વિશ્વ બજારમાં હેજ ફન્ડોની સેફ હેવન ખરીદીથી સોનાના ભાવ ઊંચકાયા
- અમદાવાદ સોનુ ફરી રૂપિયા ૧,૦૦,૦૦૦ને પાર: કસ્ટમ્સ ડયૂટી વસૂલવા ટેરિફ વેલ્યુમાં ઘટાડો
મુંબઈ : વિશ્વબજારમાં ડોલર નબળો પડતા હેજ ફન્ડોની સોનામાં નવેસરથી લેવાલી નીકળતા ભાવમાં મજબૂતાઈ આવી હતી. સોનાની પાછળ વિશ્વ બજારમાં ચાંદીમાં પણ ભાવમાં સુધારો જોવા મળ્યો હતો. ટ્રમ્પના ટેરિફ જોખમો અને બજેટ બિલથી અમેરિકન અર્થતંત્રમાં અનિશ્ચિતતા ઊભી થઈ છે જેને કારણે ડોલર નબળો પડયો છે અને હેજ ફન્ડો સેફ હેવન તરીકે ગોલ્ડમાં રોકાણ તરફ વળ્યા છે.
સ્થાનિકમાં સોનામાં રૂપિયા ૧૫૦૦ જેટલો ઉછાળો આવ્યો હતો. અમદાવાદમાં સોનુ ફરી રૂપિયા ૧,૦૦,૦૦૦ ને પાર કરી ગયું હતું. ચાંદી પણ ઊંચકાઈ હતી. ડોલર ઈન્ડેકસનું સ્તર ૨૦૨૨ની નીચી સપાટીએ જોવા મળ્યું હતું.
કસ્ટમ્સ ડયૂટીની વસૂલી માટે સોનાચાંદીની ટેરિફ વેલ્યુ કસ્ટમ્સ સત્તાવાળા દ્વારા જાહેર કરવામાં આવી છે. સોના પર આયાત ડયૂટીની ગણતરી માટે પ્રતિ દસ ગ્રામ ૧૦૯૨ ડોલર પરથી ઘટાડી ૧૦૫૪ ડોલર ટેરિફ વેલ્યુ નિશ્ચિત કરવામાં આવી છે જ્યારે ચાંદીની આયાત પર કસ્ટમ્સ ડયૂટી વસૂલવા પ્રતિ કિલો ૧૧૬૪ ડોલર ટેરિફ વેલ્યુ નિશ્ચિત કરવામાં આવી છે. જે અગાઉ ૧૧૭૧ ડોલર હતી.
સ્થાનિક મુંબઈ બજારમાં ૯૯.૯૦ દસ ગ્રામ સોનાના જીએસટી વગરના ભાવ સોમવારની સરખામણીએ રૂપિયા ૧૫૦૦ જેટલું વધી રૂપિયા ૯૭૪૩૦ બંધ રહ્યું હતું. ૯૯.૫૦ના દસ ગ્રામના ભાવ રૂપિયા ૯૭૦૪૦ રહ્યા હતા. જીએસટી સાથે ભાવ ત્રણ ટકા ઊંચા મુકાતા હતા. ચાંદી પણ રૂપિયા ૧૪૦૦ જેટલી ઊંચકાઈ હતી. ચાંદી .૯૯૯ એક કિલોના જીએસટી વગરના ભાવ રૂપિયા ૧૦૬૯૬૩ કવોટ થતા હતા.
અમદાવાદ ઝવેરીબજારમાં ૯૯.૯૦ સોનુ દસ ગ્રામ દીઠ રૂપિયા ૧૪૦૦ વધી ફરી રૂપિયા ૧,૦૦,૪૦૦ રહ્યું હતું. ૯૯.૫૦ સોનાના દસ ગ્રામ દીઠ ભાવ રૂપિયા ૧૦૦૧૦૦ મુકાતા હતા. અમદાવાદ ચાંદી .૯૯૯ એક કિલોના ભાવ રૂપિયા ૧૦,૬૦૦૦ મુકાતા હતા.
વિશ્વ બજારમાં હેજ ફન્ડોની લેવાલીએ સોનું પ્રતિ ઔંસ ૩૩૫૦ ડોલર જ્યારે ચાંદી ઔંસ દીઠ ૩૬.૪૪ ડોલર મુકાતી હતી. ડોલર ઈન્ડેકસ નબળો પડતા હેજ ફન્ડોની સોનામાં સેફ હેવન લેવાલી નીકળી હતી. વિશ્વ બજારમાં સોનાના ભાવ સોમવારની સરખામણીએ ૫૦ ડોલર ઊંચા મુકાતા હતા.
અન્ય કિંમતી ધાતુ પ્લેટિનમ પ્રતિ ઔંસ ૧૩૫૭ ડોલર જ્યારે પેલેડિયમ ૨૧ ડોલર જેટલું ઊંચકાઈને ૧૧૨૮ ડોલર કવોટ થતું હતું. પૂરવઠા ખેંચની ચિંતા અને ફ્યુચર્સમાં ઓછી લિક્વિડિટીને પરિણામે પેલેડિયમમાં મજબૂતાઈ જોવા મળી છે.
ઓર્ગેનાઈઝેશન ઓફ પેટ્રોલિયમ એકસપોર્ટિંગ કન્ટ્રીસ (ઓપેક) તથા સાથી દેશોની ૬ જુલાઈની મળી રહેલી બેઠકમાં ઓગસ્ટમાં ઉત્પાદન વધારવાની જાહેરાત આવી પડવાની ધારણાંએ ક્રુડ તેલમાં સ્થિરતા જોવા મળી હતી. ડબલ્યુટીઆઈ નાયમેકસ્ ક્રુડ ઓઈલ પ્રતિ બેરલ ૬૫.૬૭ ડોલર જ્યારે આઈસીઈ બ્રેન્ટ ક્રુડ બેરલ દીઠ ૬૭.૨૭ ડોલર મુકાતુ હતું. ટેરિફ મુદ્દે ૯ જુલાઈની ડેડલાઈન પૂર્વે રોકાણકારોની ટ્રેડ વાટાઘાટો પર નજર ટકેલી છે.