સોનામાં જોરદાર તેજી મુદ્દે નિષ્ણાતોનું એલર્ટ, જાણો 1970માં ક્રૂડ સંકટના કારણે શું થયું હતું
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Gold Investments: વૈશ્વિક સ્તરે અનિશ્ચિતતાઓના વાદળો વચ્ચે કિંમતી ધાતુમાં તેજીનું ઘોડાપુર જોવા મળ્યું છે. સોના અને ચાંદીના ભાવ રોજ નવી રેકોર્ડ ટોચ નોંધાવી રહ્યા છે. વૈશ્વિક બજારમાં ગોલ્ડ 4000 ડોલર પ્રતિ ઔંસની સપાટી ક્રોસ કરી રહ્યું છે. સ્થાનિક બજારમાં પણ સોનાનો ભાવ રૂ. 1,26,500 પ્રતિ 10 ગ્રામ બોલાઈ રહ્યો છે. આ સાથે ચાલુ કેલેન્ડર વર્ષમાં સોનું 60 ટકા મોંઘુ થયુ છે.
સોનાના ભાવમાં આકર્ષક ઉછાળાને ધ્યાનમાં લેતાં ચાર્ટર્ડ ફાઈનાન્સિયલ એનાલિસ્ટે લોકોને એલર્ટ કર્યા છે. તેમનું માનવુ છે કે, સોનામાં ફુગાવો સારા સંકેત આપી રહ્યો નથી. તેને એક એલર્ટ સ્વરૂપે જોવું જોઈએ.
શું કહે છે એક્સપર્ટ
હિમાંશુ પંડ્યા કહે છે કે સોનાના ભાવમાં વધારાનું કારણ ફક્ત નફાને આભારી ગણવું ખોટું હશે. તેની પાછળ ભય અને અનિશ્ચિતતા પણ છે. સેન્ટ્રલબેન્કો, સોવરિન ફંડ્સ અને સંસ્થાકીય રોકાણકારો હાલ સૌથી વધુ સોનું ખરીદી રહ્યા છે. તેઓ નફાની અપેક્ષા સાથે સોનું ખરીદી રહ્યા નથી, પરંતુ તેમના પોર્ટફોલિયોને સુરક્ષિત રાખવા માટે સોનાની ખરીદી કરી રહ્યા છે. આનો અર્થ એ છે કે સેન્ટ્રલ બેન્કો પણ સલામતી માટે સોના તરફ આકર્ષાઈ રહી છે. તેથી કહી શકાય કે, જ્યારે સરકાર રેકોર્ડ ઊંચાઈએ સોનું ખરીદે છે, ત્યારે તે નફો નહીં પણ પોતાના રિઝર્વ્સને સુરક્ષિત કરવા માટે આ પગલું લે છે.
માત્ર રોકાણ માટે નહીં, પણ...
નિષ્ણાતના મતે સોનું હવે રોકાણનું સાધન રહ્યું નથી, તે ફુગાવા સામે બચાવનું સાધન પણ રહ્યું નથી. તેમાં તેની સાથે જોડાયેલા નાણાકીય તંત્રો, વિશ્વસનીયતા અને ફોરેક્સ વ્યવસ્થા પર વિશ્વાસની અછત પણ જોવા મળે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ખાસ કરીને ભારતમાં એફડીની તુલનાએ સોનામાં રોકાણ તરફ લોકોનું આકર્ષણ વધ્યું છે. ડિજિટલ ફોર્મેટમાં સોનામાં રોકાણ વધ્યું છે.
ગોલ્ડ ઈટીએફ રિટર્નમાં અગ્રણી
2025 માં સોનાએ 51%થી વધુ રિટર્ન આપ્યું છે. જે તેને એક આકર્ષક રોકાણ વિકલ્પ બનાવે છે. જોકે, ગોલ્ડ ફંડ્સ (ગોલ્ડ ETFs) એ તેનાથી પણ વધુ રિટર્ન આપ્યું છે, જેમાં રિટર્ન 66% થી વધ્યું છે. નોંધનીય છે કે એક વર્ષ પહેલાં સોનાનો ભાવ રૂ. 77,400 પ્રતિ 10 ગ્રામ હતો, જે વધી રૂ. 1,26,500 પ્રતિ 10 ગ્રામ થયો છે. જે લગભગ 65% નો ઉછાળો દર્શાવે છે.
છેલ્લા પાંચ વર્ષોમાં, સોનાએ આશરે 200% રિટર્ન આપ્યું છે, જે તેની કિંમતમાં લગભગ ત્રણ ગણો વધારો છે. આ સરેરાશ વાર્ષિક CAGR (ચક્રવૃદ્ધિ વાર્ષિક વૃદ્ધિ દર) પ્રતિ વર્ષ 24% રહ્યો છે. આ નિફ્ટી 50 જેવા ઇક્વિટી સહિતના અન્ય રોકાણ કરતાં વધુ છે. આ સમયગાળા દરમિયાન ઇક્વિટીએ મહત્તમ વાર્ષિક રિટર્ન લગભગ 17% આપ્યું છે. 2020ની શરૂઆતમાં 10 ગ્રામ સોનાનો ભાવ રૂ. 40,000 હતો, જે હાલ 10 ગ્રામદીઠ રૂ. 1,26,500એ પહોંચ્યો છે.
1970ના દાયકાનું ક્રૂડ સંકટ?
1973 પહેલાં વિશ્વના મોટાભાગના દેશો મધ્ય પૂર્વીય ક્રૂડ પર નિર્ભર હતા. તે સમયે ક્રૂડના ભાવ ખૂબ ઓછા હતા અને આર્થિક વિકાસ ઝડપી હતો. યુનાઇટેડ સ્ટેટ્સ, યુરોપ અને જાપાન જેવા દેશોની અર્થવ્યવસ્થા આ સસ્તા ક્રૂડ પર નિર્ભર હતી. ઓક્ટોબર 1973માં આરબ-ઇઝરાયલ યુદ્ધ ફાટી નીકળ્યું હતું. યુનાઇટેડ સ્ટેટ્સ અને પશ્ચિમી દેશોએ આ યુદ્ધમાં ઇઝરાયલને ટેકો આપ્યો હતો. તેના વિરોધમાં ઓપેક (પેટ્રોલિયમ નિકાસ કરનારા દેશોનું સંગઠન) ના આરબ સભ્ય દેશોએ અમેરિકા અને તેના સાથીઓને ક્રૂડ વેચવાનું બંધ કરી દીધું. જેથી ક્રૂડના ભાવ થોડા મહિનામાં ચાર ગણા વધ્યા હતાં. જે ત્રણથી 12 ડોલર પ્રતિ બેરલ થયા હતાં. તેના કારણે વૈશ્વિક ફુગાવો અને બેરોજગારી વધી. 1970નું આ ક્રૂડ સંકટ વૈશ્વિક અર્થતંત્રના ઇતિહાસમાં સૌથી મોટા સંકટ પૈકી એક હતું.
(નોંધઃ અહીં આપવામાં આવેલા સમાચાર માત્ર માહિતી માટે છે. જે રોકાણ કરવા સલાહ આપતા નથી. રોકાણ કરતાં પહેલાં તમારા નાણાકીય સલાહકારની સલાહ અવશ્ય લો.)









