા પ્લેટિનમ ઊંચા મથાળેથી પટકાઈ હતી. અમેરિકામાં ક્રુડ તેલનો સ્ટોક વધીને આવતા ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો.
મોડી સાંજે જૂનના પેરોલ ડેટા અપેક્ષા કરતા મજબૂત આવતા સોનામાં પીછેહઠ થઈ હતી.
સ્થાનિક મુંબઈ ઝવેરીમાં ૯૯.૯૦ સોનુ પ્રતિ દસ ગ્રામ જીએસટી વગર સાધારણ ઘટી રૂપિયા ૯૭૩૩૭ બંધ રહ્યું હતું. ૯૯.૫૦ સોનાના દસ ગ્રામના ભાવ રૂપિયા ૯૬૯૪૭ મુકાતા હતા. જીએસટી સાથે ભાવ ત્રણ ટકા ઊંચા મુકાતા હતા. ચાંદી .૯૯૯ એક કિલોના જીએસટી વગરના ભાવ બુધવારની સરખામણીએ સહેજ વધી રૂપિયા ૧૦૭૬૨૦ રહ્યા હતા. જીએસટી સાથે ભાવ ત્રણ ટકા ઊંચા મુકાતા હતા.
અમદાવાદ ૯૯.૯૦ સોનાના દસ ગ્રામના ભાવ રૂપિયા ૧૦૦૫૦૦ જ્યારે ૯૯.૫૦ સોનાના પ્રતિ દસ ગ્રામના ભાવ રૂપિયા ૧૦૦૨૦૦ મુકાતા હતા. ચાંદી .૯૯૯ એક કિલોના રૂપિયા ૧૦૮૦૦૦ મુકાતા હતા. અમદાવાદમાં સોનામાં ટકેલુ વાતાવરણ હતુ જ્યારે ચાંદી રૂપિયા ૧૦૦૦ ઊંચી બોલાતી હતી.
અમેરિકામાં ગુરુવારે નોન-ફાર્મ પેરોલ ડેટા જાહેર થવા પહેલા સોનામાં રેન્જ બાઉન્ડ સ્થિતિ રહી હતી. નોન-ફાર્મ પેરોલ ડેટા ફેડરલ રિઝર્વને વ્યાજ દર અંગે નિર્ણય લેવાનું એક માપદંડ બની રહે છે. સોનું પ્રતિ ઔંસ સાધારણ ઘટી ૩૩૪૫ ડોલર જ્યારે ચાંદી ઔંસ દીઠ વધી ૩૬.૯૦ ડોલર મુકાતી હતી. સોનાચાંદીમાં સામસામા રાહ રહ્યા હતા.
જૂનના પેરોલ ડેટા અપેક્ષા કરતા સારા રહેતા ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં ઘટાડો થવાની શકયતા ઘટી ગઈ હોવાનું માનવામાં આવે છે. પેરોલ ડેટા જાહેર થયા બાદ સોનું મોડી રાતે ઔંસ દીઠ ૩૩૩૨ ડોલર મુકાતુ હતું.
અન્ય કિંમતી ધાતુ પેલેડિયમ તથા પ્લેટિનમ ઊંચા મથાળેથી પટકાઈ હતી. પેલેડિયમ ૨૫ ડોલર ઘટી મોડી સાંજે ઔંસ દીઠ ૧૧૩૫ ડોલર જ્યારે પ્લેટિનમ૪૦ ડોલર તૂટી ઔંસ દીઠ ૧૩૮૧ ડોલર ભાવ કવોટ થતો હતો. ઊંચા મથાળે પ્રોફિટ બુકિંગ બન્ને કિંમતી ધાતુમાં ઘટાડા તરફી ચાલ જોવા મળી હતી.
અમેરિકામાં ક્રુડ તેલનો સ્ટોક છ સપ્તાહમાં પહેલી વખત વધીને આવતા ભાવ ઘટાડા તરફી રહ્યા હતા. ડબ્લ્યુટીઆઈ નાયમેકસ પ્રતિ બેરલ ૬૭.૩૮ ડોલર જ્યારે આઈસીઈ બ્રેન્ટ ક્રુડ તેલ બેરલ દીઠ ૬૯ ડોલર મુકાતુ હતું.