સોના-ચાંદીમાં મબલક તેજી, આજે ફરી રેકોર્ડ ટોચે, આ વર્ષે રોકાણકારોને 47 ટકા નફો
Gold Price All Time High: ફેડ રિઝર્વ દ્વારા વ્યાજના દરોમાં ઘટાડાની અપેક્ષા સાથે કિંમતી ધાતુમાં તેજી આવી છે. સોનાનો ભાવ આજે 1,16,000 પ્રતિ 10 ગ્રામની રેકોર્ડ સપાટીએ પહોંચ્યો છે. ચાંદીએ પણ રૂ. 1,35,000 પ્રતિ કિગ્રાની ઓલટાઈમ હાઈ સપાટી નોંધાવી છે.
ચાંદીમાં રૂ. 3500નો ઉછાળો
બુલિયન માર્કેટ અનુસાર, અમદાવાદમાં સોનાની કિંમત આજે રૂ. 1700 ઉછળી રૂ. 1,16,000 પ્રતિ 10 ગ્રામની સર્વોચ્ચ ટોચે પહોંચી છે. જ્યારે ચાંદી અધધધ રૂ. 3500 ઉછળી રૂ. 1,35,000 પ્રતિ કિગ્રાની રેકોર્ડ ટોચે પહોંચી છે. વૈશ્વિક સ્તરે અને એમસીએક્સ ખાતે પણ સોના-ચાંદી આજે ઓલટાઈમ નોંધાયા હતા.
આ વર્ષે સોનામાં 47 ટકા રિટર્ન
ચાલુ કેલેન્ડર વર્ષમાં સોનામાં રોકાણકારોને 47 ટકા રિટર્ન મળ્યું છે. જે 31 ડિસેમ્બર, 2024ના રોજ રૂ. 78700 પ્રતિ 10 ગ્રામ સામે 37300 રૂપિયા ઉછાળા સાથે આજે નવી રેકોર્ડ ટોચે પહોંચ્યું છે. ચાંદીમાં પણ રોકાણકારોને કિગ્રાદીઠ રૂ. 48500 રિટર્ન મળ્યું છે. જેનો ભાવ 31 ડિસેમ્બર, 2025ના રોજ રૂ. 86500 સામે આજે રૂ. 1,35,000 પ્રતિ કિગ્રા થયો છે.આ વર્ષે વૈશ્વિક અનિશ્ચિતતાઓ, જિઓ-પોલિટિકલ ક્રાઈસિસ અને ટ્રમ્પ સરકાર સત્તા પર આવતાં શરૂ થયેલો ટેરિફ વૉર જેવા અનેક પરિબળોના કારણે કિંમતી ધાતુના ભાવ સતત ઊંચકાયા છે. રોકાણકારો હેજિંગના ભાગરૂપે સેફ હેવન તરફ ડાયવર્ટ થયા છે. વધુમાં વિવિધ દેશોની સેન્ટ્રલ બેન્કોએ પણ કિંમતી ધાતુની ખરીદી વધારી છે.
કિંમતી ધાતુમાં તેજીના કારણો
1. ફેડ રેટ કટઃ ફેડ રિઝર્વે અમેરિકામાં મોંઘવારીની ભીતિ વચ્ચે વ્યાજના દરોમાં 0.25 ટકાનો ઘટાડો કર્યો છે. તેમજ આ વર્ષના અંત સુધીમાં વધુ બે વખત ઘટાડો કરવાનો સંકેત પણ આપ્યો છે. જેના લીધે સેફ હેવનમાં રોકાણ વધ્યું છે.
2. ટ્રમ્પનો ટેરિફવૉરઃ ટ્રમ્પ દ્વારા વિવિધ દેશો પર અવારનવાર ટેરિફ લાદવાની જાહેરાત થઈ રહી છે. અમેરિકાએ ભારત પર 50 ટકા ટેરિફ લાદ્યો છે. ટ્રમ્પ સતત આકરા પગલાં લઈ સૌ કોઈને ચોંકાવી રહ્યા છે. ટેરિફવૉરની ભીતિના કારણે અનિશ્ચિતતા વધી છે.
3. સેન્ટ્રલ બેન્કોની ખરીદીઃ વૈશ્વિક અનિશ્ચિતતાઓ અને જિઓ-પોલિટિકલ ક્રાઈસિસના પગલે રશિયા, ચીન, ભારત, યુકે સહિતની સેન્ટ્રલ બેન્કો સતત પોતાના ગોલ્ડ રિઝર્વમાં વધારો કરી રહી છે.
4. ઔદ્યોગિક માગ વધીઃ ઈલેક્ટ્રિક કોમ્પોનન્ટ્સમાં ચાંદીની વધતી જરૂરિયાતના કારણે ઔદ્યોગિક માગ વધી છે. વધુમાં રોકાણકારો વર્તમાન તેજીનો લાભ લેવા માટે પણ ચાંદી અને સોનામાં રોકાણ વધારી રહ્યા છે.