Get The App

સોનાના ભાવ 2019માં 23 ટકા વધ્યા પછી નવા વર્ષમાં વધુ 6થી 7 ટકા ઉંચા જવાની શક્યતા

- વિશ્વ બજારમાં સોનાએ ૧૫૦૦ ડોલર થયા પછી હવે ૨૦૨૦માં ભાવ ૧૬૦૦ ડોલર સુધી પહોંચવાની બતાવાતી ધારણાઃ ચાંદીમાં વાર્ષિક ભાવ વૃદ્ધી ૨૧ ટકા નોંધાઈ

- અમેરિકામાં વ્યાજ દરમાં ઘટાડા પર હવે ખેલાડીઓની નજર

Updated: Dec 31st, 2019

GS TEAM

Google News
Google News
સોનાના ભાવ 2019માં 23 ટકા  વધ્યા પછી નવા વર્ષમાં વધુ 6થી 7 ટકા ઉંચા  જવાની શક્યતા 1 - image

મુંબઈ, તા.31 ડિસેમ્બર 2019, મંગળવાર

દેશના ઝવેરી બજારોમાં ૨૦૧૯ના વર્ષે તેજી સાથે વિદાય લીધી છે.બજારના જાણકારોના જણાવ્યા મુજબ ૨૦૧૯ના વર્ષમાં સોનાના ભાવ એકંદરે વાર્ષિક ધોરણે આશરે ૨૩ ટકા ઉછળ્યા છે. આવી વાર્ષિક ભાવ વૃદ્ધિ પાછલા ૮ વર્ષમાં ક્યારેય જોવા મળી નથી એ જોતાં ૨૦૧૯માં સોનાના સોનાના ભાવની તેજીએ ૮ વર્ષનો રેકોર્ડ તોડયો છે. સોનાના ભાવ ૧૦ ગ્રામના ૨૦૧૧માં રૂ.૨૭૧૦૦ હતા તે  ૨૦૧૨માં વધી રૂ.૩૦૪૯૦ તથા ૨૦૧૩માં રૂ.૨૯૨૪૦ થયા પચી  ૨૦૧૪માં ભાવ રૂ.૨૬૭૨૦ નોંધાયા હતા.

 ૨૦૧૫માં ભાવ વધુ નીચે ઉતરી રૂ.૨૪૯૮૦ રહ્યા હતા જ્યારે ૨૦૧૬માં  ભાવ ફરી ઉંચા જઈ રૂ.૨૭૯૦૦ બોલાયા હતા.  આ પછી ૨૦૧૭માં સોનાના ભાવ વધુ વધી રૂ.૨૯૨૪૦ તથા ૨૦૧૮માં રૂ.૩૧૫૮૫ રહ્યા હતા.  તથા ૨૦૧૯માં ભાવ ઉછળી રૂ.૩૮૮૮૨ બોલાયા હતા.

આમ વાર્ષિક ધોરણે ગણતા ૨૦૧૯નું વર્ષ સોના માટે ખાસ્સી તેજીવાળું વિત્યું છે. જીએસટી સાથેના ભાવ આ ભાવથી ૩ ટકા ઉંચા રહ્યા હતા.  દરમિયાન, ચાંદીના ભાવ પણ ૨૦૧૯ના વર્ષમાં વાર્ષિક ધોરણે આશરે ૨૧ ટકા ઉંચા  ગયા છે.  ૨૦૧૯માં ચાંદીના સરેરાશ  ભાવ કિલોના રૂ.૪૬૧૩૦ જીએસટી વગર રહ્યા હતા. જ્યારે જીએસટી સાથેના ભાવ ૩ ટકા ઉંચા રહ્યા હતા. 

દરમિયાન, ચાંદીના ભાવ ૨૦૧૧માં રૂ.૫૦૯૬૫ રહ્યા પછી ૨૦૧૨માં ઉછળી રૂ.૫૭૮૨૦ બોલાયા હતા તથા ૨૦૧૩માં ભાવ ઉંચેથી ગબડી રૂ.૪૩૮૦૦ રહ્યા હતા.  ૨૦૧૪માં ભાવ વધુ નીચે ઉતરી  રૂ.૩૭૧૯૫ તથા ૨૦૧૫માં રૂ.૩૩૫૬૫  રહ્યા હતા.  આ પછી ૨૦૧૬માં ભાવ બાઉન્સ બેક થઈ રૂ.૩૯૯૩૦ રહ્યા હતા તથા ૨૦૧૭માં  ભાવ ફરી નીચા ઉતરી  સરેરાશ રૂ.૩૮૪૨૫ રહ્યા હતા.  ૨૦૧૮માં આ ભાવ રૂ.૩૮૨૪૫  રહ્યા હતા જ્યારે  ૨૦૧૯માં ભાવ ઉછળી રૂ.૪૬૧૭૦ બોલાયા હતા.

વિશ્વ બજારમાં ભાવ ઉછળતા રહેતાં ૨૦૧૯માં ગરઆંગણે કિંમતી ધાતુઓની આયાત પડતર ઉંચી ગઈ છે. વિશ્વ બજારમાં  તાજેતરમાં સોનાના ભાવ ઉછળી ઔંશના ૧૫૦૦ ડોલરની ઉપર ગયાના સમાચાર મળ્યા છે.  ઘરઆંગણે ૨૦૧૯માં કરન્સી બજારમાં રૂપિયાસામે ડોલરના ભાવ પણ ઉંચા ગયા છે અને તેના પગલે  દેશમાં કિંમતી ધાતુઓની આયાત પડતરમાં ખાસ્સી વૃદ્ધી જોવા મળી છે. ઈમ્પોર્ટ કોસ્ટ ઉંચી જતાં  દેશના ઝવેરી બજારમાં તેજીનો પવન ફૂંકાતો જોવા મળ્યો હતો. 

ઘરઆંગણે ઈમ્પોર્ટ ડયુટી વધી ૧૨.૫૦ ટકા થઈ છે  ઉપરાંત ૩ ટકા જીએસટીનો બોજ પણ હોતાં દેશમાં ૨૦૧૯માં  સોનાની દાણચોરી  વદી છે અને આના પગલે ઘરઆંગણે સોનાની બિનસત્તાવાર  આયાત વદી છે  ત્યારે સત્તાવાર આયાતમાં  ઘટાડો થયો છે.

૨૦૧૯માં મંથલી ડિપોઝીટ સ્કાયના સંદર્ભમાં અમુક જ્વેલર્સો પર લોકોનો ભરોસો  પણ ઘટતાં માગને અસર પડી હતી. દરમિયાન, વિશ્વ બજારના ખેલાડીઓના જણાવ્યા મુજબ  ૨૦૧૯માં સોનાના ભાવમાં ૨૩ ટકાની વૃદ્ધિ આવ્યા પછી ૨૦૨૦ના વર્ષમાં પણ ભાવ વધુ ઉંચે જશે પરંતુ ૨૦૨૦માં આવી વાર્ષિક ભાવ વૃદ્ધી  આશરે ૬થી ૭ ટકા જ નોંધાવાની શક્યતા  છે.

વિશ્વ બજારમાં  હવે અમેરિકામાં  નવા વર્ષમાં  વ્યાજના દરોમાં ક્યારે અને કેટલો ઘટાડો કરવામાં  આવે છે તેના પર ખેલાડીઓની નજર રહી છે. આવા વ્યાજના દર નીચા જશે તો સોનાના ભાવ ઉંચા જશે એવી ગણતરી ખેલાડીઓ બતાવી રહ્યા હતા.  વિશ્વ બજારમાં નવા વર્ષમાં  સોનાના ભાવ ઉંચામાં  ઔંશના ૧૫૬૫ ડોલર સુધી જવાની શક્યતા જાણકારો બતાવી રહ્યા હતા.  જોકે ગોલ્ડમેન સેકના જણાવ્યા મુજબ ભાવ ઉંચામાં ૧૬૦૦ ડોલર સુધી જવાની શક્યતા છે.

 
Tags :