સોનુ ખરીદવા જતા હોવ તો જાણી લો લેટેસ્ટ રેટ, અઠવાડિયામાં થયો છે મોટો ફેરફાર
Gold Price High: જો તમે સોનાની ખરીદી કરવાની યોજના બનાવી રહ્યા હોવ તો પહેલાં છેલ્લા એક સપ્તાહમાં તેની કિંમતમાં નોંધાયેલા ફેરફારો પર અવશ્ય નજર નાખજો. જેનાથી તમને સોનામાં મળી રહેલા રિટર્ન તેમજ તેના સતત વધી રહેલા ભાવનો ખ્યાલ મળશે. ગત સપ્તાહે સોનાની કિંમત નવી રેકોર્ડ ટોચે પહોંચી છે. છેલ્લા દસ દિવસમાં સોનાનો ભાવ રૂ. 2600 રૂપિયા પ્રતિ 10 ગ્રામ વધ્યો છે.
અમદાવાદમાં સોનું રૂ. 1500 મોંઘું થયું
અમદાવાદમાં ગત સપ્તાહે સોનું રૂ. 104000 પ્રતિ દસ ગ્રામની રેકોર્ડ ટોચે પહોંચ્યું હતું. છેલ્લા એક સપ્તાહમાં સોનાનો ભાવ રૂ. 1500 ઉછળ્યો છે. જ્યારે ઓગસ્ટ મહિનાના પ્રથમ દસ દિવસમાં જ સોનું રૂ. 2500 પ્રતિ દસ ગ્રામ મોંઘુ થયુ છે. ચાંદીમાં પણ રેકોર્ડ બ્રેક તેજી નોંધાઈ છે.
એમસીએક્સ પર ઐતિહાસિક ટોચે સોનું
મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોનાનો ભાવ છેલ્લા એક સપ્તાહમાં પોતાના તમામ રેકોર્ડ તોડી રૂ. 102,250 પ્રતિ 10 ગ્રામની ઐતિહાસિક ટોચે પહોંચ્યું હતું. જ્યારે સપ્તાહના અંતે સોનાનો રૂ. 101,498 પ્રતિ દસ ગ્રામ પર બંધ રહ્યો હતો. એમસીએક્સ પર 3 ઓક્ટોબરનો સોનાનો વાયદો 1 ઓગસ્ટના 99754થી રૂ. 1744 પ્રતિ 10 ગ્રામ વધ્યો છે.
આ પણ વાંચોઃ અમદાવાદ પ્લેન ક્રેશ: USના એવિએશન અને લીગલ એક્સપર્ટ દુર્ઘટનાસ્થળની મુલાકાતે પહોંચ્યા
સોનાનો ભાવ 1,10,000 થવાની શક્યતા
ટ્રમ્પની ટેરિફ નીતિના કારણે વૈશ્વિક સ્તરે અનિશ્ચિતતાઓ સર્જાઈ છે. ટ્રમ્પે હાલમાં જ ગોલ્ડ બાર પર ટેરિફ લાદ્યો હતો. જેના લીધે કિંમતી ધાતુના ભાવ ઉંચકાયા છે. વૈશ્વિક સ્તરે અનિશ્ચિતતાઓ વધતાં કિંમતી ધાતુની માગ વધી છે. વર્તમાન પરિબળોને ધ્યાનમાં લેતાં સોનાનો ભાવ ટૂંકસમયમાં રૂ. 1,10,000 પ્રતિ દસ ગ્રામની નવી રેકોર્ડ સપાટીએ સ્પર્શે તેવો અંદાજ કોમોડિટી નિષ્ણાતો આપી રહ્યા છે.
ઈન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશન (IBJA) દ્વારા દેશમાં સોનાના ભાવ
ઉલ્લેખનીય છે, ઈન્ડિયન બુલિયન જ્વેલર્સની વેબસાઈટ પર અપડેટ થતાં સોનાના ભાવ રાજ્યવાર અલગ-અલગ હોય છે. જેમાં 3 ટકા જીએસટી અને મેકિંગ ચાર્જ લાગુ નથી.
(નોંધઃ અહીં આપવામાં આવેલા સમાચાર માત્ર માહિતી પૂરતા છે. જે રોકાણ કરવાની સલાહ આપતા નથી. રોકાણમાં થતાં નફા-નુકસાન માટે ગુજરાત સમાચાર જવાબદાર રહેશે નહીં)