અઠવાડિયામાં સોનાના ભાવમાં મોટો ઉછાળો, રોકાણકારોને લ્હાણી, જાણો 24 કેરેટનો લેટેસ્ટ રેટ
Gold Price All Time High: અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ નીતિના કારણે વિશ્વની મહાસત્તા આર્થિક ભીંસમાં આવી હોવાના અહેવાલોએ કિંમતી ધાતુમાં ફરી તેજીનો દોર શરૂ કર્યો છે. છેલ્લા એક સપ્તાહથી સોના અને ચાંદીના ભાવ રોજ નવી ઐતિહાસિક ટોચ નોંધાવી રોકાણકારોને મબલક રિટર્ન આપી રહ્યા છે. જ્યારે બીજી બાજુ નવા સામાન્ય ગ્રાહકો માટે આ સેફ હેવનની ખરીદી અશક્ય બની છે.
સોનું રૂ. 4300 મોંઘુ થયું
વૈશ્વિક સ્તરે સોના-ચાંદીના ભાવમાં તેજીના પગલે સ્થાનિક બજારમાં છેલ્લા એક સપ્તાહમાં સોનાનો ભાવ રૂ. 4300 વધ્યો છે. ગઈકાલે સોનાની કિંમત રૂ. 1,11,000 પ્રતિ 10 ગ્રામની નવી સર્વોચ્ચ સપાટીએ પહોંચી હતી. જે અગાઉના 30 ઓગસ્ટના શનિવારે રૂ. 1,06,700 પ્રતિ 10 ગ્રામ હતો. સપ્ટેમ્બરની શરૂઆતથી સોનાના ભાવ સતત વધી રહ્યા છે.
ચાંદીમાં પ્રોફિટ બુકિંગ સાથે ખરીદી
સોના કરતાં ચાંદીની કિંમત પૂરઝડપે વધી રહી છે. ચાંદીની ઔદ્યોગિક માગને ધ્યાનમાં લેતાં રોકાણ સતત વધી રહ્યું છે. અમદાવાદ ચોક્સી મહાજનના આંકડાઓ અનુસાર, ગુરૂવારે ચાંદી રૂ. 1,25,000 પ્રતિ કિગ્રાની ઓલટાઈમ હાઈ સપાટીએ પહોંચી હતી. જો કે, ગઈકાલે શનિવારે રૂ. 1000 ઘટી રૂ. 1,24,000 પ્રતિ કિગ્રા પર ક્વોટ થઈ હતી.
સોનાના ભાવ સતત જૂના રેકોર્ડ તોડી નવી ટોચ બનાવી રહ્યા છે. એમસીએક્સ પર પણ તેજી છવાઈ છે. એમસીએક્સ સોનાનો 3 ઓક્ટોબર વાયદો રૂ. 1,07,740 પ્રતિ 10 ગ્રામ થયો હતો. જે ટ્રેડિંગ દરમિયાન તે 1,07,807 રૂપિયાના રેકોર્ડ સ્તરે પહોંચ્યો હતો, જો આપણે સાપ્તાહિક અપડેટ પર નજર કરીએ તો, 29 ઓગસ્ટના રોજ તેની કિંમત 10 ગ્રામ દીઠ 1,03,824 રૂપિયા હતી અને શુક્રવારના 1,07,740 રૂપિયા મુજબ, તે 3,916 રૂપિયા મોંઘી થઈ ગઈ છે.