સોનાનો ભાવ રૂ.1.50 લાખને પણ કુદાવી જશે : ગોલ્ડમેન સાક્સનો અંદાજ
- વૈશ્વિક અર્થતંત્રમાં અસ્થિરતા અને ટેરિફ તણાવને કારણે રોકાણકારો સલામત વિકલ્પ તરીકે સોના તરફ વળ્યા
અમદાવાદ : વૈશ્વિક સરહદી ચિંતાઓની સાથે સાથે હવે ટ્રમ્પની મેક અમેરિકા ગ્રેટ અગેઈન માટેની રેસિપ્રોકલ ટેરિફની નીતિથી વૈશ્વિક વેપારમાં ઉભી થયેલી અનિશ્ચિત્તાઓને કારણે સોનામાં આગઝરતી તેજીનો ચમકારો જોવા મળી રહ્યો છે. સોનાનો ભાવ રોજબરોજ નવા હાઈ પાર કરી રહ્યાં છે. સેફહેવન સોનાનો ભાવ ભારતમાં દોઢ લાખ પ્રતિ ૧૦ ગ્રામને પાર નીકળવાનો નવો ચોંકાવનારો અંદાજ ગોલ્ડમેન સાક્સે મૂક્યો છે.
વૈશ્વિક અર્થતંત્રમાં અસ્થિરતા અને અમેરિકા અને ચીન વચ્ચેના ટેરિફ તણાવને કારણે રોકાણકારો સલામત વિકલ્પ તરીકે સોના તરફ વળી રહ્યા છે. ગોલ્ડમેન સાક્સે મોટો દાવો કર્યો છે કે આગામી સમયમાં ૧૦ ગ્રામ સોનાનો ભાવ ૧.૫૫ લાખ રૂપિયા સુધી પહોંચી શકે છે.
વર્તમાન ભાવે જ સોનું સર્વકાલીન રેકોર્ડ ઉચ્ચ સ્તરે પહોંચી ગયું છે. અમદાવાદ સોનાનો ભાવ પ્રતિ ૧૦ ગ્રામ ૧,૧૧,૦૦૦ રૂપિયા છે. જો ગોલ્ડમેન સાક્સના અહેવાલ પર વિશ્વાસ કરવામાં આવે તો આ ભાવમાં હજી ૫૦ ટકાની તેજી જોવા મળી શકે છે.
વૈશ્વિક જાયન્ટ રીસર્ચ સંસ્થાના મતે જો યુએસ ફેડરલ રિઝર્વ વ્યાજ દર ઘટાડે છે, તો ડોલર નબળો પડશે અને સોનાની માંગ વધશે. આ સિવાય રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તરફથી ફેડ પર દબાણના સમાચાર પણ બજારમાં તેજીને ટેકો આપી રહ્યા છે. ડોલર ઇન્ડેક્સમાં નબળાઈ અને રૂપિયાની મજબૂતાઈ ભારતમાં સોનું વધુ મોંઘુ બનાવી શકે છે. આ સિવાય વૈશ્વિક સરહદી અને આથક અનિશ્ચિત્તાઓ સોનાને ઈંધણ પુરૂં પાડશે.
અગાઉ ગોલ્ડમેન સાક્સે સોનાનો ભાવ પ્રતિ ઔંસ ૪૦૦૦ યુએસ ડોલર એટલેકે લગભગ રૂ૧.૨૫ લાખ પ્રતિ ૧૦ ગ્રામ પહોંચવાનો અંદાજ લગાવ્યો હતો.
જોકે હવે આ ટાર્ગેટ વધારીને ૫૦૦૦ ડોલર પ્રતિ ઔંસ એટલેકે લગભગ રૂ૧.૫૫ લાખ પ્રતિ ૧૦ ગ્રામ કરવામાં આવ્યો છે.
સોનામાં તોફાની તેજી : અમદાવાદ ખાતે રૂ. ૧,૧૧,૦૦૦નો વિક્રમ
અમદાવાદ, તા. ૬
વૈશ્વિક બજારો પાછળ કિંમતી ધાતુઓમાં ઊદ્ભવેલ આગઝરતી તેજી આજે આગળ વધી હતી. જેમાં અમદાવાદ ખાતે સોનામાં રૂ. ૧,૧૧,૦૦૦નો નવો વિક્રમ રચાયો હતો.
અમેરિકામાં ગઇકાલે જોબગ્રોથ નબળો આવ્યા બાદ મોડી રાત્રે ભાવમાં ઉછાળો નોંધાયો હતો. આ તેજી ાજે ચાલુ રહેતા વૈશ્વિક સોનું વધીને ૩૫૮૭ ડોલર મુકાયું હતું. જો કે ચાંદી ૪૧ ડોલરના મથાળે સ્થિર રહી હતી.
આ અહેવાલો પાછળ આજે અમદાવાદ સોના-ચાંદી બજારમાં સોનું ૯૯.૯ રૂ. ૧૦૦૦ ઉછળીને રૂ. ૧,૧૧,૦૦૦ની વિક્રમી સપાટીને આંબી ગયું હતું. જ્યારે સોનું ૯૯.૫ રૂ. ૧,૧૦,૭૦૦ની સપાટીએ હતું. હોલમાર્ક સોનાના ભાવ રૂ. ૧,૦૮.૭૮૦ મુકાતા હતા.
દરમિયાન, વૈશ્વિક એજન્સી ગોલ્ડમેન દ્વારા આગામી સમયમાં સોનું ઉછળીને ૧૦ ગ્રામ દીઠ રૂ. ૧.૫૦ લાખ પહોંચવાની આગાહી કરાઈ હતી. જેના કારમે બજારમાં ઉત્તેજના જોવા મળી હતી.
આજે બંધ બજારે ડોલર સામે રૂપિયો ૮૮.૧૮ મુકાતો હતો. મુંબઇ બુલીયન બજાર આજે ગણેશ વિસર્જન પર્વને અનુલક્ષી બંધ રહ્યું હતું.