સોનું સ્થિર જ્યારે અમદાવાદ ચાંદી વધી રૂ. 1,60,000ની નજીક પહોંચી
- રશિયા ખાતેથી પૂરવઠાની અનિશ્ચિતતાએ ક્રુડમાં નબળાઈ

મુંબઈ : શટડાઉન સમાપ્ત કરવા બાબત અમેરિકાના હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવમાં બુધવારે મતદાન હાથ ધરવામાં આવે તે પહેલા વૈશ્વિક સોનામાં સ્થિરતા જોવા મળી હતી જ્યારે ચાંદી મક્કમ રહી હતી. શટડાઉન ખૂલી જશે તો, આર્થિક ડેટા ચોક્કસ રીતે જાણી શકાશે અને ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં કપાત બાબતે પણ ચિત્ર વધુ સ્પષ્ટ ઊભરી આવશે તેવો મત પ્રવર્તી રહ્યો છે. ૨૦૨૬ના ચોથા ત્રિમાસિક સુધીમાં સોનાના ભાવ ૫૦૦૦ ડોલર પહોંચી જવાની જેપી મોર્ગન દ્વારા ધારણાં મૂકવામાં આવી છે.
કેન્દ્રીય બેન્કો અને રિટલરો દ્વારા ઘટાડે સોનાની ખરીદી નીકળવાની માર્ગને ધારણાં મૂકી છે. વૈશ્વિક ચાંદીના ભાવ ઊંચા મથાળે મક્કમ રહ્યા હતા. વિશ્વ બજાર પાછળ ઘરઆંગણે સોનામાં પ્રમાણમાં સ્થિરતા રહી હતી જ્યારે ચાંદીમાં સુધારો જળવાયો હતો. અમદાવાદ ચાંદી રૂપિયા ૧,૬૦,૦૦૦ની નજીક પહોંચી ગઈ હતી. રશિયા ખાતેથી પૂરવઠા બાબતે અનિશ્ચિતતા વચ્ચે ક્રુડ તેલમાં ભાવ ફરી ૬૫ ડોલરની અંદર ઊતરી ગયા હતા.
ઘરઆંગણે મુંબઈ બજારમાં ૯૯.૯૦ દસ ગ્રામ સોનાના જીએસટી વગરના ભાવ રૂપિયા ૧,૨૩,૯૧૩ રહ્યા હતા. જીએસટી સાથે ભાવ ત્રણ ટકા ઊંચા મુકાતા હતા. ૯૯.૫૦ દસ ગ્રામ સોનાના ભાવ રૂપિયા ૧,૨૩,૪૧૭ રહ્યા હતા. જીએસટી સાથે ભાવ ત્રણ ટકા ઊંચા મુકાતા હતા. ચાંદી .૯૯૯ એક કિલોના ભાવ જીએસટી વગર રૂપિયા ૧૯૪૫ વધી રૂપિયા ૧,૫૬,૭૦૫ મુકાતા હતા.
અમદાવાદ ઝવેરી બજારમાં સોનુ ૯૯.૯૦ પ્રતિ દસ ગ્રામ રૂપિયા ૧,૨૮,૦૦૦ જ્યારે ૯૯.૫૦ના દસ ગ્રામના ભાવ રૂપિયા ૧,૨૭,૭૦૦ બોલાતા હતા. ચાંદી .૯૯૯ એક કિલોના રૂપિયા ૧,૫૯,૫૦૦ કવોટ થતા હતા. અમદાવાદ ચાંદી રૂપિયા ૩૫૦૦ વધી હતી.
અમેરિકામાં શટડાઉન સમાપ્ત કરવા હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવમાં બુધવારે મતદાન હાથ ધરવામાં આવે તે પહેલા સોનામાં સ્થિરતા રહી હતી. જો કે અમેરિકા-ચીન વચ્ચે વેપાર કરાર થતા અને ભારત સાથે પણ અમેરિકાનું વેપાર ડીલ થવાની તૈયારીમાં છે ત્યારે ઔદ્યોગિક માગ વધવાની ધારણાંએ ચાંદી ઊંચા મથાળે મક્કમ રહી હતી. સોનુ પ્રતિ ઔંસ ૪૧૨૪ ડોલર જ્યારે ચાંદી ઔંસ દીઠ ૫૧.૬૦ ડોલર મુકાતી હતી. પ્લેટિનમ પ્રતિ ઔંસ ૧૫૮૦ ડોલર જ્યારે પેલેડિયમ ૧૪૩૪ ડોલર સાથે ઘટાડા તરફી રહ્યા હતા.
રશિયાના ક્રુડ ઓઈલના પ્રવાહને લઈને અનિશ્ચિતતા પ્રવર્તતા ભાવ નરમ રહ્યા હતા. મધદરિયે જંગી માત્રામાં રશિયાનું ક્રુડ ઓઈલ પરિવહનમાં છે. પરંતુ તે કયા દેશ તરફ વળશે તે પણ સ્પષ્ટ નથી. નાયમેકસ ડબ્લ્યુટીઆઈ ક્રુડ તેલ પ્રતિ બેરલ ૬૦.૧૪ ડોલર જ્યારે આઈસીઈ બ્રેન્ટ ક્રુડ ઓઈલ પ્રતિ બેરલ મોડી સાંજે ૬૪.૨૩ ડોલર બોલાતું હતું.

